નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે, એના ટેક્નોલોજી સાથેના સંબંધ વિશે, એના લીધે સર્જાયેલી શક્યતાઓ અને સમસ્યાઓ વિશેની ચર્ચાથી લખાણ શરૂ થયું છે. એમાં આપણી ભાષાને સ્પર્શતા અન્ય મુદ્દા પણ આવશે. આશા છે તમને લેખમાળા વાંચીને ચર્ચામાં સંકળાવાનું મન થશે. એ માટે વધુ કશું નહીં બસ, કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ જરૂર લખશો.
ભાગ બે
પહેલો ભાગ ના વાંચ્યો હોય તો આ લિન્ક પર ક્લિક કરીને પહોંચી જાવ.
આ લખનારે મુંબઈમાં અભિયાન જૂથના સાંધ્યદૈનિક સમાંતર પ્રવાહમાં પત્રકારત્વમાં કારકિર્દી શરૂ કરી હતી. એ સમયે અમારા સૌના ટેબલ પર આવતી અખબારી યાદી (પ્રેસ રિલીઝ) લગભગ અંગ્રેજીમાં રહેતી. એનો ઉપયોગ કરવો હોય. એમાંથી સમાચાર બનાવવા હોય તો જાતે, પોતે કામ કરવું પડતું. એ પ્રેસ રિલીઝનું ભાષાંતર, અને ભાષાંતર કરતાં વધુ, રીતસર નવસંસ્કરણ કરવું પડતું. પછી સમય બદલાતો ગયો. એજન્સીઓએ છાપાંઓમાં ભાષાંતર કરીને પ્રેસ રિલીઝ મોકલાવવા માંડી. એમણે પત્રકારોને તૈયાર માલ આપવાની પ્રથા પાડી. ગુજરાતી અખબારમાં ગુજરાતી, મરાઠી અખબારમાં મરાઠી… એમાં પત્રકારોનું એદીપણું વધતું ગયું. હવે એવી હાલત છે કે અંગ્રેજીમાં આવતી અખબારી યાદી ઘણા પત્રકારોને વિલન લાગે છે. એનું ભાષાંતર કરવાનું કામ એમને ઝેર પીવા જેવું લાગે છે.

આ પત્રકારો એ સમજતા નથી કે રેડી ટુ ઇટ ફૂડ અને જાતમહેનતે રંધાતી વાનગીમાં આભ-જમીનનો ફરક હોય છે. પ્રેસ રિલીઝનું ભાષાંતર પણ જ્ઞાનવૃદ્ધિ કરે છે. કારણ, એ માટે મગજ ચલાવવું પડે છે. અંગ્રેજી અને ગુજરાતીની નોખી વાક્યરચનાને કારણે શબ્દોની સમજણપૂર્વક ગોઠવણી કરવી પડે છે. એ કંટાળાજનક કામ નથી પણ ઘડાવાની પ્રક્રિયા છે. જેઓ આ રીતે ઘડાયા છે એ પત્રકારો જાણે છે કે કારકિર્દીમાં ક્યારેક લમણાઝીક લાગતી એ જવાબદારીએ એમને કેવા ફાયદા કરાવી આપ્યા છે.
અહીં વાત જોકે એકલા પત્રકારોની નથી. અહીં વાત બધા ગુજરાતીઓની છે. વાતચીત, લખાણ, વિચારમંથન, શબ્દસર્જન જેવા કંઈક મોરચે ભાષાને અને એની પ્રજાને ગ્રસી ગયેલી આળસની વાત છે. આપણે લગભગ હવે એ વિચારવાનું બંધ કરી દીધું છે કે પરભાષાઓના આક્રમણથી ગુજરાતીને કયા લાભાલાભ થવાની શક્યતા છે. આપણી ભાષા માટે એમાં સારું શું છે અને ખરાબ શું છે. આપણે અતિશય એદી થઈ ગયા છીએ.

