છ-સાત ભાષાનું તલસ્પર્શી જ્ઞાન વ્યક્તિને કમાલની બૌદ્ધિક ઊંચાઈ આપી શકે છે. બાળકને માતૃભાષા અને સાથે અન્ય ભાષામાં સુપર બનાવવા એટલે જ માબાપે કમર કસવાની જરૂર છે.
વેકેશનમાં બાળકોને મોંઘાદાટ ક્લાસેસ કરાવતા વાલીઓ કદાચ એવું નથી વિચારતા કે બાળકને એકાદ નવી ભાષા શિખડાવીએ. ભાષા એક જ એવી ચીજ છે જેના વિના જીવનના મોટાભાગના વ્યવહાર અધૂરા રહી જાય છે. જેટલી વધુ ભાષા આવડે એટલી વધુ માણસની બુદ્ધિ ખીલે છે.
વિચ લેન્ગવેજ ડુ યુ સ્પીક? માતૃભાષા માણસની સૌથી મોટી શક્તિ છે. વૈજ્ઞાનિકો આજ સુધી પૂરેપૂરું સમજી શક્યા નથી કે અણસમજું બાળક કેવી રીતે કોઈ વિશેષ પ્રયત્નો વિના પોતાની માતૃભાષા આત્મસાત્ કરી લે છે. દુનિયા જેમ નાનકડી થઈ રહી છે તેમ માતૃભાષાનો ઉપયોગ અને એના પ્રત્યેની વફાદારી, જાણ્યે-અજાણ્યે કે લાઇફસ્ટાઇલના લીધે બદલાઈ રહ્યાં છે? આજનાં બાળકોને પોતાની માતૃભાષામાં દરેકેદરેક શબ્દ બોલતા આવડે અથવા અન્ય ભાષાના ઉપયોગ વિના અભિવ્યક્તિ ફાવે એ લગભગ અશક્ય થઈ ગયું છે. ખાસ કરીને શહેરોમાં.
કહેવાય છે કે છ કરતાં વધારે ભાષા પર જેનું પ્રભુત્વ હોય એ માણસ સહજપણે વિદ્વતાને વરે છે. ભાષા શીખવાનો ઉમળકો એક જમાનામાં નવી પેઢીમાં છલકતો રહેતો હતો. જુદી જુદી ભાષાઓ શીખીને વિચારોને આત્મસાત્ કરવાની, બહોળા અને ઊંડાણભર્યા પરિપ્રેક્ષ્યમાં સમજવાની આવડતમાં નોંધપાત્ર વધારો થાય છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના યુગમાં લોકો પાસે ભાષાઓ શીખવાનો સમય રહ્યો નથી. પારકી ભાષા જવા દો. પોતાની ભાષાને બરાબર સમજવાની તસદી પણ હવે પહેલાં જેવી લેવાતી નથી.
ઇંગ્લિશ વૈશ્વિક ભાષા છે. ભારતની પાછલાં થોડાં વરસોની પ્રગતિમાં આપણા અંગ્રેજી બોલનારા બહોળા વર્ગનો સિંહફાળો છે. વિશ્વ પર દાયકાઓ સુધી અમેરિકન અને બ્રિટિશ ઇંગ્લિશે રાજ કર્યું છે. અત્યારની રૂખ જોતાં કહી શકાય કે એ દિવસો દૂર નથી જ્યારે દુનિયા ઇન્ડિયન ઇંગ્લિશને અવગણી નહીં શકે. એમાં જોકે ખાસ પોરસાવા જેવું નથી. કારણ આપણી ઇંગ્લિશની વિદ્વત્તા વધે, એનું ચલણ વધે તો પણ એ માતૃભાષાના ભોગે થઈ રહ્યું છે. પહેલાં શહેરોની ભાષાલક્ષી સ્કૂલ્સનો ખો નીકળ્યો. આગળ ગ્રામ્ય સ્કૂલ્સનો નીકળી શકે છે. ભગવાન કરે એવું ના થાય…
માતૃભાષાની મહત્તા સૌથી વધુ સ્વીકારવી જોઈએ. અંગ્રેજી પરનું પ્રભુત્વ એની જગ્યાએ છે. દુનિયાના અનેક દેશ એવા છે જ્યાં આજે પણ ભાષા તરીકે અંગ્રેજીની કોઈ વિસાત નથી. ઘણા એવા દેશ પણ છે જ્યાં વસવા ત્યાંની ભાષા આવડવી જરૂરી ગણાય છે. અને ચીન જેવા દેશ પણ છે. ભારત માટે ચીન જેમ પ્રતિસ્પર્ધી છે એમ તકનો દરિયો પણ છે. ચીને ઉત્પાદનક્ષેત્રે હદ કરી છે. એની સાથે વેપાર કરનારાને ડગલે ને પગલે ચીની ભાષાની જરૂર પડે છે. એ છોડો. આપણે જે ચીજો ખરીદીએ છીએ એમાંની અનેક પર ચીનની મેન્ડરિન ભાષામાં લખેલું આપણને અગંબગડં લાગે છે. છતાં એ ચીજોનો વપરાશ કર્યા વિના આપણે રહી શકતા નથી.
