
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ઝડપી પ્રગતિએ વિવિધ ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી છે, આપણું અંગત જીવન પણ એમાંથી બાકાત નથી. જોકે આ ક્રાંતિ જેટલી ફાયદાકારક છે એટલી ખતરનાક પણ ખરી. ડીપફેક ટેક્નોલોજી એવી છે જેના વિશે જાણીને વિચારવું જરૂરી છે કે ટેકનોલોજીએ જીવન સરળ અને ઝડપી બનાવવા સાથે અંગત જીવનમાં પણ દખલ કરવા માંડી છે. આ લેખમાં ડીપફેક ટેક્નોલોજીનાં સકારાત્મક અને નકારાત્મક પાસાં પર નજર ફેરવીએ.
ડીપફેક ટેક્નોલોજી, જેને ‘સિન્થેટિક મીડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસિત એક નવી ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક વ્યક્તિના ફોટો અથવા વિડિયોને અન્ય વ્યક્તિના ચહેરા સાથે મિશ્રિત કરી શકાય છે. તાજેતરમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ ખાસ કરીને હોલિવુડ અને સોશિયલ મીડિયા પર ઝડપથી વધી રહ્યો છે.
હોલિવુડમાં ડીપફેકનો ઉપયોગ ફિલ્મ નિર્માણમાં સર્જનાત્મકતા વધારવા માટે થાય છે. જૂના કલાકારોને પરત લાવવા માટે ડી-એજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય બન્યો છે. ઉદાહરણ તરીકે ધ આઇરિશમેન અને સ્ટાર વોર્સ જેવી ફિલ્મોમાં યુવા પાત્રોને જીવંત કરવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. નિર્માતાઓ શૂટિંગનો ખર્ચ ઘટાડવા, રીશૂટની જરૂરિયાત ઓછી કરવા અને સમય બચાવવા ડીપફેકનો ઉપયોગ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, રોગ વન: અ સ્ટાર વોર્સ સ્ટોરીમાં પીટર કુશિંગને ડિજિટલ રીતે પુનઃસર્જિત કરાયો હતો.

ડીપફેક ટેક્નોલોજીનો દુરુપયોગ ચિંતાજનક છે. મહિલાઓ વિરુદ્ધ જાતીય હિંસા, બ્લેકમેલિંગ અને ખોટી માહિતી પ્રસાર કરવા માટે ડીપફેકનો વધુ ઉપયોગ થાય છે. એક અધ્યયન મુજબ, ડીપફેક વિડિયોના મોટા ભાગના કેસોમાં મહિલાઓને બદનામ કરવા માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત, ખોટા આક્ષેપો મૂકવા અને જાહેર અભિપ્રાયમાં ગેરસમજ ઊભી કરવા માટે પણ ડીપફેકનો ઉપયોગ થઈ શકે છે. જો આ ટેક્નોલોજી માટે કાયદાકીય નિયંત્રણ ન હોય તો તે નૈતિક અને કાયદાકીય પ્રશ્નો ઊભા કરી શકે છે. રશ્મિકા મંદાના અને અન્ય સેલિબ્રિટીઓના ડીપફેક વિડિયો વાયરલ થયા બાદ સરકાર આ મામલે વધુ જાગૃત થઈ છે અને સખત પગલાં લેવા માટે તૈયારી કરી રહી છે.
ફિલ્મ ઉદ્યોગ માટે ડીપફેક ટેક્નોલોજી આશીર્વાદરૂપ થઈ શકે છે, પરંતુ તેનું યોગ્ય નિયમન નહીં થાય, તો તે વ્યાપક નુકસાન પણ પહોંચાડી શકે છે. ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયા બિલ થકી ડીપફેકનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે. આ બિલ ટેક્નોલોજી માટે નવું માળખું ઊભું કરશે, જેમાં દુરુપયોગ અટકાવવા માટે કડક નિયમો હશે. સોશિયલ મીડિયા કંપનીઓને ખોટી માહિતી અને ડીપફેકના ફેલાવાને ૩૬ કલાકમાં દૂર કરવા માટે સૂચના અપાઈ છે.
ડીપફેક ટેક્નોલોજી એક બેધારી તલવાર છે. એક તરફ મનોરંજન અને સર્જનાત્મકતા માટે એ નવી શક્યતાઓ સર્જે . બીજી તરફ, ગોપનીયતા, વિશ્વાસ અને સામાજિક સ્થિરતા માટે એ નોંધપાત્ર જોખમો ઊભા કરે છે. જેમ જેમ આ ટેક્નોલોજીનો વિકાસ થતો જશએ તેમ તેમ આપણે જાગૃત રહેવું, પોતાને શિક્ષિત કરવું અને તેના દુરુપયોગ સામે રક્ષણ આપવા માટે સાધનો વિકસાવવા જરૂરી છે. ડીપફેકના ઉદય સાથે આ ખતરનાક ટેક્નોલોજીના ફેલાવાનો સામનો કરવા માટે બહુપક્ષીય અભિગમની જરૂર છે. અહીં કેટલાક પગલાં છે જે અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે:

એઆઈ ડિટેક્શન ટૂલ્સ: સંશોધકો એવાં સાધનો વિકસાવી રહ્યા છે જે વીડિયો અથવા તસવીરોમાં વિસંગતતાઓનું વિશ્લેષણ કરીને ડીપફેકને શોધી શકે. જોકે આ કામ હજી પ્રારંભિક તબક્કામાં છે. છતાં, ડીપફેક મોટું નુકસાન પહોંચાડે તે પહેલાં આ ટૂલ્સ સત્ય ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે.
શિક્ષણ અને મીડિયા સાક્ષરતા: ડીપફેક વધુ વ્યાપક બનતા લોકોને એને ઓળખતા શીખવવું જરૂરી થઈ જવાનું છે. વ્યક્તિ જે સામગ્રીનો ઉપયોગ કરે છે અને શેર કરે છે તેના વિશે એ મીડિયાની મદદથી અને સ્વયં પ્રયાસથી સમજદાર બની શકે છે.
નિયમન અને જવાબદારી: ડીપફેક ટેક્નોલોજીના ઉપયોગને નિયંત્રિત કરવામાં સરકાર અને ટેક કંપનીઓએ વધુ સક્રિય ભૂમિકા ભજવવી પડશે. એના દુરુપયોગા માટે કડક કાયદા અને દંડાત્મક પગલાં પણ અનિવાર્ય થવાનાં છે.