(ભાગ એક)
રાસ અલ ખૈમા… નામ તો જરૂર નહીં સુના હોગા. રાસ અલ ખૈમા એટલે યુનાઇટેડ આરબ એમિરેટ્સના સાત એમિરેટ્સ કે અમીરાતોમાંની એક
દુબઈ જનાર સામાન્યપણે સીધા દુબઈ અથવા શારજાહ કે અબુધાબી એરપોર્ટ થઈને દુબઈ જાય. રાસ અલ ખૈમા થઈને દુબઈ જવાનો વિચાર જુદી માટીના લોકો કરે. એમાં પણ પહેલીવાર દુબઈ જનાર ફ્લાઇટ સર્ચ કરતા જુએ કે રાસ અલ ખૈમાની ફ્લાઇટ પણ લિસ્ટમાં છે, થોડી સસ્તી છે, ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ વળી કઈ જગ્યા?
દુબઈની પહેલી મુલાકાત વખતે આવો પ્રશ્ન એટલે થયો નહીં કે રાસ અલ ખૈમા એરપોર્ટ જોવાની ઇચ્છાને લીધે એને પસંદ કર્યું હતું. દુબઈ રહેતા મારા બનેવી, આમ તો મોટા ભાઈ જ, ધર્મેશભાઈએ જ્યારે સાંભળ્યું કે મેં રાસ અલ ખૈમાની ટિકિટ લીધી છે ત્યારે મરકતા મોઢે કહ્યું, “વાંધો નહીં. ટિકિટ લીધી તો લીધી, બાકી દુબઈ કે શારજાહની ટિકિટ લીધી હોત તો સારું થાત.”
એમની વાતનો મર્મ ઝટ સમજાયો નહીં. ગૂગલદેવતા થકી જાણ્યું કે રાસ અલ ખૈમા અને દુબઈ વચ્ચે આશરે 116 કિલોમીટરનું અંતર છે. મનમાં થયું, “બસ? આટલું જ ડિસ્ટન્સ? ત્યાંના જબ્બર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાને લીધે આ ડિસ્ટન્સ તો ચપટી વગાડતા કપાઈ જશે.”
મારી સમજણ ખોટી હતી. મધરાત પછી રાસ અલ ખૈમા એરપોર્ટ પર લેન્ડ કરવાની સાથે સમજાઈ ગયું કે આના કરતાં તો આપણાં ભુજ અને પુણેનું એરપોર્ટ એડવાન્સ્ડ અને સગવડસજ્જ છે. ઇમિગ્રેશનની વિધિ ઝટપટ સંપન્ન થઈ ગઈ. બેગેજ પણ ફટફટ મળી ગયું. ગણતરીની પળોમાં એરપોર્ટની બહાર પણ પહોંચી જવાયું. મારી બાજુની સીટ પર એક યુવાન હતો જેણે પૂછ્યું હતું, “ભાઈ, અગર આપ દુબઈ જા રહે હો તો મિલકર ટેક્સી કર લેતે હૈ.” મેં જણાવ્યું કે મને રિસિવ કરવા કોઈક આવવાનું છે, એમની કારમાં જગ્યા હશે તો હું ફ્રીમાં લિફ્ટ આપું પણ મારે ટેક્સી કરવાની નહીં થાય.
ખેર, મને રિસિવ કરવા ધર્મેશભાઈ અને રશ્મીભાભી બેઉ આવ્યાં હતાં. સામાન સહિત હુ અને બેટર હાફ કલ્પના તો હતાં જ. આપણી જેમ ત્યાં કારમાં સાંકડમોકડ બેસવાનો સવાલ હોય નહીં એ જાણતો હતો. એટલે પેલા યુવાનને લિફ્ટ આપવી શક્ય નહોતી. ફ્લાઇટ લેન્ડ થયાની દસેક મિનિટમાં અમારી દુબઈ તરફની સફર ધર્મેશભાઈની કારમાં શરૂ થઈ ગઈ…
…અને દસેક મિનિટમાં, રાસ અલ ખૈમા એરપોર્ટ ટુ દુબઈ જતી કારમાંથી બહાર જોતાં સમજાઈ ગયું કે દુબઈ જનારે શા માટે રાસ અલ ખૈમાની ફ્લાઇટ ના લેવાય.
