આ ચબૂતરાને ના તો બિલાડીનો કે શ્વાનનો ત્રાસ નડે છે. તેનો ઓટલો પણ ચારેક ફૂટથી વધારે ઊંચો છે, જેના પર કમાનાકારે ઊભી સીડી પણ છે
લાલ-પીળા જેવા તરત જ આંખો આંજી નાખતા રંગોથી ઓપતો એક ચબૂતરો ઘી-કાંટા રોડ પર આવેલી હરગોવન કેવળની પોળમાં છે. ઘી-કાંટા રોડ પર સ્થિત પોસ્ટ સોફિસની એ સાવ બાજુમાં છે.
આ ચબૂતરાનું નિર્માણ આશરે સોએક વરસ પહેલાં થયું હોવાનો અંદાજ છે. નિર્માણ હરગોવન કેવળની પોળના પંચે કર્યું હતું. વ્યવસ્થિત ઊંચાઈ પર આવેલા આ ચબૂતરાને ના તો બિલાડીનો કે શ્વાનનો ત્રાસ નડે છે. તેનો ઓટલો પણ ચારેક ફૂટથી વધારે ઊંચો છે, જેના પર કમાનાકારે ઊભી સીડી પણ છે. ઓટલાનો ઉપયોગ સ્થાનિકો બેસવા માટે અને ક્યારેક ધરવખરીની ચીજો મૂકવા માટે પણ કરે છે. ચબૂતરાનો મુખ્ય ભાગ ષટ્કોણ છે. ચબૂતરાની આસપાસનો પરિસર ચોખ્ખો રહેતો હોવાથી પણ એના પ્રત્યેના રહેવાસીઓના લગાવની જાણ થઈ જાય છે.
મિશ્ર વસતિ ધરાવતી આ પોળમાં ચબૂતરા જેટલું જ જૂનું અંબા માતાનું મંદિર છે. મંદિરમાં આવતા દાનમાંથી તથા રહેવાસીઓના યોગદાનથી ચબૂતરાની સારસંભાળ તેમ જ ચણની વ્યવસ્થા સારી રીતે સંપન્ન થાય છે. અત્યારે પણ તરોતાજા વર્તાતા આ ચબૂતરાનું રિનોવેશન થોડાં વરસો પહેલાં કરવામાં આવ્યું હતું. એ વખતે જ ચબૂતરાને મજબૂતી આપવા માટે લોખંડનો પાઇપ પણ લગાડવામાં આવ્યો હતો.
વાતાવરણ અને દુન્યવી તકલીફોથી રક્ષણ થઈ શકે તેવી રચના ધરાવતા આ ચબૂતરાને આટલો પ્રેમ આપનારા રહેવાસીઓ ધન્યવાદને પાત્ર છે. એમના આ કાર્યની નોંધ બીજી પોળના રહેવાસીઓ લે અને પોતાની પોળના ચબૂતરાને પણ આવી રીતે સાચવે એ ઇચ્છનીય છે.
ચકલીનું બીજું નામ ચલ્લી પણ છે. ઘરમાં તે ખોરાક કરતાં આશ્રય માટે વધારે આવે છે. તેનું સરેરાશ આયુષ્ય ૪૦ વરસ છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.