ભાગ 02
જેમણે કદાચ ના વાંચી હોય તેમના માટે, અને જેમણે કદાચ વાંચી હોય તેમને ફરી મમળાવવા માટે…
યીવુ છોડતાં સુધીમાં ચીનનો એટલો પરિચય થઈ ગયો હતો કે જેના લીધે એ દેશ માટેની તમામ નેગેટિવિટી વરાળ થઈ જાય. કેમ નહીં? પ્રજા મસ્ત જીવી શકે, કાયદો કામ કરે અને આપણા જેવા વિદેશીને કોઈ એકવાર સમ ખાવા પૂરતું પીડે નહીં ત્યારે નકારાત્મકતા ટકે ક્યાંથી?
શાંઘાઈની વાત પર આવતા પહેલાં ચીનના અમુક એવા મુદ્દા જણાવવા છે જે સાનંદાશ્ચર્ય સર્જનારા હતા. આ રહ્યાઃ
• સફરની શરૂઆત હોંગકોંગથી થઈ. ત્યાં પહોંચીને હોટેલ શોધવામાં ભાષાને લીધે થોડી તકલીફ પડી પણ એ પછી નરી નિરાંત અનુભવી. કમર્શિયલ બિલ્ડિંગના બારમા માળથી અમારી હોટેલ શરૂ થતી હતી. એમાં રહેણાક ઘરો પણ હતાં, આપણી હોલસેલ બજારમાં જોવા મળે તેવાં વેપારી સાહસો હતાં, ટોપ ક્લાસ શોરૂમ્સ પણ હતા અને હોટેલ તો ખરી જ. બધું એકસાથે ચાલ્યા કરે, કોઈ ખટપટ વિના. અનેક રૂમ્સ ધરાવતી અમારી હોટેલ્સનું સંચાલન માત્ર બે જણ કરે, મા અને દીકરી. વગર સ્ટાફ અને વગર ટેન્શન.
• હોંગકોંગથી ચીન સુધી બધે માણસોને ભરપૂર કે અસહ્ય ધ્રૂમ્રપાન કરતા અમે જોયા. એરપોર્ટ છોડીને કોઈ જગ્યા, ટ્રેન અને લિફ્ટ સુધ્ધાં એવી નહીં કે બેધડક સ્મોકિંગ ના થતું હોય. કહેવાની જરૂર નથી કે સિગારેટની વરાઇટીઝ પણ જે નજરે પડી એ ચીનના દબદબા મુજબની, પાંચસોએક બ્રાન્ડ તો હશે જ બધે વેચાતી!

• આપણે ત્યાં ટપાલ ખાતાનું કાસળ નીકળી ગયું છે. ચીનમાં બધે ટપાલપેટી પણ એવી કે જોતા રહી જવાય. એરપોર્ટ પર પણ અમે ટપાલપેટીઓ જોઈ. સ્ટેમ્પ્સ ખરીદવા ત્રણેક શહેરમાં પોસ્ટ ઓફિસની પણ અમે વિઝિટ કરી. એ એવી જાણે આપણી સુપર્બ ગણાતી કોર્પોરેટ ઓફિસ જોઈ લો. કર્મચારીઓ પણ કામઢા, હેલ્પફુલ. મકાઉમાં ફિલાટેલીમાંથી (સ્ટેમ્પ ક્લેશનના શોખ માટેનો વિભાગ) સ્ટેમ્પ્સ ખરીદી તો એમ લાગ્યું જાણે અવ્વલ મોલની શોપમાં શોપિંગ કરી આવ્યા.
• હોંગકોંગથી મકાઉ ફેરીમાં ગયા તો જાણ્યું કે મારા બેટાવ દરિયાઈ માર્ગનો પણ એવો મસ્ત ઉપયોગ કરે છે કે છક્કડ ખાઈ જવાય. ફેરી પણ ફ્લાઇટ કક્ષાની!
