નવી દિલ્હીમાં ભાજપ વતી કોણ સર્વોચ્ચ પદે બિરાજશે? હાલમાં સંપન્ન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે આમ આદમી પાર્ટીની વિદાય કર્યા પછી હવે અટકળોની બજાર ગરમ છે. વિવિધ નામોની ચર્ચા વચ્ચે જોવાનું એ રહે છે કે ભાજપ કોના શિરે કળશ ઢોળે છે.
રવિવારે આ દિશામાં હલચલ વધી હતી. એ પહેલાં શનિવારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બંધબારણે બેઠક યોજીને દિલ્હીના મુખ્ય પ્રધાનપદ માટે કોણ ઉપયુક્ત રહેશે એની ચર્ચા કરી હતી. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દિલ્હીના ભાજપના સાત સંસદસભ્યો સાથે આ મુદ્દે વિચારવિમર્શ કર્યો હતો. રવિવારના ઘટનાક્રમ અને ઉપલબ્ધ માહિતી અનુસાર હાલમાં કંઈક આવું ચિત્ર ઉપસી રહ્યું છેઃ
– ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનની શપથવિધિ 13 ફેબ્રુઆરી પછી, એટલે મોદી અમેરિકાની મુલાકાતેથી પાછા આવે, પછી થશે.
– રવિવારે અમિત શાહ અને જે. પી. નડ્ડા વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાનની વરણી વિશે ચર્ચા થઈ હતી. એમાં અમુક નામો ચર્ચાયાં હતાં.
– દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આ દરમિયાન જણાવ્યું હતું કે પક્ષના મોવડીમંડળના નિર્ણય અનુસાર દિલ્હીના મુખ્ય પ્રધાનનું ચયન થશે.
– દિલ્હીના મુખ્ય પ્રધાનપદ માટે જેમનાં નામ ચર્ચાઈ રહ્યાં છે એમાં પાટનગરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાહિબ સિંઘ વર્માના દીકરા પ્રવેશ વર્મા અગ્રસર છે. તેઓએ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને પરાજિત કર્યા છે.

– પ્રવેશ અનુભવી રાજકારણી છે. પશ્ચિમ દિલ્હીથી તેઓએ બે વખત લોકસભામાં પણ ભાજપનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પરવેશે સૌથી વધુ મતફરકથી જીતવાનો ઇતિહાસ સર્જ્યો હતો. એ ચૂંટણીમાં પ્રવેશને 8,65,648 મત મળ્યા હતા જે કુલ મતના 60.05% હતા. એમના પ્રતિસ્પર્ધી, આમ આદમી પાર્ટીના મહાબલ મિશ્રાને, માત્ર 2,87,162 એટલે 19.92% મત મળ્યા હતા.

– વર્મા ઉપરાંત આશિષ સૂદ પણ મુખ્ય પ્રધાનપદ માટે મેદાનમાં હોવાનું કહેવાય છે. સૂદ જનકપુરી બેઠકી વિધાનસભામાં ચુંટાયા છે. દિલ્હીના શાસનમાં ભાજપ માટે તેઓને દક્ષિણ દિલ્હી મહાપાલિકાના સંચાલનનો અનુભવ છે.
– પવન શર્મા પણ એક શક્યતા છે. તેઓ ઉત્તમ નગરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
– વીજેન્દર ગુપ્તાનું નામ પણ મેદાનમાં છે. તેઓ રોહિણી બેઠક પરથી ચુંટાયા છે. તેઓએ ભૂતકાળમાં દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી નિભાવી છે.
– એડ્વોકેટ શિખા રોય પણ એક શક્યતા છે એવું અમુકને લાગે છે. આપના તગડા નેતા સૌરભ ભારદ્વાજને પરાજિત કરીને તેઓએ ગ્રેટર કૈલાશની બેઠક અંકે કરી છે.

– મહિલાઓની વાત કરીએ તો રેખા ગુપ્તાને પણ ઘણા સંભવિત મુખ્ય પ્રધાન તરીકે નિહાળી રહ્યાં છે. શાલિમાર બાગથી તેઓએ વિજય મેળવ્યો છે.
– દિલ્હી ભાજપના ભૂતપૂર્વ વડા સતીશ ઉપાધ્યાયનું નામ પણ આ સંદર્ભે લેવાઈ રહ્યું છે. માલવીય નગર બેઠક પરથી તેઓએ સોમનાથ ભારતી જેવા આપના દિગ્ગજ નેતાને પરાજિત કર્યા છે.

