શિયાળો અને ઊંબાડિયું એટલે સુપર કોમ્બિનેશન. માત્ર ગુજરાતમાં અને એમાં પણ લગભગ દક્ષિણ ગુજરાતમાં જ મળતી આ વાનગી ઊંધિયાની જેમ આ પ્રદેશની ખાસ દેન છે. આ દિવસોમાં જો ગુજરાત તરફ જવાનું થાય, બાય રોડ, તો દક્ષિણ ગુજરાતમાં માર્ગમાં ઠેરઠેર ઊંબાડિયું વેચતા બાંકડા દેખાશે. એમાંથી એકાદને ત્યાં કાર રોકીને ઊંબાડિયું વિથ ચટણી અને છાશ, ખાધા વિના આગળ જશો નહીં. કારણ, ખાઈને દિલ તરબતર થઈ જવાની ગેરન્ટી છે.
તો, ઉપડીએ ઊંબાડિયાની દુનિયામાં લટાર મારવા?
દક્ષિણ ગુજરાતમાં સ્વાદ અને સંસ્કૃતિ સહિયારાં મોજ કરે છે. શિયાળો તાજાં શાકપાન, અનાજ-કઠોળ અને ઘઉં, બાજરી, જુવાર વગેરેનાના પોંકની અફલાતૂન મોસમ છે. આ મોસમમાં ભોજનનો આનંદ ચરમસીમાએ પહોંચે છે. પાચન પણ એકદમ સરસ થાય છે. આ મોસમની ખાસ વાનગીઓમાં ઊંધિયાની જેમ ઊંબાડિયું પણ સામેલ છે. આ વાનગીને આવું નામ શાને મળ્યું હશે? કદાચ એટલે કે એને આગમાં વિશેષ રીતે બનાવવામાં આવે છે. ગુજરાતીમાં ઉમવાડિયું એટલે બળતું લાકડું. ઊંબાડિયું બને બળતાં લાકડાં, સૂકાં પાન, છાણ વગેરે વચ્ચે માટલામાં વિવિધ શાક મૂકીને, એમને બરાબર પકાવીને. ઊંબાડિયું બનાવવા માટે શાકપાન અને મસાલાથી છલોછલ માટલાને જમીનમાં ખાડો ખોદીને સૂકાં પાન, લાકડાં મુકાય છે.
પરંપરાગત રીતે ઊંબાડિયાને કાંદલું અથવા માટીના વાસણમાં બનાવવામાં આવે છે. એમાં શાકપાનમાં મસાલા ભરવામાં આવે છે. મસાલા એવા કે જેની ખુશબોથી અને જેના ચટાકાથી શાકપાનનો સ્વાદ એકદમ તરબતર કરી દેનારો થઈ જાય. ઊંબાડિયાને પકવવામાં સારો એવો સમય લાગે છે. છતાં, રાંધવાની આગવી રીતને લીધે શાકપાન કે મસાલાનાં ગુણકારી તત્ત્વો લગભગ અકબંધ રહે છે.
આ રહી ઊંબાડિયું બનાવવાની રીત.
ઊંબાડિયામાં મુખ્યત્વે જે લીલોતરી હોય છે એ દાણાવાળી પાપડી, લીલાં મરચાં (ખરેખર તો, નાનકડી મરચીઓ), આદુ-મરચાં, સુરતી કંદ, નાનાં કે મધ્યમ બટેટાં, શક્કરિયાં, સૂરણ વગેરે. એમાં ઉમેરવાનાં અજમો, આંબા હળદરની ચટણી, કોથમરી, ફુદીનો, લીલી હળદર, લસણ, ધાણાજીરું અને મીઠું. આમાંથી અમુક ચીજો વૈકલ્પિક પણ ખરી, જેમ કે જૈન ઊંબાડિયું બનાવવા લસણ સહિતની અનાવશ્યક ચીજોની બાદબાકી કરી શકાય છે.
રાંધતા પહેલાં ઊંબાડિયા માટે બટેટાં સમારીને એમાં ચટણી ભરવાની હોય છે. પાપડીને પણ પહેલાં ભીના કપડે બાંધી રાખીને થોડી કૂણી પાડવાની અને ભેજવાળી કરવાની હોય છે. પછી એને પણ ચટણી ચોપડવાની હોય છે. છેવટે બધાં શાકપાનને ભેળવીને, એમાં નામમાત્રનો ઉપર લખેલો મસાલો, તેજાના ઉમેરવાના હોય છે. એ મિશ્રણને માટલામાં ભરીને એના પર ઢાંકણની જગ્યાએ ખાખરાનાં પાન મૂકીને બંધ કરવાનું રહે છે. એ માટલાને એક ખાડામાં ઊંધું મૂકીને એના પર સળગાવવાની અગ્નિ, લાકડાં, સૂંકાં પાન, છાણ વગેરેની. માટલાને ધીમી આંચે, સરસ રીતે પકવવાનું રહે છે. એમ કરતા તૈયાર થનારું ઊંબાડિયું તો સ્વાદિષ્ટ હોય જ છે, પણ એ બને ત્યારે જે સુગંધ પ્રસરે છે એ ગજબ હોય છે. એમ તૈયાર થાય ઊંબાડિયું.