એદીપણા ઉપરાંત અનેક ગુજરાતીને નડી જનારી બાબત ટેક્નોલોજી છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓની ટેક્નોલોજીમાં થયેલી અને આજે પણ થઈ રહેલી, ભારોભાર ઉપેક્ષા છે. આ ઉપેક્ષા માટે જવાબદાર સૌથી પહેલા આપણે છીએ. આપણને ગુજરાતીની પડી હોય તો કોઈની મજાલ નથી કે ટેક્નોલોજી એની સાથે અડપલાં કરી શકે. આ અડપલાં માટે એ કંપનીઓ પણ જવાબદાર છે જે ટેક્નોલોજીની મશાલ હાથમાં લઈને આખી દુનિયામાં જ્ઞાનપ્રકાશ ફેલાવવાનો દાવો કરે છે. એમણે આપણા સુધી ભલે ઘણું પહોંચાડ્યું પણ જે પહોંચાડ્યું છે એની ગુણવત્તા વિશે તેઓ બેખબર છે, બેદરકાર છે. આપણે આ ગ્લોબલ જાયન્ટ્સની થોડી વાત આગળ કરી ગયા. આગળ પણ એમનો ઉલ્લેખ આવી શકે છે. હમણાં વાત કરીએ આ વિષમ પરિસ્થિતિમાં ગુજરાતીને ટકાવી રાખવાની આશા બળુકી રાખનાર અમુક ઓનલાઇન સેવાઓની. ગુજરાતીલેક્સિકોનની અને ભગવદ્ગોમંડલની. અન્ય અમુક વેબસાઇટ્સની.

આપણી પાસે ગુજરાતીમાં ઓનલાઇન શબ્દકોશ આંગળીના વેઢે ગણાય એટલા જ છે. ખરેખર તો એટલા પણ નથી. છે એમાં શિરમોર ગુજરાતીલેક્સિકોન છે. સાથે આપણું ભગવદ્વોમંડળ છે. લેક્સિકોનની સાઇટ પર ઉપયોગી સમાનાર્થક શબ્દોનો કોશ છે. અન્ય અમુક ઠીકઠીક ઉપયોગી વિભાગ છે. બીજી એક સાઇટ નામે શબ્દકોશ ડોટકોમ પણ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. એ સિવાય જેના પર મદાર રાખી શકીએ એવી ખાસ કોઈ ઓનલાઇન ડિક્શનરી આપણી પાસે નથી. જે છે એમની મર્યાદા પણ નોંધવી રહી. એમાં અનેક અંગ્રેજી અને અન્ય ભાષાના એવા શબ્દો નથી જે આપણી ભાષા સાથે, રોજબરોજના લખાણ, સંવાદ સાથે, એકરસ થઈ ગયા હોય. એવા હિન્દી, અંગ્રેજી વગેરેના શબ્દોનું ગુજરાતીકરણ કરવું હોય તો શું કરવું, એ વિચારવું કે ઠરાવવું અંગત મુનસફીનો મામલો થઈ ગયો છે. અથવા પછી સહેલો અને મહત્તમ લોકોએ અપનાવેલો રસ્તો છે અંગ્રેજી શબ્દને સીધો અંગ્રેજીમાં ઠપકારી દેવો. આપણે થોડા કાંઈ મરાઠી છીએ કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ને પ્રારંભિક ભાગવિક્રી કહીએ, કે એવું કહેવાની કડાકૂટમાં પડીએ? એમ તો પ્રારંભિર જાહેર ભરણું જેવું સરળ અને સૌને સમજાય એવું ભાષાંતર થઈ જ શકે છે. આવું ઘણા લખતા પણ હશે છતાં, આઈપીઓ આપણા પર હાવી છે. કારણ? આપણે ગુજરાતી, આપણે તો આઈપીઓ એટલે આઈપીઓ જ. જય હો.

જોકે અંગ્રેજી શબ્દોના ઓશિયાળા થવાની ભૂલ આપણે ટેક્નોલોજીના દમન પહેલાં જ શરૂ કરી દીધી હતી. એટલે એકલી ટેક્નોલોજીને દોષ આપવો યોગ્ય લેખાશે નહીં. ટેક્નોલોજીને લીધે થયું એમ કે ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોનો મારો અસહ્ય હદે વધી ગયો. ઘણા વળી એવો આગ્રહ રાખે છે કે ગુજરાતી લખતી વખતે ભરપૂર અંગ્રેજી શબ્દો લખવાના કેમ કે લોકોને એવી ભાષા જ સમજાય અને ગમે છે. હશે, બિલકુલ એવું હશે પણ વાત ત્યાં સુધી પહોંચી કેવી રીતે? કોણે પહોંચાડી? ગુજરાતીઓને ગુજરાતી કરતાં અંગ્રેજી શબ્દો કેમ વધુ વહાલા થઈ ગયા? આ મુદ્દો ચર્ચાનો, મંથનનો વિષય છે. પોતાની ભાષામાં સચોટ અભિવ્યક્તિ માટે પરભાષાના શબ્દોનો મારો ચલાવવો પડે એ ક્યાંનો ન્યાય?