રણ વચ્ચે ખીલેલા ગુલાબ જેવા યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રાસ અલ ખૈમા એક છેવાડાનું એમિરેટ. એ પણ પ્રમાણમાં ખાસ્સું અવિકસિત. ઉદ્યોગીકરણને વેગ આપવા આ એમિરેટ પ્રયત્નશીલ છે. છતાં, જેમને રાસ અલ ખૈમામાં કામ છે એમના માટે ત્યાંની ટિકિટ લેવી સલાહભરી છે. ત્યાંની સસ્તી ટિકિટ જોઈને ભૂલમાં પણ ભોળવાઈ નહીં જવાનું. કારણ? રાસ અલ ખૈમાથી દુબઈ પહોંચવા કમ સે કમ ત્રણેક હજારથી દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ બેસશે. સમય બગડશે એ અલગ અને અધરાતે-મધરાતે ફ્લાઇટથી ઊતર્યા તો શક્ય છે કે દુબઈ પહોંચવા વાહન સુધ્ધાં ના મળે.
થેન્ક્સ ટુ ધર્મેશભાઈ અને રશ્મીભાભી, અમારે હેરાનગતિ સહન કરવાની નહોતી. સડસડાટ દોડતી કાર અને યુએઈની પહેલી મુલાકાત વખતે સ્વજનમુખેથી ત્યાંની વાતો માણતાં અમારી સફર સરસ રહી. એમાં પણ ઓન ધ વે ધર્મેશભાઈએ પેટ્રોલ પમ્પ પર, એક કન્વિનિયન્સ સ્ટોરમાં કાર ઊભી રાખીને મસ્ત મસાલા ચા પીવડાવી એટલે ઔર કાંટો ચડી ગયો.
ફાઇનલી અમે દુબઈ હતાં. સપનાંઓના એક શહેરમાં જ્યાં અશક્યને શક્ય કરતું એવું વિશ્વ સર્જાયું છે જે જુઓ નહીં તો માન્યામાં આવે નહીં. વિશ્વની દરેક પ્રજાને પોતાનામાં સમાવનારું શહેર દુબઈ છે. શિસ્ત, કડક નિયમ અને ભૂલ બદલ નાના પ્રકારના આર્થિક દંડથી કડપને અનુસરવા પ્રેરતું શહેર દુબઈ છે. રસ્તા, ઇમારતો તો જાણે સમજ્યા પણ સામાજિક સુરક્ષા અને ગુણવત્તાસભર જીવન પૂરાં પાડતું શહેર દુબઈ છે. ભીડ, અરાજકતા, લોલેલોલ ચાલતી લાઇફ અને ટિપિકલ ભારતીય માનસિકતા તડકે મૂકી શકો અને પોતાનામાં મસ્ત રહી સગાંવહાલાં વિના નિભાવ ચલાવી શકો તો દુબઈ એક અવ્વલ શહેર છે.હજી તો જોકે એનો જાતઅનુભવ થવાનો બાકી હતો. પહેલી રાત હતી. ઘેર પહોંચતા આશરે ત્રણેક વાગ્યા હતા. પહેલી જરૂર હતી નિરાંતે ઊંઘવાની, જેથી આવતીકાલે સવાર પડતાં દુબઈને દિલથી માણવા તૈયાર રહેવાય. પછી ખબર પડવાની હતી કે આ શહેર તમારા મનસુબા પાર પાડવામાં કેવુંક કામનું છે. તો, આવતા લેખમાં નીકળી પડીએ દુબઈની સફરે… (ક્રમશ:)