નોંધઃ આ લેખ હળવાશભર્યો છે, ઘડીક મરકવા માટે છે. એને વાંચીને, કોઈ આમ આદમી પાર્ટીના કટ્ટર અનુયાયી હોવ તો પ્લીઝ, બંધબેસતી ટોપી પહેરીને દુઃખી ના થતા. આમ પણ, ‘આપ’ને અત્યારે દુઃખ વધારવાની નહીં, સમાધાન શોધવાની જરૂર છે. તો, આનંદ કરો)
તો, આપણા પોતાના આમ આદમી, રાજમાન રાજેશરી અરવિંદ કેજરીવાલ ફાઇનલી પરવારી ગયા છે. દસ વરસ લાગ્યાં એમને ખરેખરી નિરાંત મેળવતા. ના ના, વધારે લાગ્યાં. કેમ, અણ્ણા હજારેએ પહેલીવાર ભ્રષ્ટાચાર સામે આંદોલન છેડ્યું એ તો છેક 2011માં. ત્યારથી કેજરીવાલ, એમનું અડધી બાંયનું ખમીસ, એમનું મફલર… સૌ એકધારાં કામે હતા. તો પછી? હા, વચમાં છએક મહિના એમને જેલમાં થોડો આરામ હતો ખરો. ત્યારેય જોકે એમના માથા પર આ જસ્ટ પાર પડેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીનું સખત ટેન્શન તો રહ્યું જ. એટલે, કહો કે દોઢ વરસે ‘અકે’ આખરે ‘સખે’ જિંદગી માણી શકશે. દિલ્હીવાળાઓ પણ માણી શકશે, કારણ આપથી એમને બ્રેક મળ્યો છે.

તો, હવે કેજરીવાલે શું કરવું જોઈએ? કામઢા માણસને નવરા બેસવું તો જરાય પાલવે નહીં અને જરાય ફાવે પણ નહીં. બાકી જુઓ તો ખરા, હમણાં સુધી અકે કેવા બિઝી હતા. એમણે સતત, ‘મોદી ગંધાય મોદી ખાંઉ’ મરત રમી. વચવચમાં મમતા દીદી, રાહુલ ભૈયા, અખિલેશ ભૈયા સાથે કિટ્ટા-બુચ્ચા પણ રમ્યા. સાથે, શરાબ-ઠેકા રમત પણ રમી જ નાખી. એમાં એમનો દાવ થઈ ગયો. હવે, એમનો પક્ષ, આપ, તો વિચારશે જ કે હવે કેજરીવાલ શું કરે. આપણે પણ વિચારીએ અને એમને થોડાં સૂચનો આપીએ. તો, કરીએ શરૂ?
- ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં હવે કદાચ કેજરીવાલ યોગ્ય પદ નહીં જ હોય. અરે ભાઈસા’બ, ક્યાં એક મામૂલી સરકારી અધિકારી અને ક્યાં ભૂતપૂર્વ દિલ્હી કા મુખ્ય મંત્રી. આઈઆરએસ પાસે હવે કેજરીવાલને શોભે એવું પદ તો ઠીક, એમને લાયક ખુરશી પણ નહીં હોય. એટલે જ, આઈઆરએસ કરતાં કેજરીવાલ માટે આરટીઆઈનો વિચાર કરવો યોગ્ય રહેશે. આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટિવિસ્ટ થઈને તેઓ આમ આદમીની સેવા કરી શકે છે. કેમ કે એમને આ સેવાનોય સારો અનુભવ છે. અરવિંદભાઈ ચાહે અને માને તો ફરી એક કચેરીથી બીજી કચેરીએ આરટીઆઈની અરજીઓ કરી શકે છે. એ પણ દિલ્લીવાસિયોં કી સેવા થઈ કે નહીં?
- કેજરીવાલ બહુ સરસ વક્તા છે. સ્ક્રીન પર તો એવું સખત ચમકતા રહ્યા છે છેલ્લાં પંદરેક વરસથી કે એમનો ચહેરો ત્રણ કરોડ દિલ્હીવાળા સાથે આખા દેશને ખબર છે. એટલે, જમાના પ્રમાણે ચાલતાં તેઓ પૉડકાસ્ટિંગ કરી શકે છે. મસાલેદાર ચા પીતાં પીતાં. એમના પૉડકાસ્ટિંગ એપિસોડ્સમાં તગડા મહેમાનો આવશે. સૌથી પહેલા તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જીને બોલાવી જ લેવાનાં. બાકી આ યાદી એકદમ લાંબી થઈ શકે છે. દરેક એપિસોડના અંતે કેજરીવાલ દર્શકો એટલે મતદારોને બિનધાસ્ત વિનંતી કરી શકે છે કે મારા વહાલાઓ, મને પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, મારી આમ આદમી પાર્ટીને આર્થિક યોગદાન આપો અને આવતી ચૂંટણીમાં મને ઝાડુ વાગે નહીં એનું ધ્યાન રાખો.