થવું એમ જોઈતું હતું કે બદલાતા સમય સાથે તાલ મિલાવવા ગુજરાતી ભાષા સતત ખેડાતી રહે. એમાં નવા શબ્દો, શબ્દપ્રયોગો સતત ઉમેરાતા રહે. પરભાષાનું ગુજરાતીકરણ થતું રહે અને ભાષા નિત્ય સમૃદ્ધ થતી રહે. એવુું લાંબા સમયથી થયું નથી. હવે તો થતું જ નથી એ ખેદની વાત છે.
કોઈ પણ ભાષા માટે આવશ્યક છે કે સમયાનુસાર એનો શબ્દવૈભવ વધે. મોંઘવારી પ્રમાણે આવક વધારવાના મામલે આપણે કેવા શૂરા છીએ? એવું જ શૂરાતન ભાષામાં શબ્દોની આવક વધે એ માટે આપણને હોવું જોઈતું હતું. ભૂતકાળમાં એવું થતું રહ્યું હશે. સમયાંતરે ચલણમાં આવતા અન્ય ભાષાના નવા શબ્દો, નવા સંજોગો, નવાં સાધનો માટે, નવી વ્યવસ્થા માટે, નવા વિચારો માટે ગુજરાતીમાં શબ્દો બન્યા જ હશે. ક્યારેક સપ્રયત્ન, ક્યારેક અનાયાસ અને ક્યારેક આપોઆપ. સાથે, જ્ઞાનીઓ એ માટે શોધખોળ કરતા જ હતા. એમાંના એક ભગવતસિંહજી હતા જેઓએ આપણને ભગવદ્ગોમંડલની ભેટ આપી. અને માત્ર ગુજરાતી કેમ, દરેક ભાષા એ રીતે આગળ વધી છે અને ટકી છે. છતાં, એ મામલે ભલભલી ભાષાને દિગ્મૂઢ, આશ્ચર્યચકિત કરી દેનારી ભાષા અંગ્રેજી છે.

અંગ્રેજીમાં શું થાય છે? એક અંદાજ પ્રમાણે એમાં દર વરસે હજારેક નવા શબ્દો ઉમેરાતા રહે છે. ફ્રેન્ચ, લેટિન, ગ્રીક… તમામ ભાષાઓમાંથી અંગ્રેજીએ અનેકાનેક શબ્દો પ્રેમથી ઊંચક્યા અને પોતાના કર્યા છે. ગુજરાતીમાંથી પણ એણે ગુજ્જુ, હાંડવો, ચેવડા, છાસ, તળાવ, જાડેજા, દાબેલી, ફાફડા જેવા ઘણા શબ્દો લીધા છે. કહો કે આપણે જે શબ્દને અંગ્રેજી શબ્દ ગણીએ છીએ અને વટથી કે સહસા એનો ઉપયોગ કરીએ છીએ એવા અનેક શબ્દો મૂળ તો પરભાષાના છે. લોકોમોટિવ (લેટિન), ટેલિગ્રાફ, ફોટોગ્રાફ, ઇલેક્ટ્રિસિટી (ત્રણેય ગ્રીક), કેચઅપ (હૉકિન ચાઇનીઝ), રડાર (રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગના સમન્વયથી સર્જિત), કૉફી (અરેબિક, ડચ, ટર્કિશ), ટી (ચાઇનીઝ), બાઝાર (પર્શિયન, ટર્કિશ, ઇટાલિયન), યોગા (સંસ્કૃત), સફારી (અરેબિક, સ્વાહિલી)… ગણતા થાકી જવાશે.
