રાતના ભોજન પહેલાં સમાચાર આવે કે પ્રીતિશ નંદી નથી રહ્યા ત્યારે કોળિયો ગળા નીચે કેવી રીતે જાય?
એમની સાથે અંગત સંબંધ બસ એટલો કે બેએક વખત પત્રકાર પરિષદમાં સન્મુખ વાતચીત થઈ. મળવાનું ઘણીવાર થયું હશે પણ…
…પણ એમનો પરિચય પત્રકારત્વ પહેલાં થઈ ગયો હતો. જ્યારે માત્ર વાચક તરીકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇલસ્ટ્રેડ વીકલી ઓફ ઇન્ડિયા વાંચતો ત્યારે. પછી, સમય જતાં, એમના વ્યક્તિત્વનાં અનેક પાસાં જાણ્યાં. અમુકનો બરાબર ખ્યાલ રહ્યો. પત્રકાર, સંસદસભ્ય, ટેલિવિઝન પર્સનાલિટી, ફિલ્મમેકર અને પ્રાણીવાદી… કારણ કે બંગાળી મારી એક પ્રિય (ભલે ઓછી સમજાતી) ભાષા રહી છે, તેથી એમના બંગાળપ્રેમ અને કલકત્તા (કોલકાતા એમની અભિવ્યક્તિ સાથે કેવી રીતે લખું?) વિશેની કવિતાનો પણ ખ્યાલ હતો. એમના ચિત્રકાર હોવા વિશે થોડો ઓછો ખ્યાલ રહ્યો.
બહુમુખી પ્રતિભા જેવા શબ્દને પ્રીતિશ નંદી સાથે ઘણું બને. એક કરતાં વધુ ભાષામાં ઉત્તમોત્તમ યોગદાન આપવા સાથે તેઓએ બદલાતા ભારતમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. આજે પત્રકારોથી લેખકો, કવિઓથી લઈને ચિત્રકારો અને રાજકારણીથી લઈને ઇન્ફ્લુએન્ઝર્સ જે કામ પ્રમાણમાં આસાનીથી કરી લે છે એ કામ, ટેક્નોલોજી વિના, માત્ર માનવીય સંબંધો થકી, પોતાની કુશાગ્ર બુદ્ધિથી, નંદીએ અકસીર રીતે કર્યું હતું.
સૂર, કાંટે, ઝંકાર બીટ્સ, ચમેલી જેવી ફિલ્મો એમણે સર્જેલી ફિલ્મોમાંની થોડી છે. આ ફિલ્મો આવી ત્યારે એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ તરીકે મારું કામ ધમધોકાર ચાલતું હતું. એમાં જ એમની દીકરી રંગીતા અને દીકરા કુશન નંદીનો સાવ એટલે સાવ અછડતો પરિચય થયો હતો. દિગ્દર્શક તરીકે કુશનની પહેલી ફિલ્મ 88 એન્ટોપ હિલનો એડિટર મિત્ર અશ્મિત કુંદેર હતો. એ હતું કનેક્શન…
ખેર, પ્રીતિશ નંદીના પત્રકારત્વની ખાસ્સી અસર રહી. એમની કટારો નિયમિત વાંચી છે. એમના લખાણમાં ક્યારેક વાહ અને ક્યારેક અચ્છા, એવી લાગણી થઈ છે.
એમનું અવસાન પત્રકારત્વ માટે મોટી ખોટ છે. એવી જ રીતે પીપલ ફોર એનિમલ્સ નામની દેશની સૌથી મોટી પશુપક્ષીની સુરક્ષા માટેની સંસ્થા સર્જવાનું એમનું કામ યાદ કરીએ તો આ મોરચે પણ એમની વિદાય મોટી ખોટ છે.
ઘણા પત્રકારો એમના લખાણથી અભિભૂત થાય હશે. ઘણું કરવા જેવું અને નહીં કરવા જેવું પણ શીખ્યા હશે. એમની સ્મૃતિમાં એટલું કહીશ કે એમની જેમ, પોતાની ક્ષમતા પિછાણતા અને કામે લગાડતા, સૌ શીખે, પત્રકારો પણ. એમનાં છેલ્લાં સર્જનોમાં જેની ખાસ્સી ચર્ચા થઈ છે એવી વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ અંગતપણે બહુ ગમી નહોતી. મોડર્ન લવ મુંબઈ આંશિક રીતે ગમી હતી…
છેલ્લે બે વાત. એક એમના અવસાનની અને બીજી એમની એક કવિતાની.
એમની વિદાય પત્રકારત્વ સહિત ફિલ્મ, કળા, રાજકારણ અને જીવદયા જેવાં ક્ષેત્રો માટે મોટી ખોટ છે. એમના જેવા દિગ્ગજ માટે એટલું કહી શકાય, પ્રીતિશભાઈ, હજી ઘણું કરી શક્યા હોત તમે…
…અને આ રહી એ કવિતા જેમની કલમથી સર્જાઈ અને અમર બની ગઈ… એને અંગ્રેજીમાં જ માણીએ…
Calcutta if you must exile me wound my lips before I go
only words remain and the gentle touch of your fingers on my lips
Calcutta burn my eyes before I go into the night
the headless corpse in a Dhakuria bylane the battered youth his brains
blown out and the silent vigil that takes you to Pataldanga lane
where they will gun you down without vengeance or hate
_____
I will show you the fatigue of that woman who died near Chitpur out
of sheer boredom and the cages of Burrabazar where passion hides
the wrinkle of virgins who have aged waiting
for a sexless war that never came
only obscene lust remains in their eyes after time has wintered their exacting thighs
and I will show you the hawker who died with Calcutta in his eyes
Calcutta if you must exile me destroy my sanity before I go