ચબૂતરાની બાજુમાં વર્ષો જૂનું એક પીપળાનું વૃક્ષ આવેલું છે. આ પીપળા પર એક અઘોરી બાવો માંચડો બાંધીને રહેતો એવી અહીંના લોકોની માન્યતા છે
અમદાવાદના પ્રાચીન ચબૂતરામાંનો એક ચબૂતરો ગોલવાડ-દાણાપીઠમાં આવેલો છે. આશરે સંવત ૧૯૬૬માં બંધાયેલા આ ચબૂતરાની નીચે સિમેન્ટ-પથ્થરનો નાનો ઓરડો છે. ઓરડાની ઉપર પથ્થરની કોતરકામવાળી દીવાલો ઉપર ઢીંગલીઓ કંડારાયેલી દેખાય છે. તેના ટેકા પર એવા જ સુંદર કોતરકામવાળું પ્લેટફોર્મ છે. સૌથી ઉપર શંકુ આકારનો મોટો પથ્થર જડેલો છે.
આ પોળમાં લગભગ ચાળીસ ઘરો છે. રાણા અને મારવાડી લોકો સહિત ગોલવાડ પોળમાં પંચરંગી જાતિના લોકો રહે છે. પોળની અંદર ઘણાં વર્ષો જૂનાં મંદિરો આવેલાં છે. તેમાં દશામાનુ મંદિર, મહાદેવ મંદિર, હનુમાનજીનું મંદિર, બાપા સીતારામનું મંદિર વગેરે છે. આ પૈકી ચોસઠ જોગણીનું મંદિર સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. દરેક મંદિરોમાં સવાર-સાંજ આરતી અને સેવા થાય છે. વળી, મહાદેવના મંદિરમાં દર શિવરાત્રિએ ઉત્સવ અને સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ ઉજવાય છે.
પહેલી નજરે આ ચબૂતરો ખંડેર જેવો ભાસે છે કેમ કે વર્ષોથી કોઈએ તેનું સમારકામ નથી કરાવ્યું. તેના પરિણામે ચબૂતરાની ઉપર જડેલી મૂર્તિઓ અને ઢીંગલીઓ ભાંગી ગયેલી જણાય છે. ચબૂતરાની બાજુમાં વર્ષો જૂનો એક પીપળો છે. પીપળા પર એક અઘોરી બાવો માંચડો બાંધીને રહેતો એવી અહીં લોકવાયકા પ્રવર્તે છે. ચબૂતરા ઉપર બિલાડી અને બીજાં પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં આવતાં હોવાથી લોકોએ હવે દાણા નાખવાનું બંધ કરેલું છે. મોડર્ન બાંધકામ, ભરચક વિસ્તાર વચ્ચે આ ચબૂતરો શહેર માટે એક ઘરેણાસમાન મિરાત છે. એને એનું યોગ્ય સન્માન અપાવવા માટે માનવીઓએ થોડી ઉદારતા દર્શાવવાની જરૂર છે.
એ વાતોનો વિચાર કરીએ ત્યારે એવી દ્વિધા પણ મનમાં આવ્યા વિના રહેતી નથી કે આવા ઉત્કૃષ્ટ ચબૂતરાઓ શહેરમાં હોવા છતાં તેમની હયાતી વિશે શાને અમદાવાદમાં આટલી ઉદાસીનતા પ્રવર્તતો હશે? જોકે પછી એવું વિચારીને મન મનાવવું પડે છે કે આવી સ્થિતિ માત્ર અમદાવાદમાં નથી પણ અનેક શહેરોમાં છે. આપણે માનવીઓએ જ આ દુર્ગમ વર્તમાનને ફરી સુખદ ભવિષ્ય તરફ જતો માર્ગ બનાવવાનો છે. ચબૂતરા, ગૌશાળા સહિત સેવાનાં પ્રતીક જેવાં દરેક સ્થાનકની કાળજી રાખીને.