ચબૂતરાની જાળવણી માટે સેવા આપતા સદ્ગૃહસ્થ પાસેના જ એક મકાનમાં રહે છે. પક્ષીઓ માટે દરરોજ ચણ અને પાણીની વ્યવસ્થા પર તેમનું વિશેષ લક્ષ્ય રહે છે
માણેક ચોકની નજીક આવેલી ઘાંચીની પોળમાં આવેલો પથ્થરનો ચબૂતરો ખૂબ જ વ્યવસ્થિત છે અને આંખોને ઠારનારો પણ. પોળમાં આવેલી જૈન પાઠશાળાના બાહરના ભાગની ભીંતને અડોઅડ ઊભેલા આ ચબૂતરાની ઝરુખા જેવી રચના જોઈને વટેમાર્ગુ ઘડીકવાર તેને જોવા રોકાઈ જાય તેટલો એ આકર્ષક છે.
આ પોળ આશરે પાંચસો વરસ જૂની છે. અત્યારે પોળમાં ૧૧૦ જેટલાં ઘર છે. અહીંના ચબૂતરાનું નિર્માણ એક સદી પહેલાં કરવામાં આવ્યું હતું. પોળમાં એક જૈન ઉપાશ્રય સહિત ૪૦૦ વરસ જૂનું સંભવનાથ સ્વામીનું દેરાસર અને શાંતિનાથ સ્વામીનું દેરાસર પણ છે.
ધાર્મિક સ્થાનકો વચ્ચે આવેલા આ ચબૂતરા આસપાસનો પરિસર સાફસૂથરો રાખવા માટે અહીંનું પંચ અને નાગરિકો પણ વિશેષ કાળજી રાખે છે. ચબૂતરાની દેખરેખ રાખવાની જવાબદારી ઉપાશ્રય સંભાળે છે. કહેવાય છે કે આ પ્રાચીન ઉપાશ્રયમાં પહેલાં એક ભોંયરું હતું જેમાં એક દેરાસર હતું. આજે એ દેરાસર પણ નથી અને તેનું શું થયું તેની પણ લોકોને જાણ નથી!
ચબૂતરાની જાળવણી માટે સેવા આપતા સદ્ગૃહસ્થ પાસેના જ એક મકાનમાં રહે છે. પક્ષીઓ માટે દરરોજ ચણ અને પાણીની વ્યવસ્થા પર તેમનું વિશેષ લક્ષ્ય રહે છે. ઉપાશ્રયમાં આવતા ભાવિકો પણ ચણ વગેરે માટે યોગદાન આપતા રહે છે. આશા સેવીએ કે એક દિવસ એવો પણ આવે જ્યારે અમદાવાદના દરેક ઉપાશ્રય માટે આવી સરસ વ્યવસ્થાનું નિર્માણ થાય.
ભારતમાં મળતાં કબૂતર આ પ્રકારનાં છે: અક્કડ (કસ્તા), કાસદ (સંદેશા લઈ જનાર), લોટણ અને ગિરેબાજ. ગિરેબાજ ભારતીય કબૂતરની સૌથી કેળવાયેલી જાત છે. એ તેજ ગતિએ, ખૂબ ઊંચે ઊડી શકે છે, ઊડતાં ઊડતાં એ ગુલાંટ પણ ખાઈ શકે છે!