કોઈક પાસેથી શીખવામાં માણસને કયારેય શરમ નડવી જોઈએ નહીં. શાળાકીય અને કોલેજના શિક્ષણ કરતાં ક્યાંય મહત્ત્વનું શિક્ષણધામ આ વિશ્વ છે. આપણે સૌ એના નિરંતર વિદ્યાર્થીઓ છીએ. જીવનની આંટીઘૂંટીઓ છે અનંત અભ્યાસક્રમ. જોકે પુસ્તકીયા શિક્ષણની જેમ અહીં ચોક્કસ અભ્યાસક્રમ નથી. દરરોજ ગુણાંક મેળવવાની સ્પર્ધા પણ નથી. માનવી જે હરકતો કરે, જે ભૂલો કરે નિર્ણયો લે એ એનો અભ્યાસ પણ છે અને એમાં એની પરીક્ષા છે. દરેક કર્મની ફળશ્રુતિ આપણે એમાં પાસ થયા કે નાપાસ એની સાબિતી છે. રોજેરોજ નવું શીખતા રહેવાનું છે. રોજેરોજ માર્કશીટમાં નવી ટિપ્પણી ઉમેરાતી જવાની છે. પારંપારિક અભ્યાસમાં નકલ કરવાની છૂટ નથી મળતી. જીવનમાં નકલ કરીને પણ આગળ વધી શકાય છે. કોરી પાટી જેવો જન્મ લીધા પછી માણસ અન્યોનાં જીવન અને એમના ઇતિહાસ પરથી ધડો મેળવે છે. સારી વસ્તુનું અનુકરણ કરીને આગળ વધવું એ માન્ય છે, ગેરકાનૂની નથી. માણસની ફરજ છે સારાની નકલ કરીને સારા બનતા જવું. બીજાઓ પાસેથી જે સારી વાતો શીખી શકે એ આગળ વધતો રહે છે. જીવન એટલે માનવીની સૌથી મોટી પરીક્ષા. રોજ સવારે આ સત્યનું રટણ કરતા રહેવાનું છે. વધુ સારા વિદ્યાર્થી બનવાના વિચારને દૃઢ કરતા જવાનો છે. સારા માણસ બનવા અને સુખી થવા માટે આ જરૂર કરવું. બાકીનું બધું સહજ રીતે ગોઠવાતું જશે. નાપાસ થવાનો ભય પાછળ રહી જશે અને સંતોષ રોજની ઘટના બની જશે.