યાદ રહે, અહીં જણાવેલાં શાકપાન ઉપરાંત ઊંબાડિયામાં અન્ય તાજાં શાકપાન કે ફળ ઉમેરી શકાય છે. દક્ષિણ ગુજરાતના હાઇવે પર ઊંબાડિયાના અલગ અલગ સ્ટોલ્સમાં પણ પસંદગીનાં શાક-ફળવાળાં ઊંબાડિયાં મળે છે.
ઊંબાડિયું કેવી રીતે ખવાય? અસંખ્ય લોકો ઊંબાડિયાને એકલું ખાય છે. એની મજા સૌથી વધુ છે. સાથે ચટણી અને છાશ હોય એટલે ભયોભયો. ઘણાને વળી ઊંબાડિયા સાથે રોટલી, પૂરી ખાવાની ફાવે છે. જેવી જેમની પસંદ.
એમ નહીં માનશો કે માત્ર સ્વાદ ખાતર ઊંબાડિયું ખાવાનું હોય છે. ઊંબાડિયું ખાવાના ઘણા ફાયદા પણ છે. આ રહી નાનકડી યાદી. શાકપાનને કારણે ઊંબાડિયું ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે. એને ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે. સાથે, શિયાળામાં ગરમાટો અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે એ છોગામાં. ઊંબાડિયું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. જીરું, રાઈ સહિતના મસાલા એને ઉમદા વાનગી બનાવે છે. એમાંના મસાલા આરોગ્ય માટે જરૂરી ખનિજ અને વિટામિન્સ પ્રદાન કરે છે. ઊંબાડિયમાં ઉમેરાતાં લસણ અને આદુ મસ્તિષ્કને મજબૂતી આપે છે. પોષણ અને ઊર્જા માટે ઊંબાડિયું ઉત્તમ છે.
હવે જાણીએ દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં કે ત્યાંથી પસાર થતી વખતે ઊંબાડિયું ક્યાં આરોગી શકાય. મુંબઈથી અમદાવાદની દિશાએ જતાં, હાઇવે પર ચારોટી પસાર કર્યા પછી, ખાસ તો ઉંમરગામ, વલસાડના પટ્ટે પહોંચીએ કે, અનેક જગ્યાએ ઊંબાડિયું વેચતા બાંકડા જોવા મળે છે. ઘણા એકદમ નાના અને હંગામી (માત્ર આ મોસમમાં ઊંબાડિયું વેચવા માટે ઊભા કરાયેલા) હોય છે. છેક સુરત સુધી આવા બાંકડામાંથી જ્યાં મન ચાહે ત્યાં ઊંબાડિયું ખાવા રોકાણ કરી શકાય છે.
બાબુભાઈનું ઊંબાડિયું, પટેલનું ઊંબાડિયું, નોબલનું ઊંબાડિયું, અંજલિ ઊંબાડિયું સ્ટોલ, હરિ ઓમ ઊંબાડિયું, મદનભાઈ ઊંબાડિયુંવાલા… આ એવાં અમુક સ્ટોલ્સનાં નામ છે જ્યાં ઊંબાડિયું ખાવા માટે ઊભા રહી શકાય છે.
છેલ્લી મજાની વાત. ઊંબાડિયું ચટણી અને છાશ સાથે આરોગો ત્યારે કેટલું ખાઈ શકાશે એની ચિંતા નહીં કરશો. ખરેખર નહીં કરશો. પેટ ખાલી હશે તો શક્ય છે કે બે જણ મળીને એકાદ કિલો (કદાચ વધારે પણ) ઊંબાડિયું ખાઈ જાય. પહેલીવાર ઊંબાડિયું ખાનારને આ વાત કદાચ વધુ પડતી લાગે પણ જેઓએ એનો આસ્વાદ માણ્યો છે તેઓ કહેશે, “હા રે હા… એમાં કોઈ મોટી વાત નંઈ હોં!”