- ચા પરથી યાદ આવ્યું કે ચામાં ઘણા ચમત્કાર છે. આપણે એને અનુભવ્યા છે. વડનગરની ચા માણસને સંસદ સુધી લઈ જઈ શકે છે. કેજરીવાલ પણ ચાની પ્રેરણા લઈ શકે છે. દિલ્હીની બદલે તેઓ હરિયાણાના ભિવાની જિલ્લાના સિવાનીમાં, જ્યાં એમનો જન્મ થયો હતો, ત્યાં જઈને સરસ મજાની ચાની દુકાન ખોલવાનો વિચાર કરી શકે છે. બની શકે કે એમને હાલના ચાવાળાને સંસદથી હટાવીને એમનું સ્થાન પચાવી પાડવાની શક્તિ મળે, પ્રેરણા મળે. એ અલગ વાત કે કેજરીવાલ માનતા હતા કે મોદી મને આજન્મેે હરાવી શકે નહીં. એમની આ ગેરસમજણ કદાચ એટલે થઈ હશે કે એમને સંસદ ચલાવવાનો, સૉરી, સૉરી, ચાની કીટલી ચલાવવાનો અનુભવ નથી. એ હોત તો આજે વાત જુદી હોત.
- ઘણા સિતારાઓ જાતજાતની ચીજો વેચીને ધનાધન ધન ઉસેડી રહ્યા છે. કેજરીવાલે પોતાની મફલર, પેન અને અડધી બાંયના ખમીસની બ્રાન્ડ શરૂ કરવી જોઈએ. નામ તૈયાર જ છેઃ કેજરી’સ આમ કલેક્શન. આ આઇડિયા લઈને અરવિંદભાઈ શાર્ક ટેન્કમાં જશે તો મોટું ફન્ડિંગ મળશે. બધાં શાર્ક એમાં જોડાવા કૂદી પડશે. પછી શું? જોતજોતામાં આખા દેશમાં અને દુનિયામાં કેજરી’સ આમ કલેક્શનના શોરૂમ્સ ધમધમવા માંડશે. દિલ્હીની આવતી વિધાનસભા ચૂંટણી સુધીમાં તો વાત ક્યાંની ક્યાં પહોંચી જશે. કેજરી’સ આમ કલેક્શન શેરબજારમાં લિસ્ટેડ થઈ ગઈ હશે. એના શેરનો ભાવ સડસડાટ ઊંચે ને ઊંચે જતો હશે. કંપનીની એવી તગડી પ્રોફિટેબિલિટી હશે કે એના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી એટલે સીએસઆર ફન્ડમાં જ તોસ્તાન રકમ જશે. એવી તોસ્તાન રકમ કે એકલી એ રકમથી કેજરીવાલ દિલ્હી વિધાનસભાની આવતી ચૂંટણી લડી શકશે. આને કહેવાય આમ કે આમ, ગુટલિયોં કે દામ.
