ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આઇરલેન્ડ સામે ત્રીજી વન-ડે મેચમાં મંધાનાએ માત્ર 57 બોલમાં સદી ફટકારી છે. ભારતીય મહિલા ક્રિકેટર્સના વિશ્વમાં એ સૌથી ઝડપી વન-ડે સદી છે. મજાની વાત એ છે કે આ પહેલાં પણ મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી વન-ડે સદી બનાવવાનો ભારતીય રેકોર્ડ મંધાનાના નામે જ હતો.
મંધાનાની શાનદાર ઇનિંગ્સે ભારતને પાંચ વિકેટના ભોગે 435 રનના વિજયી સ્કોર સુધી પહોંચાડ્યું હતું. એમાં પ્રતિકા રાવલના 154 રનનો પણ મહત્ત્વનો ફાળો હતો. આ ઐતિહાસિક પ્રદર્શન ભારતીય ટીમના દબદબાને દર્શાવે છે.
મંધાનાની સિદ્ધિએ એમને ક્રિકેટનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન આપ્યું છે. તેમની આ નોંધપાત્ર બેટિંગ દેશ-વિદેશમાં પ્રસંશાનું પાત્ર બની છે. નવાઈ નથી કે મંધાનાને ક્રિકેટની સૌથી શક્તિશાળી ખેલાડીઓમાં ગણવામાં આવે છે.
ઓળખો સ્મૃતિ મંધાનાને
18 જુલાઈ 1996ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલી સ્મૃતિનો જન્મ થયો હતો. નાની ઉંમરથી એમણે ક્રિકેટમાં રસ લીધો હતો. આપણી રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમમાં તેઓ ઓપનિંગ બેટ્સમેન તરીકે ઓળખાય છે. આક્રમક શૈલીના બેટિંગ માટે સ્મૃતિ જાણીતાં છે.
2013માં માત્ર 16 વર્ષની વયે એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2014માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેઓએ પ્રથમ સદી ફટકારી હતી. ત્યારબાદ, વન-ડે અને ટી-ટ્વેન્ટીમાં પણ એમણે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. વન-ડે અને ટી-ટ્વેન્ટીમાં સ્મૃતિનો દબદબો છે. 2017માં આપણી મહિલા ક્રિકેટને આઈસીસી વર્લ્ડ કપના ફાઇનલ સુધી પહોંચાડવામાં મંધાનાનો નોંધનીય ફાળો હતો. એ ટૂર્નામેન્ટમાં સ્મૃતિએ અનેક મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને ટીમને આગળ વધારવામાં સહાય કરી હતી.
સ્મૃતિને 2018માં આઈસીસી મહિલા ક્રિકેટરની શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવી હતી. તેણે મહિલા ક્રિકેટને એક નવા સ્તરે પહોંચાડવામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે.