ઓટલાનો ઉપયોગ ચણ મૂકવા માટે થાય છે. દોઢસોથી વધુ ઘરો ધરાવતી આ પોળમાં જોકે ચબૂતરાની જાળવણી માટેની વ્યવસ્થાનો સદંતર અભાવ છે
દરિયાપુરની નવા તળિયાની પોળના ચબૂતરાની પાસેથી પસાર થનાર નવી વ્યક્તિનાં કદમ ત્યાં થંભી ગયા વિના રહે જ નહીં. બે શેરીના નાકે આવેલા રાજા-રજવાડાંના સમયના ભવ્ય પ્રતીકસમા આ ચબૂતરાને કેટકેટલીયે વિશેષતાઓએ ખાસમખાસ બનાવ્યો છે.

આશરે સવાસો વરસ જૂનો આ ચબૂતરો કડવા પોળના માલિકના કબજાના ભોગવટાનો છે તેવો એના વિશેનો રેકોર્ડ છે. તેની નોંધણી ગુલાબભાઈ હરગોવનદાસ ચેરિટી પબ્લિક ટ્રસ્ટના નામે થઈ હતી. સમયના વહેણે ચબૂતરાના સૌંદર્યને ઝાંખું નથી પાડ્યું. તેનું કોતરકામ, તેનાં શિલ્પો વગેરે બધું આજે પણ અકબંધ જોવા મળે છે. ઉપલા ભાગમાં ચણ મૂકવા દોરી જતી લોખંડની સીડી પણ સાબૂત છે. બસ એટલું જ કે એ સીડી પર થઈને ભાગ્યે જ કોઈ પગલાં હવે ઉપલા ભાગ સુધી જાય છે.
આ ચબૂતરાને વિશાળ ઓટલાનો સાથે પણ મળ્યો છે. એની નીચે જાર માટેની કોઠી પણ છે અને દાનપેટી પણ ઓટલામાં જોવા મળે છે. જારની કોઠીનો ઉપયોગ હવે જૂનો-પુરાણો સામાન મૂકવા માટે થાય છે. ઓટલાનો ઉપયોગ ચણ મૂકવા માટે થાય છે. દોઢસોથી વધુ ઘરો ધરાવતી આ પોળમાં જોકે ચબૂતરાની જાળવણી માટેની વ્યવસ્થાનો સદંતર અભાવ છે.
પોળની પાસે વિષ્ણુ મંદિર આવેલું છે. ત્યાં છાશવરે ઉત્સવો ઉજવવામાં આવે છે. આવા ધાર્મિક રહેવાસીઓ હોવા છતાં ચબૂતરાની સેવા કરીનેય ઇશ્વરની સેવા થઈ શકે છે એ વાતથી જાણે પોળના લોકો અલિપ્ત થઈ ગયા છે. તેમને આવી પ્રતીતિ કરાવવા આપણે સહયોગ આપીએ?
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે…
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.