અંગ્રેજીના નિત્યોત્થાન માટે એક વ્યવસ્થિત તંત્ર કાર્ય કરે છે. નિષ્ણાતો એ સુનિશ્ચિત કરે છે કે સમય સાથે અંગ્રેજી તાલ મિલાવતી રહે. ઔદ્યોગિક ક્રાંતિ, વિશ્વયુદ્ધો, પૉપ કલ્ચર, ટેક્નોલોજીનો સ્ફોટ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાં પૂર અને વિશ્વનું ગ્લોબલ વિલેજ બનવા તરફ આગળ વધવું, એ દરેક બાબતે અંગ્રેજી માટે પડકાર અને અવસર પણ સર્જ્યા છે. એટલે તો એ ભાષા પાસે સોફ્ટવેર, ઇમેઇલ, સેલ્ફી, હૅશટેગ, મીમ, ઇન્ફ્લુએન્ઝર સુધી શબ્દો છે. અન્ય ભાષાઓ આ મામલે અંગ્રેજી કરતાં ઘણી, ઘણી પાછળ, ઘણી પછાત રહી ગઈ છે.

જૂની અંગ્રેજીમાં 50,000થી 60,000 શબ્દો હતા. સન 1800માં અંગ્રેજીમાં આશરે એક લાખ શબ્દો હતા. સન 1900માં એ વધીને બે લાખ થઈ ગયા હતા. 2000માં એ વધીને થયા હતા સાડાચાર લાખ શબ્દો. આજે, 2025માં, આશરે છ લાખ શબ્દો છે. ઘણાનો અંદાજ એવો છે કે અંગ્રેજીમાં દસેક લાખ શબ્દો છે. આપણી ગુજરાતીમાં આવું કામ કેમ થંભી ગયું? આપણે કેમ અન્ય ભાષાઓના શબ્દોને પોતાના કર્યા નહીં? આપણે બસ સ્ટોપને કેમ બસ સ્ટોપ જ રહેવા દીધુંં? અને શું આપણે મોબાઇલને હવે કાયમ માટે મોબાઇલ રાખશું અને વાઈફાઈને વાઈફાઈ જ રાખશું?
આપણે એવા દેશમાં છીએ જ્યાં ગુજરાતીને માલદાર બનાવવા દેશની જ અન્ય ભાષાઓમાંથી પણ તગડા શબ્દો મેળવી શકાય. અંગ્રેજીમાંથી લેવામાં પણ છોછ નથી જ. બસ, આપણે અંગ્રેજીના (હિન્દીના પણ) ઓશિયાળા થઈ ગયા છીએ એની સામે વાંધો છે. અને હોવો જ જોઈએ. આપણે એના શબ્દો એટલે વાપરીએ છીએ કે આપણે પોતાના શબ્દો બનાવવાની તસદી લેવી નથી. આપણે નીંભર થઈ ગયા છીએ. આપણને ભાષાની દરકાર નથી રહી. આપણે હવે, “ચાલો, નવા શબ્દો પ્રયોજીએ,” કહીને, મનોમંથન કરીને, ભાષાલક્ષી નિર્ણયો લઈને, નવા શબ્દોને ગુજરાતીમાં ઢાળવાનું બંધ કરી દીધું છે.

જોકે આ કામ બે-ચાર કે વધુ પેઢી પહેલાં જ બંધ થઈ ગયું હશે એમ કહી શકાય. એ પહેલાં વાત અલગ રહી હશે. એ સમયે જે કામ થયું હશે એને કારણે ગુજરાતી આજે જ્યાં સુધી પહોંચી છે ત્યાં સુધી પહોંચી છે. પછી, ગાડીના કાર અને મોટર સાથે, ટેલિવિઝન અને રેડિયો સાથે, આપણે હથિયાર હેઠાં મૂકવા માંડ્યાં. બાકી એ પહેલાં પ્લેટફોર્મને ગુજરાતીમાં શું કહેવાય એવું વડીલો પૂછતાં, પછી ચમકતી આંખે કહેતા – અગ્નિરથવિરામસ્થળ – અને એ ચમક સાથે એ શબ્દ પણ બાળકના મુગ્ધ માનસપટ પર છપાઈ જતો. એ અલગ વાત કે શબ્દસર્જનની આ ટ્રેન (આગગાડી) ભાષાને એવરેસ્ટના સ્ટેશન સુધી લઈ જાય એ પહેલાં નિષ્ફિકરાઈનાં સિગ્નલ્સ લાગી ગયાં અને…
…બાકી કોમ્પ્યુટરને ગણકયંત્ર કે સંગણક કહેવામાં ક્યાં કોઈ વાંધો હોવો જોઈએ?
