કૈલાશ માનસરોવર યાત્રા હિંદુ, બૌદ્ધ, જૈન અને બોન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર યાત્રા છે. પાંચ વરસના વિરામ પછી 2025ના ઉનાળામાં એની પુનઃ શરૂઆત થવાની છે. કોરોના મહામારી અને ભારત-ચીન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને લીધે પાંચ વર્ષથી આ યાત્રા બંધ હતી. હવે બેઉ દેશોની દ્વિપક્ષીય ચર્ચાઓ બાદ યાત્રાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતભરના લોકો માટે એ આનંદના સમાચાર છે.
યાત્રાના પુનઃપ્રારંભ માટેની મુખ્ય વિગતોઃ ભારત અને ચીન વચ્ચેના અનેક સ્તરે વાટાઘાટ અને સંવાદ પછી કૈલાશ માનસરોવર યાત્રાને નવી સગવડો અને નવા માર્ગ સાથે ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની મુસાફરીને સરળ બનાવવા માટે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થવાની સંભાવના છે.
ભારતના વિદેશ મંત્રાલય ચીની અધિકારીઓ આ માટે એકમેક સાથે સહયોગ કરી રહ્યા છે. એમાં યાત્રાના માર્ગ અને સુરક્ષાલક્ષી મુદ્દાઓ પર વિચારણા અને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) અને નાથુલા પાસ (સિક્કિમ) જેવા પરંપરાગત માર્ગો એ માટે યથાવત્ રાખવામાં આવશે. સાથે નવા માર્ગ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. ઊંચાઈ અને કઠિન ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રિકોના શારીરિક તંદુરસ્તી પરીક્ષણને પણ અનિવાર્ય બનાવવામાં આવશે એવી જાણકારી છે.
જાણો કૈલાશ માનસરોવર યાત્રાનેઃ કૈલાશ માનસરોવર યાત્રા આપણે ત્યાં અસાધારણ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. તિબેટ સ્વાયત્ત પ્રદેશમાં સ્થિત 6,638 મીટર ઊંચાઈનો કૈલાશ પર્વત હિંદુ ધર્મમાં ભગવાન શિવનું નિવાસસ્થાન ગણાય છે. બૌદ્ધ ધર્મમાં પર્વતને મેરુ પર્વત સાથે સાંકળવામાં આવે છે, જે બ્રહ્માંડનું કેન્દ્ર છે. જૈન ધર્મ આ સ્થળને પ્રથમ તીર્થંકર ઋષભદેવના મુક્તિસ્થળ તરીકે પૂજે છે. બોન પંથના અનુયાયીઓ તેને પોતાની આધ્યાત્મિક ધરી માને છે.
યાત્રામાં મુખ્યત્વે બે બાબતો સામેલ છે:
- કૈલાશ પર્વતની પરિક્રમા (કોરા): યાત્રિકો પર્વતની ચારે તરફ આશરે 52 કિલોમીટરનીપરિક્રમા કરે છે. પાપ નિવારણ અને આધ્યાત્મિક મુક્તિ માટે એ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
- માનસરોવર સરોવરમાં સ્નાન: આ પવિત્ર મીઠા પાણીના સરોવરમાં સ્નાન કરવાથી પાપમુક્તિ થાય છે એવી માન્યતા છે. એનાથી આત્માને શાંતિ આપે પણ મળે છે.
યાત્રાની તૈયારી અને માર્ગદર્શનઃ આપણા વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કૈલાશ માનસરોવરના યાત્રિકોની સુરક્ષા અને સગવડ માટે વિશે। તૈયારી થઈ રહી છે. યાત્રા કરવા ઇચ્છુક લોકોએ નિમ્નલિખિત માર્ગદર્શનોનું પાલન કરવાનું રહેશેઃ
- આરોગ્ય પરીક્ષણ: ઊંચાઈવાળી પરિસ્થિતિના પડકારોને ધ્યાનમાં રાખીને તંદુરસ્તી પ્રમાણપત્ર અનિવાર્ય રહેશે.
- માર્ગ વિકલ્પો: યાત્રિકો લિપુલેખ, નાથુલા અથવા નવા વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરી શકશે.
- આવેદન પ્રક્રિયા: આવેદન પ્રક્રિયા અને એને લગતી જરૂરિયાતોની વિગતો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
- આધાર સુવિધાઓ: માર્ગ પર તબીબી ટીમો, ઓક્સિજન પુરવઠો અને બચાવસેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પવિત્ર યાત્રાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે ડિજિટલ સિસ્ટમ્સનો ઉપયોગ થશે. એના થકી અરજી અને નોંધણી પ્રક્રિયા પણ સુગમ બનાવવામાં આવશે.
આહ્વાન અને પડકારોઃ પાછલાં પાંચ વરસની સ્થગિતતાએ પવિત્ર યાત્રાને અસર કરી હતી. ભારત-ચીન સંબંધોમાં થઈ રહેલા સુધારા પછી યાત્રા ફરી શરૂ થવી એ સકારાતમ્ક સમાચાર છે. જોકે યાત્રિકોની સુરક્ષા, નોંધણી પ્રક્રિયામાં અને યાત્રામાં પર્યાવરણની કાળજી રાખવા જેવી બાબતો બેઉ પક્ષોની કાળજી માગી લે છે.
ઇતિહાસ અને સંસ્કૃતિઃ કૈલાશ માનસરોવર યાત્રા આપણા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. સ્કંદપુરાણ અને વિષ્ણુપુરાણમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. કૈલાશ પર્વતને આકાશ અને ધરતી વચ્ચેના સંયોગના બિંદુ તરીકે દર્શાવવામાં આવ્યો છે.
યાત્રિકો માટે જરૂરી જાણકારીઃ
સમયગાળો: કૈલાશ માનસરોવરની યાત્રા સામાન્ય પણએ 10થી 20 દિવસની હોય છે. કેટલા દિવસ લાગે એનો આધાર પસંદ કરેલા રૂટ અને પ્રવાસ માટે વપરાતાં સાધનો પર રહે છે.
આદર્શ સમયગાળો: મેથી સપ્ટેમ્બરનો સમયગાળો આ યાત્રા માટે ઉત્તમ ગણાય છે.
ખર્ચ: 2025ની યાત્રા માટેનો ખર્ચ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પહેલાંની યાત્રાઓમાં ખર્ચ રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખ સુધી રહ્યો છે.
નીચે જણાવેલી ભારત સરકારની સત્તાવાર લિન્ક્સ પર ટૂંક સમયમાં કેલાશ માનસરોવર યાત્રાની વિગતો પ્રસિદ્ધ થવાની વકી છે. યાત્રામાં જવા ઇચ્છનારા એમની મુલાકાત લઈને અપડેટ્સ મેળવી શકશે.
વિદેશ મંત્રાલય વેબસાઇટ: https://www.mea.gov.in/apply-online-kmy.htm
ભારતીય સરકારની વેબસાઇટ: https://www.india.gov.in/kailash-manasarovar-yatra-2015