- ભલે એક ચૂંટણીમાં કેજરીવાલની રેવડી દાણાદાણ થઈ તો શું? એમના ખાતામાં ભારતીય રાજકારણમાં રેવડી કલ્ચર લાવવાની મસમોટી સિદ્ધિ છે. દિલ્હીમાં મફતમાં પાણી મળે છે, વીજળી મળે છે. પાણી તો એટલું કે ગટરોમાં સમાતું નથી અને રસ્તા પર આવી જાય છે. અને વીજળી? સ્ટ્રીટલાઇટ સુધી એ ક્યાંક પહોંચે છે અને ક્યાંક પહોંચતી નથી પણ એનું કારણ અરવિંદભાઈ નથી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે. એમના પ્રપંચને લીધે જ આમ આદમીની વીજળી બધે પહોંચતી નથી. સો, રેવડી કલ્ચરને આગળ વધારવા કેજરીવાલ રેવડી આશ્રમ સ્થાપી શકે છે. જે ગોવામાં એમના પક્ષનો ગજ વાગ્યો નહીં એમાં એની બહુ જરૂર છે. કારણ ત્યાં હોટેલનાં ભાડાં, રેસ્ટોરાં-શૅક્સનું ખાવાપાવીનું ભારે મોંઘું થયું છે. કેજરીવાલ ગોવામાં રેવડી આશ્રમ સ્થાપે ઘણાયનું કલ્યાણ થશે. લોકોને મફતમાં વીજળી અને પાણી બહુ આપ્યાં. હવે કેજરીવાલે મફતમાં ઉતારો, ખાણીપીણી… બધું આપવું જોઈએ. એમને ‘પીણી’નો ખાસ્સો અનુભવ છે. શરાબના ઠેકેદારો એમના ઋણી છે. રેવડી આશ્રમથી થશે શું કે દેશમાં એનો નવો અધ્યાય સ્થાપવાનો જશ કેજરીવાલને મળશે. બની શકે એના લીધે ગોવાની નેક્સ્ટ વિધાનસભા ચૂંટણીમાં એમનો પક્ષ બહુમત મેળવી શકે છે. જોકે ગોવામાં તો દેશભરથી પ્રવાસીઓઓ આવે એટલે, રેવડી આશ્રમથી કેજરીવાલની ખ્યાતિ પણ દેશભરમાં ફેલાશે. એમના આ પરોપકારનો અનેક ભારતીયોને મળશે, રાઇટ? એના લીધે એવું બની શકે કે ગોવામાં આમ આદમી જીતે ના જીતે પણ કોઈક રાજ્યમાં એનું પપલું ચાલી જશે. ક્યાંક વળી આમ આદમીને મળતા મતની ટકાવારી વધી જશે. ભલું પૂછવું કયા રાજ્યમાં આમ આદમીનું ઝાડુ એકાએક વીંઝાઈને સામેવાળાનો સફાયો કરી નાખે. યુ નેવર નો, બોસ, એનીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ, વૉર એન્ડ પોલિટિક્સ.

- કેજરીવાલે કરેલી એક અનન્ય દેશસેવા એટલે આમ આદમીને રાજકારણમાં સફળ થતા શીખવવાની સેવા. જરા વિચારો, એમના પર અબૂધ મતદારો કેવા સમરકંદ બુખારા ઓવારી ગયા, એ પણ એક કરતાં વધુ વખત. બાકી, કેજરીવાલ પહેલાં કોઈ કાળે એવું વિચારવાની આપણી મજાલ હતી કે આ દેશમાં અદનો માણસ રાજકારણમાં આ હદે સફળ થઈ શકે? ના રે ના. તો, કેજરીવાલ આમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ શરૂ કરી શકે છે. મોદી તો બરાડા પાડીપાડીને થાકી ગયા કે દેશના સાક્ષરો, યુવાનો, આવો તમે, રાજકારણમાં આવો અને દેશઘડતર માટે કામ કરો. એમનું કેટલાએ સાંભળ્યું? આમ પણ, આ કામમાં કેજરીવાલ જેવો અવાજ બીજા કોઈનો ગુંજી શકે એમ નથી. આમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ ખોલીને કેજરીવાલ આ અવાજનું રણકતા રૂપિયામાં અને દેશસેવામાં કન્વર્ઝન કરી શકે છે. આ મામલે એમની બ્રાન્ડ વેલ્યુ ખરેખર સખત છે. કેજરીવાલ ઓપનિંગ કરવાની અનાઉન્સમેન્ટ કરે કે એડમિશન માટે લાઇન લાગી જશે. રિક્શાવાળા, લંગરમાં ભોજન પીરસવાવાળા, હું, તમે, બધાં વિચારશે જ કે આ કોર્સ એકવાર પાસ કરી લેવો છે. પછી તો એયને બખ્ખાં થઈ જવાનાં. બખ્ખાં થયા પછી ઘર દિલ્હીના ફ્લેગસ્ટાફ રોડ પર ઘર હોય કે ફિરોઝશાહ રોડ પર, ફર્ક ક્યા પડતા હૈ? એના રિનોવેશનનો સત્તાવાર ખર્ચ રૂય 34 કરોડ હોય અને આપણે રૂ. 75-80 કરોડ વાપરી નાખીએ, તોય કોણ પૂછવાનું અને કોણ રોકવાનું? આમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ ખરેખર જોરદાર આઇડિયા છે. એના પર કેજરીવાલ સિરિયસલી વિચારી શકે છે. આ ઇન્સ્ટિટ્યૂટથી દેશને ઘણા નવા રાજકારણીઓ મળશે. અને કેજરીવાલને મોટી દેશસેવા કર્યાનો આનંદ મળશે.