ભાષા મટે શબ્દસર્જન કરવું એ આનંદ છે, આવિષ્કાર છે, ફરજ છે, મનોમંથન છે, વિજ્ઞાન છે અને અમૂલ્ય સેવા છે. જોકે એને આવું બધું કહેવાય એ વિચારવાની હવે ક્યાં કોઈને ફુરસદ છે? હોતા હૈ, ચલતા હૈ, ગુજરાતી હૈ… યુ નો.
પહેલો ભાગ ના વાંચ્યો હોય તો આ લિન્ક પર ક્લિક કરીને પહોંચી જાવ.
(આની આગળ આ લેખમાળામાં આપણે કઈ ચર્ચા કરશું એની અછડતી વાત સાથે વિરામ લેશું. આ રહ્યા અમુક મુદ્દા)
- ગુજરાતી ભાષા પર ઝળુંબતું હિન્દી ભાષાનું ભૂત અને એનો ખતરો – મિત્ર અમિત જોશી સાથેની ચર્ચા પછી થયું કે આની વાત કરવા જેવી છે. આઠ-દસ વરસ પહેલાં હિન્દી ભાષામાં ચિક્કાર કામ કરવાની (અમુક પ્રોજેક્ટ્સ એવા કર્યા જેમાં ભાષાવિદ જેવી જવાબદારી વેંઢારવાની હતી) તક મળવાની શરૂ થઈ હતી. એના લીધે સમજાતું ગયું કે હિન્દી લખાણમાં અનેક પડકારો છે. વત્તા, વાચક તરીકે પણ અનુભવ્યું છે કે હિન્દીના વણજોઈતા પ્રભાવે ગુજરાતી ભાષાને બરાબરની આંટીમાં લીધી છે.
- હિબ્રૂ ભાષાનો પુનરોત્થાન – એક લેખ લખતી વખતે જાણ્યું કે લગભગ પતી થઈ ગયેલી આ ભાષાને ઇઝરાયલે, યહૂદીઓએ ફરી જીવતી કરી.
- ભગવદ્ગોમંડલ – ગુજરાતીલેક્સિકોન પછી જેની સૌપ્રથમ વાત કરવી યોગ્ય રહેશે એ આ મુદ્દો છે. આવતા લેખમાં એની વાત કરીશું.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ – આ અને આવી ટેક્નોલોજી અને આપણી ભાષાના સંબંધ વિશે વાત કરીશુું.
- સરસ ગુજરાતી લખવા શું કરી શકાય – વાત કરીશું અમુક પુસ્તકોની. ખાસ તો ઊર્મિ ઘનશ્યામ દેસાઈના પુસ્તક વ્યાકરણવિમર્શની.
- જોડણી અને સરળતા – ગુજરાતીમાં અનુસ્વાર, હૃસ્વ અને દીર્ઘ માત્રા, નાનો ઇ અને મોટો ઈ લખવામાં જેઓને સાત સમંદર પાર કરવા જેવું કષ્ટ લાગે છે એમને કામ આવે એવી થોડી આસાન ટિપ્સની વાત કરીશું.
- બીજી વાતો પણ કરીશું. આશા છે તમને વાંચીને આનંદ થશે અને મને લખીને.
(ક્રમશઃ – ત્રીજો ભાગ પણ આવશે, વાંચતા રહેજો)
પહેલો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
ત્રીજો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
ચોથો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
પાંચમો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
છઠ્ઠો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
6 Comments
Jordar.
Sorry to say.
No words in Gujrati that I know to Appreciate this Artical.
આભાર, મારા ભાઈ… વાંચતા રહેશો
સંજયભાઈ, સરસ વાત કરી રહ્યા છો, સમજાઈ પણ રહી છે. આવનાર લેખની આતુરતા.
આભાર, દોસ્ત. આ રીતે કોમેન્ટ પણ લખતો રહેજે.
ભાઈ મજા આવી ગઈ મુંબઈ ની લોકલ ટ્રેન માં બેસી ને સફર કરતા આ વાચવા ની મજા પડી જાય છે
આભાર, મારા ભાઈ… આમ જ વાંચતો રહેજે…