– દિલ્હીમાં ભાજપના શીખ ચહેરા તરીકે જાણીતા મજિન્દર સિંઘ સિરસા એક નામ છે. રાજૌરી ગાર્ડન બેઠક પર સિરસાએ આમ આદમી પાર્ટીનાં ધનવતી ચંડેલાને પરાજિત કર્યા છે.
પહેલાં એક શક્યતા એવી જોવાઈ રહી હતી કે ભાજપ મનોજ તિવારીને પણ મુખ્ય પ્રધાનપદ માટે ધ્યાનમાં લઈ શકે છે. ગાયક, કલાકાર અને રાજકારણી તિવારી હાલમાં નોર્થ ઇસ્ટ દિલ્હીથી ભાજપના સંસદસભ્ય છે. જોકે નિષ્ણાતોના મતે ભાજપ તિવારી સહિત અન્ય કોઈ સંસદસભ્યને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે બેસાડે એવી શક્યતા પાંખી છે. એનું કારણ કે આવો નિર્ણય લેવાય તો ભાજપની લોકસભાની એક બેઠક રિક્ત થાય અને ત્યાં પેટાચૂંટણી થાય. વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ભાજપ પેટાચૂંટણીમાં સંકળાઈને લોકસભાની કોઈ પણ બેઠક જોખમમાં મૂકે એ શક્યતા લગભગ અસ્થાને છે.

આ કારણસર સુષ્મા સ્વરાજનાં દીકરી બાંસુરી સ્વરાજ પણ મુખ્ય પ્રધાન બને એ શક્યતા પાંખી છે. વ્યવસાયે એડ્વોકેટ એવાં બાંસુરી નવી દિલ્હી બેઠક પરથી ભાજપનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે.
ભાજપે વિવિધ રાજ્યોમાં મુખ્ય પ્રધાનની વરણી કરતી વખતે લોકોને આશ્ચર્યની અનુભૂતિ કરાવી છે. દિલ્હીમાં એવું થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉપર જણાવેલા પ્રતિસ્પર્ધીઓને બદલે ભાજપ સાવ અલગ ઉમેદવારને દિલ્હીની બાગડોર સોંપે એવું બની શકે છે.
મધ્ય પ્રદેશ અને હરિયાણામાં ભાજપે જે રીતે સાવ અનપેક્ષિત નેતાને મુખ્ય પ્રધાનપદું સોંપ્યું એવું દિલ્હીમાં થવાની શક્યતા નકારી શકાય નહીં.
સાથે, ભાજપ દિલ્હીમાં એક અથવા વધુ ઉપ મુખ્ય પ્રધાન નીમી શકે છે. આવું કરવાની જરૂરિયાત સૌને ખુશ રાખવા માટે પડી શકે છે અને, વિવિધ નેતાઓ વચ્ચે સત્તાનું સંતુલન જાળવવા માટે પડી શકે છે. આવા નિર્ણયથી પક્ષને એના આગવાનોને પણ મર્યાદામાં રાખવાની અને કેન્દ્રીય મોવડીમંડળને શક્તિશાળી રાખવામાં અનુકૂળતા રહી શકે છે.
આપણે ત્યાં મુખ્ય પ્રધાનપદે વ્યક્તિની વરણી વખતે માત્ર લાયકાત કે ક્ષમતા જોવાતી નથી. એ સમયે જાતિવાદ વગેરે પણ કામ કરી જાય છે. દિલ્હીના મુખ્ય પ્રધાનની વરણીમાં આ બાબતો ચોક્કસપણે વિચારમાં લેવાશે. ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં ભાજપે સર્વોચ્ચ સ્થાને અનુસૂચિત જનજાતિની વ્યક્તિને માનભેર સ્થાન આપ્યું છે. મધ્ય પ્રદેશમાં પણ આવું જ થયું છે. બેશક, જાતિ આધારિત વરણી વખતે પક્ષ વ્યક્તિની ક્ષમતા પણ ધ્યાનમાં લેશે જ.
તો જોઈએ, ભાજપ એની પોતાની અદામાં સાવ નવા ઉમેદવારને દિલ્હીનું સુકાન સોંપે છે કે પછી અત્યારે ચર્ચાઈ રહેલાં નામમાંથી એકાદને.