- કેજરીવાલ જે અદભુત કરી શકે એવું એક કામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમની ફેક્ટરી શરૂ કરવાનું છે. નામ રાખવાનું આમ ઈવીએમ લમિટેડ. એમાં એમને સૂંડલામોઢ પાર્ટનર મળી રહેશે. રાહુલ ગાંધી, સંજય રાઉત, અખિલેશ યાદવ, સૌ તત્પર છે. મેનેજમેન્ટ માટે કેજરીવાલની ટીમ તૈયાર છે. આતિશી હમણાં જ મુખ્ય પ્રધાનપદના થાકથી ફ્રી થવાનાં છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ર્હોડ્સનું એમનું ભણતર દિલ્હીને કામ આવ્યું ના આવ્યું, આમ ઈવીએમ લિમિટેડને કામ આવશે. સૌરભ ભારદ્વાજ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર છે. સચોટ નાણાકીય હેરફેર માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાઘવ ચઢ્ઢા છે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેઓ પરિણીતિ ચોપરાને લાવી શકે છે. એ સિવાય કૈલાશ ગહલોત છે, સંજય સિંઘ છે… લાયક સુશિક્ષિતોની, ડિરેક્ટર્સની, સીઈઓ, સીઓઓ, સીએફઓ વગેરે વગેરેની કેજરીવાલને ક્યા કમી છે?
- આમ ઈવીએમ લિમિટેડનો બીજો પણ એક ફાયદો થશે. એ વિરોધ પક્ષને ખરા અર્થમાં ઇન્ડિયા એલાયન્સ સર્જવા માટે કામ આવશે. ગમેતેમ તોય એક કુલડીમાં ભેગા ગોળ ભાંગવો હોય તો પહેલાં કુલડી તો જોઈએને? ઇન્ડિયા એલાયન્સ પાસે એ કુલડી જ નથી. એટલે તો એમનાથી ભાજપનો ભાંગરો વટાતો નથી. એકવાર આમ ઈવીએમ નામની કુલડી હોય તો દિલ્હી વિધાનસભા તો ઠીક, વિરોધ પક્ષને સંસદભવન પણ ઢુંકડું થઈ જશે.
- તો, આ છે થોડાં સદભાવી, શુભેચ્છક તરીકેનાં, કેજરીવાલ માટે સૂચનો. એમ તો એમણે પોતાની રીતે પણ કામ વિચારી જ રાખ્યાં હશે. એ કાંઈ થોડાને આપણાં સૂચનોની રાહમાં બેઠા છે? એમના અમુક વિશ્વસનીય લોકોએ કેજરીવાલના નેક્સ્ટ કામની ગુસપુસ પણ કરવા માંડી છે. તમને પણ ખબર પડવા માંડી હશે. ના પડી હોય અપડેટ થઈ જાવ.
- તો, ગુસપુસ એવી છે કે પંજાબના આમ મુખ્ય પ્રધાન ભગવંત માને કેજરીવાલનો મોબાઇલ નંબર પોતાના મોબાઇલ પર બ્લૉક કરી દીધો છે. એવા મતલબનો ટ્વિટ મેસેજ ભારતીય જનતા યુવા મોરચાએ શનિવારે કર્યો હતો. સાચુંખોટું રામ જાણે પણ કેજરીવાલ નવી પ્રવૃત્તિ શોધવામાં ગંભીરતાપૂર્વક વ્યસ્ત લાગે છે.
- પંજાબની કાદિયાંના કોંગ્રેસી વિધાનસભ્ય પરતાપ સિંઘ બાજવાએ શનિવારે કેજરીવાલની વ્યસ્તતાની શક્યતાનો અંદાજ આપ્યો હતો. એમણે એક પત્રકારને મુલાકાત આપતા કહ્યું કે પંજાબમાં ભગવંત માન મહારાષ્ટ્રના એકનાથ શિંદેવાળી કરવા ઓલમોસ્ટ તૈયાર છે. માન એમના સાથી વિધાનસભ્યો સાથે આમ આદમી પાર્ટીથી ઉચાળા ભરીને ભાજપના ભઈલા થવાને થનગની રહ્યા છે. કેમ? કારણ કેજરીવાલ દિલ્હીનું કલ્યાણ કર્યા પછી પંજાબના મુખ્ય પ્રધાન બનીને પંજાબીઓનું કલ્યાણ કરવાનો વિચાર કરી રહ્યા છે. જોકે કેજરીવાલ એવું કરી શકે એ માટે ભવગંત માને એમનું માન રાખીને ખુરશી ખાલી કરવી પડે. એમણે સમજવું પડે કે કેજરીવાલ આરામથી પંજાબી વિધાનસભ્ય બની શકે છે. એ માટે પંજાબની લુધિયાણા વેસ્ટની સીટ ખાલી જ છે. ત્યાંથી કેજરીવાલ વિધાનસભ્યની ચૂંટણી લડે એટલી વાર. પણ માન એમનું આટલું ઝાઝું માન રાખવા તૈયાર લાગતા નથી. એટલે તેઓ શિંદેવાળી કરીને એક ઘા ને બે કટકા કરે એવી શક્યતા, પરતાપ સિંઘ બાજવાએ નિહાળી છે. બાજવાએ તો પત્રકારને ત્યાં સુધી કહી દીધું કે માન આપણા કેન્દ્રીય ગૃહખાતા સાથે ઓલરેડી સંપર્કમાં છે. આવી સિચ્યુએશનમાં માને સારા વિદ્યાર્થીની જેમ કેજરીવાલ માટે પદત્યાગ કરવો જોઈએ. એમણે સમર્પિતતાનો દાખલો બેસાડવો જોઈએ. એમની ઉદારતા આમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિકસ માટે પણ મોટી હાઇલાઇટ થઈ શકે છે.