• મકાઉમાં બસની વ્યવસ્થા મજાની છે. કોઈ પણ બસમાં પ્રવાસીએ ત્યાંનું ચલણ છ પટાકા ચૂકવવાના અને એક જગ્યાએથી બીજે જગ્યાએ પહોંચી જવાનું.
• મકાઉના માણસોનું સરેરાશ આયુષ્ય વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં આવે છે.
• કેસિનોમાં અમે ચારેક કલાક પસાર કર્યા. કહેવાની જરૂર નથી કે જુગારનું એ વિશ્વ પણ ચકિત કરનારું હતું. જોકે શ્રીલંકાથી વિપરિત ત્યાં વધુ કરીને ભારતીયોને બદલે દુનિયાભરના લોકો પૈસા લુંટાવવામાં ખુશીભેર મશગુલ હતા.
• આખા પ્રવાસ દરમિયાન અમે થોડા ભારતીયોને પણ મળ્યા. એમાં ગુજરાતી, પંજાબી, બંગાળી, ઓડિયા, ઉત્તર ભારતીય હતા. એમાંના એક સુધ્ધાં માણસે કહ્યું નહીં કે ઇન્ડિયા પાછા આવવાની ઇચ્છા છે. આનાથી મોટી નવાઈ કે બદનસીબી કઈ?
• ચીનમાં વેપાર કરવો સહેલો છે. જેટલી હમણાં જાણ છે તે મુજબ વિદેશીઓ માટે હોંગકોંગમાં કંપની સ્થાપીને મેઇનલેન્ડ ચાઇનામાં વેપારી તરીકે શરૂઆત કરવી વઘુ સલાહભરી છે.
• ઉબરની જેમ ચીનમાં દીદી નામની ટેક્સી હેઇલિંગ સર્વિસ છે. ઉબર પોતાનો વેપાર દીદીને વેચીને ચીન છોડી ચૂક્યું છે. દીદીની એપ એવી છે કે દર દસ-પંદર મીટરે રસ્તાનું માર્ગદર્શન આપ્યા કરે.
• ચીનમાં ત્યાંનો રૂપિયો એટલે આરએમબી કે યુઆન તો ઠીક, એક પૈસો પણ ચલણમાં છે.
• ચીનના ટેક્સીવાળા સો યુઆનની નકલી નોટો પધરાવવા માટે કુખ્યાત છે. એવું અમે ઇન્ટરનેટ પર વાંચ્યું હતું. અમારે એવો કોઈ અનુભવ નહીં થયો કારણ અમે દરેક ટેક્સી પ્રવાસમાં છુટા પૈસે ભાડું આપવાની જોગવાઈ કરી રાખી હતી.
• બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવો પોતાનામાં લહાવો હતો. ત્રણસો કિલોમીટરની ગતિએ દોડતી ગાડી હોય તો કોને લહાવો ના લાગે? એની સિસ્ટમ, સિક્યોરિટી, સ્વચ્છતા અને સ્ટાફની સૌજન્યશીલતા, બધું સલામને પાત્ર હતું.
• ગંગઝાઉમાં બિજિંગલુ નામનો જાણીતો શોપિંગ વિસ્તાર છે. પ્રાચીન સિલ્ક રૂટના વેપારી માર્ગમાંથી એનું મોડર્ન શોપિંગ સ્ટ્રીટમાં કન્વર્ઝન થયું છે. આ અત્યંત પહોળા માર્ગના વચ્ચેના ભાગમાં, જમીન નીચે સિલ્ક રૂટનો ચિતાર આપતું સુંદર પ્રદર્શન બનાવાયું છે. ઉપરના ભાગમાં કાચ હોવાથી એ આખું પ્રદર્શન રાહદારી ટેસથી જોઈ અને માણી શકે છે.
• જ્યાં જુઓ ત્યાં કુમળી કન્યાઓથી દાદીઓના હાથમાં આ દેશના વેપારની કમાન છે. શોપ જુઓ કે મોલ, બધે મહિલાશક્તિ દેખાય. ભારતે સિસ્ટમ, સ્વચ્છતા અને સિક્યોરિટી સાથે ચીન, મલેશિયા જેવા અનેક દેશો પાસેથી સ્ત્રીસન્માનનો આ ગુણ આત્મસાત્ કરવા જેવો છે.