નેધરલેન્ડમાં જઈને વસવાની ઇચ્છા ધરાવનારને સ્થાનિક ભાષા ન આવડે તો એને પગાર ઓછો મળે છે. અખાતના દેશોમાં જઈને વસતા ભારતીયો વરસોથી ત્યાંની ભાષા ન આવડવાને કારણે અકળામણ અનુભવતા રહ્યા છે. ભારતમાં જ ગુજરાતથી બેંગલુરુ કે ચેન્નાઈથી કોલકોતા જઈને વસનાર માટે પારકી ભાષા માથાનો દુખાવો બની જાય છે.
હજારો અને લાખો રૂપિયાના ખર્ચે કોમ્પ્યુટરના કોર્સ કરતાં બાળકોને એમનાં માબાપ ઉનાળાની રજાઓમાં એકાદ ભાષા શીખવવા મોકલે તો બાળકોનાં ભાગ્ય બદલાય. કારણ, કાચી ઉંમરમાં નવી ભાષા શીખવી સરળ હોય છે. ભાષા શીખવાનો ખર્ચ પણ નહિવત્ હોય છે. ફ્રેન્ચ, જર્મન, ચાઇનીઝ વગેરે ભાષા શીખવતા ઢગલાબંધ ક્લાસેસ આપણે ત્યાં છે. સંસ્કૃત, બંગાળી, તામિલ, ઉર્દૂ કે તેલુગુ જેવી ભાષાઓ સખાવતના ધોરણે શીખવતા ક્લાસેસ પણ ઘણા છે. એપ્સના જમાનામાં તો ધારો તો ઘેરબેઠા ભાષા શીખતા કોણ રોકી શકે છે?
છતાં, આપણે ત્યાં સોશિયલ મીડિયાના આટાપાટા વધુ અને ભાષા ઓછી શીખાય છે. આપણી વિચિત્ર માનસિકતાનું એ પરિણામ, બીજું શું? ભાષા પણ શીખવા જેવી બાબત છે એ સત્યને લોકો બહુ સિરિયસલી નથી લેતા. , મુંબઈનો ગુજરાતી શહેરમાં થોડીઘણી મરાઠી શીખી લે, બમ્બૈયા હિન્દીમાં ડાફા મારે અને ધારી લે કે મને ભાષા આવડી ગઈ. એ માણસ કાયમ માટે તામિલનાડુ વસે તો ધીમેધીમે થોડીઘણી અથવા ફાંકડી તામિલ બોલે એ પણ સ્થિતિને આધીન બાબત થઈ. પણ બાળકને પહેલેથી છ-સાત ભાષામાં પારંગત કરવાની ધગશ રાખવી એ ગજબ વાત થઈ ગણાય.
વાત કરતા હતા માતૃભાષાની. હવે એવી સ્થિતિ છે કે દેશમાં દસમાંથી પાંચ-સાત જણને પોતાની માતૃભાષા પણ પૂરી કે સાચી આવડતી નથી. લખવામાં તો ઠીક, વ્યવહારમાં પણ સાચી ભાષા વાપરવાના વાંધા થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે અક્ષર પર રેફ ક્યાં આવે એની ગતાગમ પણ જઈ રહી છે. આશીર્વાદ સાચું કે આર્શિવાદ? કે આર્શીવાદ? ગૃહ સાચું કે ગ્રુહ? કોને પડી છે હવે?
પોતાની ભાષામાં પૂરેપૂરું બોલતા, લખતા ના આવડે એને તો ડૂબી જવા માટે ઢાંકણી આપવી પણ ગુસ્તાખી છે. શું કરીએ? વિવિધ પ્રજાના એકમેક સાથેના સમન્વયથી ભાષાઓ ખીચડી બની ગઈ છે. આમાં કદાચ ખોટું કશું ના હોય તો પણ માતૃભાષાને સાચી રીતે જાણવાનું કુતૂહલ હોય તો ભયોભયો. એની સકારાત્મક અસર વિચારો પર પડે છે. માતૃભાષા જાદુ છે. એના સચોટ ઉપયોગની કળા જાણી તો અનેક કાર્યો આસાન થઈ જાય છે. જીવનમાં જેની આટલી મહત્તા હોય એને અવગણવાની ભૂલને ભૂલ નહીં પણ નરી મૂર્ખામી લેખાવી શકાય. પગ પર કુહાડી મારી કહેવાય.
વાલીઓ ધારે તો બાળકોને કાચી વયમાં માતૃભાષા સહિત અન્ય ભાષામાં પારંગત કરવાનો નિર્ધાર કરી શકે છે. સમાજ ધારે તો સંગઠિતપણે માતૃભાષાને જીવંત અને ચલણી રાખવા નક્કર પગલાં લઈ શકે છે. જવા દો, જેમ ચાલે છે એમ ચાલવા દો એવું કહેવું અને આચરવું આસાન છે. એના લીધે થઈ રહેલા દૂરગામી નુકસાનને સમજવું અઘરું છે. એ સમજશો તો કદાચ શરમ પણ આવશે અને આંખ પણ ઉઘડશે.
માતૃભાષાની દોસ્તી સરવાળે લાભદાયી છે. સાથે, અન્ય ભાષાઓની નિપુણતા હોય તો અકલ્પનીય ફાયદો થાય છે. નિર્ધાર કરો કે અંગ્રેજી સાથે માતૃભાષા અને બને તો બીજી બે-ચાર ભાષામાં પણ આપણી નવી પેઢીને તૈયાર કરવી છે.