જાણીતા અભિનેતા ટિકુ તલસાણિયાની શુક્રવારે રાતે તબિયત લથડતાં તેઓને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તાજી બાતમી અનુસાર તેઓની તબિયત હવે સુધારા પર છે અને તેઓ જોખમ બહાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે રાતે ટિકુભાઈ મિત્રો સાથે અંધેરીમાં, ગુજરાતી ફિલ્મ મોમ તને નહીં સમજાયના પ્રીમિયરમાં હતા. એ સમયે એમની સાથે નાટ્યકર્મી દીપક સૌમૈયા સહિત અન્ય મિત્રો હતા. આ સિવાય ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ મહેતા, વિજય રાવલ, અમેરિકાથી આવેલા પંકજભાઈ અને અન્ય મિત્ર પણ હતા. દીપકભાઈએ શુક્રવાર રાતે થયેલી ઘટના વિશે જણાવ્યુું હતું, “ફિલ્મ શરૂ થતા પહેલાં ટિકુભાઈને એકાએક દુઃખાવો ઊપડ્યો હતો. તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને ઊલટીઓ પણ થઈ હતી. જોકે તકલીફનો અંદેશો આવી જતાં તેઓએ કટોકટી વખતે લેવાતી ગોળી ખાઈ લેતાં સ્થિતિ ઘણેઅંશે કાબૂમાં આવી હતી. તેમને તરત કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.”
હોસ્પિટલમાં ટિકુભાઈના એડમિશન પહેલાં જાણ કરી દેવાઈ હતી. તેથી, તેઓની સારવાર વધુ ત્વરાથી શરૂ થઈ શકી હતી. આજે, શનિવારે ઉલપબ્ધ માહિતી અનુસાર ટિકુભાઈની તબિયત હવે સુધારા પર છે. તેઓ જોખમ બહાર છે. અગ્રણી ડોક્ટર્સ તેમની તબિયતનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.
પ્રારંભિક વાત અનુસાર ટિકુભાઈને હાર્ટ એટેક આવ્યો હતો એવી સમજણ હતી. જોકે પરિચિતોએ જણાવ્યું હતું કે તેઓને હાર્ટ એટેક નહીં પણ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.
70 વરસના ટિકુભાઈ હિન્દી ફિલ્મો, ટેલિવિઝનના અત્યંત લોકપ્રિય કલાકાર છે. તેઓ ગુજરાતી રંગભૂમિના પણ લાડલા અભિનેતા છે. નાના-મોટા પડદે અત્યંત વ્યસ્તતા છતાં તેઓ કાયમ રંગભૂમિ પર પ્રવૃત્ત રહ્યા છે.
આ સાથે ગઈકાલે ફિલ્મના પ્રીમિયર વખતે ટિકુભાઈએ અભિનેત્રી રશ્મી દેસાઈ સાથે ખેંચાવેલી તસવીર છે. ઉપરાંત, માનવ મઘલાનીએ ટિકુભાઈ અને રશ્મી એકમેકનું અભિવાદન કરી રહ્યાં હતાં ત્યારે શૂટ કરેલા અને ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ વિડિયોની લિન્ક પણ છે.
માનવ મઘલાનીના વિડિયોની લિન્કઃ https://www.instagram.com/p/DErY9uyM0bH/