• બુલેટ કે સાદી ટ્રેનમાં ઓનલાઇન બુકિંગ કરાવ્યા પછી ચીનમાં ટિકિટ કાઉન્ટર પર જઈ ટિકિટ કલેક્ટ કરવી અનિવાર્ય છે.
• રેલવે સ્ટેશન તો ઠીક, ચીનનાં એરપોર્ટ્સ પર પણ વસ્તુઓ બહાર દુકાનના ભાવે મળે. જયપુરમાં એક ટાઢીબોળ અને જરા વાસી લાગતી સેન્ડવિચ માટે અમે બસો રૂપરડી ચૂકવી હતી. ચીનના એરપોર્ટ પર અમે જે ખરીદ્યું, કોફી કે પાણી, એ સામાન્ય દુકાનના ભાવે મળ્યું!
• વ્હોટ્સએપના બાપ જેવી ત્યાંની વીચેટ એપ વરદાન છે. કોઈક આપણને ચાઇનીઝમાં મેસેજ મોકલે તો પટ્ દઈને આપણે એનું અંગ્રેજી ભાષાંતર વાંચી શકીએ. લોકો આ એપ પર લાખોના સોદા પણ પાર પાડે છે. સોફ્ટ ડ્રિન્કથી સોના-ચાંદીના સોદાના પેમેન્ટમાં પણ લોકો આ એપ વાપરે છે. રકમ લાખોની કેમ ના હોય?
• આખા ચીનમાં એક અથવા બીજા ફ્રી વાઈફાઈ કનેક્શનનો, આપણી ભાષામાં, જુગાડ થઈ રહે છે. ઘણા વિસ્તારોમાં વ્યવસ્થિત બનાવેલા વાઈફાઈ હોટસ્પોટ્સ પણ છે.

• બધાના હાથમાં મોબાઇલ છતાં ટપાલપેટીની જેમ ચીનમાં જ્યાં ત્યાં પબ્લિક ટેલિફોન બૂથ પણ હતાં. એય કામ કરતાં. એમાંથી લોકલથી લઈને ઇન્ટરનેશનલ કોલ્સ કરી શકાતા હતા. બૂથ પણ બધા વેલ મેન્ટેઇન્ડ.
• અહીંથી અમે એક મોબાઇલમાં અનલિમિટેડ કૉલિંગ સાથેના એક ભારતીય નંબરના ઇન્ટરનેશનલ રૉમિંગ માટે પાંચ હજાર રૂપિયા ચૂકવ્યા હતા. બહુ પસ્તાવો થયો કારણ રૉમિંગ ભલે ચાલ્યું પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ડેટા તો ખાલી પાંચ જીબી મળ્યો. રૉમિંગ વખતે આટલા ડેટાથી ગાડું ના ગબડે. અમે લોકલ સિમકાર્ડ લીધું તેમાં આપણા 1,00 રૂપિયામાં પર્યાપ્ત લોકલ-ઇન્ટરનેશનલ કૉલિંગ સાથે 18 જીબી ડેટા મળ્યો. આ વિકલ્પ ઇન્ડિયન કાર્ડના રૉમિંગ કરતાં ક્યાંય વધારે બહેતર છે.
• ગૂગલનાં ચીનમાં ઠેકાણાં નથી અને વ્હોટ્સએપ ખાસ વપરાતું નથી. બેઉની સેવા ચાલુ રાખવા માટે ત્યાં વીપીએન એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક જોઈએ. મોબાઇલની દુકાનવાળા વીસેક યુઆનમાં વીપીએન ઇન્સ્ટોલ કરી આપતા હોય છે.
હજી ઘણું બધું વહેંચવું છે સૌની સાથે. અત્યાર માટે અહીં અટકીએ. શાંધાઈની વાત કરતા પહેલાં. મળીએ ફરી, એક બ્રેક કે બાદ.
28 July 2018