- પણ આપણે હમણાં માનનો નહીં, કેજરીવાલનો વિચાર કરવાનો છે. વધારે આમ કોણ છે, માન કે કેજરીવાલ? કેજરીવાલે યમુનાના પાણીથી ક્યાંય વધુ કલુષિત રાજકારણને સ્વચ્છ કરવા ખૂબ મહેનત કરી છે. એમની પાસે મુખ્ય પ્રધાનપદ ના હોય એ સાંખી લેવાય એવી વાત નથી. એ તો ઠીક, એમની પાસે સમ ખાવા પૂરતું વિધાનસભ્યપદ ના હોય એ તો દેશ માટે નાલેશી જેવી વાત ગણાય. તો, બાકી બધું એક તરફ છે અને, આમ લાડકા, માનીતા કેજરીવાલનું શું કરવું એ યક્ષપ્રશ્ન બીજી તરફ છે.
- છેલ્લે બે વાત. એક તો એ કે ભલે કહેવાય આમ પણ કેજરીવાલ બહુ ખાસ છે. એમને સલાહ આપવાનું આમ તો આપણા કોઈનું ગજું નથી પણ, એમના સજ્જડ પરાજયથી વ્યથિત થઈને આ સલાહો આપવી પડી છે. એવી આશા સાથે કે એમાંની કોઈક તો એમને કામ આવશે.
- તો, બીજી અને છેલ્લી વાત. કેજરીવાલ આમાંથી કોઈ સલાહ માને ના માને પણ એક સલાહ એમણે અવશ્ય માનવા જેવી છે. એ આ રહીઃ કેજરીવાલ સર, એકવાર કબૂલ કરી લો કે તમે પણ આમ તો પોલિટિશિયન જ છો. એકવાર કબૂલી લો કે તમે પણ દાવપેચ રમો છો, કાવાદાવા કરો છો. એકવાર કબૂલ કરી લો કે રાજકારણની એ વરવી જરૂરિયાત છે. એકવાર નક્કી કરી લો કે મોદી પર પ્રહાર કર્યા કરવા કરતાં હવેથી પોતાના કામથી કામ રાખવું છે. એકવાર નક્કી કરી લો કે આમ આદમી પાર્ટીને ફરી ગરિમાપૂર્ણ બનાવવી છે. બસ, પછી ચિંતા નથી. દેશ ભારત હોય કે અમેરિકા, રાજકારણ તો રાજકારણ છે. એટલી સમજ આમ આદમીને છે જ. એટલે જ આમ આદમી મત આપે ત્યારે બરાબર ઝાડુ મારી નાખે છે. આમ આદમીનો પ્રયાસ એ હોય કે કાં તમારા જેવો આશાસ્પદ માણસ સત્તા પર આવે કાં મોદી જેવો કોઈક. તમારા અને મોદીમાં ફરક એટલો કે મોદીને તડાકાભેર ભાષણ ઉપરાંત, ચોવીસમાંથી અઢાર-વીસ કલાક કામ પણ કરે છે. મોદી કેટલા મહાન કે મોળા એનો નિર્ણય ઇતિહાસ કરશે. વર્તમાન એટલું કહે છે કે ભલભલા ચમરબંધી રાકજકારણીઓ કરતાં એમનો મિજાજ, મનસૂબો અને દેશની પ્રગતિ માટે એમનું મનોબળ વધારે દ્રઢ અને દમદાર લાગી રહ્યાં છે. એટલે તો દેશવાસિયોં પછી દિલ્હીવાસિયોંએ તમારાથી વિલાઈને વળી મોદીઘેર જાવું પડ્યું છે. વી આર સૉરી, કેજરીવાલ સર. પણ અમારી સલાહ જો ગમી જાય તો…