તો, મહા વિકાસ આઘાડી (એમવીએ) હાલપૂરતી સ્થગિત છે એ હવે સત્તાવાર રીતે સ્પષ્ટ છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાએ આગામી મુંબઈ અને નાગપુર મહાપાલિકાની ચૂંટણી એકલા લડવાનો નિર્ધાર કર્યો છે. અર્થાત્ જ, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથેનું એનું જોડાણ હાલપૂરતું વિરામ લઈ રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અગ્રણી નેતા સંજય રાઉતે આ વિશે હાલમાં જાહેરાત કરી હતી. તેઓએ મહાપાલિકાની ચૂંટણીમાં વિજયનો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું, “અમે મહાનગરપાલિકા ચૂંટણી એકલા લડવા સજ્જ છીએ. અમને લોકોનું સમર્થન છે. મુંબઈ અને નાગપુરમાં અમારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે એનો અમને વિશ્વાસ છે.” પક્ષના આ પગલાને મહા વિકાસ આઘાડી સાથેના સંબંધોમાં વ્યૂહાત્મક ફેરફાર તરીકે જોઈ શકાય છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીના વિભાજન અને એના પગલે એકનાથ શિંદેએ અલાયદો ચોકો માંડ્યા પછી પડકારોનો સામનો કરી રહી છે. રાઉતે સ્પષ્ટ કર્યું હતું કે મહાનગરપાલિકા ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય એમવીએ ગઠબંધન તૂટવાનો સંકેત નથી. સ્થાનિક શાસનમાં પાર્ટીના આધારને મજબૂત બનાવવા માટેનું અમારું આ વ્યૂહાત્મક પગલું છે, “અમે રાજ્ય સ્તરે ગઠબંધન ટકાવી રાખવા પ્રતિબદ્ધ છીએ,” તેવું પણ તેઓએ ઉમેર્યું હતું.
મુંબઈ અને નાગપુરની આગામી મહાપાલિકા ચૂંટણી ઉદ્ધવ સેના માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે, કારણ આ શહેરોમાં પક્ષનું પ્રભુત્વ ફરી સિદ્ધ કરવાનું કામ આ ચૂંટણી કરી શકે છે.