ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, એટલે જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ આજે સવારે એના સેટેલાઇટ મિશનના લોન્ચિંગની સદી કરી હતી. ઇસરોએ આંધ્ર પ્રદેશના એના શ્રીહરિકોટા સ્થિત મથકેથી સવારે છ ને ત્રેવીસે જીએસએલવી-એફ15 રૉકેટને, સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક અવકાશમાં તરતું મૂક્યું હતું. એ સાથે એ રૉકેટે એનવીએસ-02 નેવિગેશન ઉપગ્રહને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવ્યો હતો.
ઇસરોના નવનિયુક્ત અધ્યક્ષ વી. નારાયણન માટે પણ એમના કાર્યકાળમાં પાર પડેલું આ પ્રથમ સીમૈાચિહ્નરૂપ કાર્ય સાબિત થયું છ. આજની સફળ લૉન્ચ માટે ખુશી વ્યક્ત તેઓએ જણાવ્યું હતું, “ઇસરોના સ્પેસપોર્ટ પરથી મને એ ઝાહેરાત કરતા અત્યંત આનંદ થઈ રહ્યો છે કે વરસનું પહેલું લૉન્ચિંગ સફળ રહ્યું છે. જીએસએલવી-એફ15એ સેટેલાઇટ એનવીએસ-02ને સફળતાપૂર્વક અવકાશી ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો છે. આપણા મથકેથી આ 100ું લૉન્ચ અને ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.”
એનવીએસ-02 ઉપગ્રહ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન (નેવિક)ની બીજી પેઢીનો ભાગ છે. તેમાં એલ-વન,, એલ-ફાઇવ અને એસ બૅન્ડ પે-લોડ્સ છે. સાથે જ સી-બૅન્ડ રેન્જિંગ પે-લોડ પણ છે. આ ઉપગ્રહ ભારતની નેવિગેશન ક્ષમતાઓને સુધારશે અને દેશભરમાં તેમ જ તેની સરહદેથી 1,500 કિલોમીટર સુધીનાં ચોક્કસ સ્થાનોએ ચોકસાઈભરી સેવાઓ પ્રદાન કરી શકશે.
આ સફળ લૉન્ચ ઇસરોની સ્વદેશી અવકાશ ટેક્નોલોજીને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એનાથી વિદેશી નેવિગેશન સિસ્ટમ પરનો દેશનો મદાર પણ ઘટ્યો છે. આ ઉપગ્રહ પરિવહન, કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સેવાઓ વધારવામાં મદદ કરશે.
એ ખુશીની ક્ષણે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે ઇસરોને એની સિદ્ધિ માટે અભિનંદન આપ્યા હતા. એક્સ પર પોતાની પોસ્ટમાં સિંહે લખ્યું હતું, “100મું લૉન્ચ: શ્રીહરિકોટામાં આ ઐતિહાસિક સીમાચિહ્ન આંબવા બદલ ઇસરોને અભિનંદન. આ ઐતિહાસિક ક્ષણે ઇસરો સાથે સંકળાયેલા હોવું એ ગૌરવની વાત છે.”
નેવિકના વિસ્તરણ સાથે ભારતની ચોક્કસ અને વિશ્વસનીય નેવિગેશન સેવાઓ વધુ મજબૂત બનશે. દેશની જરૂરિયાતોને અનુકૂળ બનાવવામાં એ સહાય કરશે. વેશ્વિક અવકાશ ક્ષેત્રમાં ભારતના સ્થાનને પણ એ વધુ મજબૂત બનાવશે.