(નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે, એના ટેક્નોલોજી સાથેના સંબંધ વિશે, એના લીધે સર્જાયેલી શક્યતાઓ અને સમસ્યાઓ વિશેની ચર્ચાથી લખાણ શરૂ થયું છે. એમાં આપણી ભાષાને સ્પર્શતા અન્ય મુદ્દા પણ આવશે. આશા છે તમને લેખમાળા વાંચીને ચર્ચામાં સંકળાવાનું મન થશે. એ માટે વધુ કશું નહીં બસ, કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ જરૂર લખશો)
નવી નોંધઃ પહેલાંના ત્રણ ભાગમાં આપણે ટેક્નોલોજીએ ગુજરાતીને પહોંચાડેલી જફા વિશે, અંગ્રેજી ભાષાએ કેવી રીતે પોતાને સમય સાથે સતત અપડેટ કરી એની, અને ભગવદ્ગોમંડલની વાત કરી. જેમના ત્રણ ભાગ વાંચવાના રહી ગયા હોય તેમના માટે આ રહી લિન્ક્સ, ક્લિક કરશો કે પહોંચી જશો.
ભાગ એક વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ બે વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ત્રણ વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ પાંચ વાંચવા અહીં ક્લિક કરો
ભાગ છ વાંચવા અહીં ક્લિક કરો.
હવે આગળ…
ભાગ ચાર
ટેક્નોલોજીથી વાત શરૂ કરી હતી. એના તરફ પાછા વળીએ. આ વખતે ટેક્નોલોજીમાં બિનઅંગ્રેજી ભાષા, કોમ્પ્યુટરમાં એનો ક્રમિક વિકાસ જેવા આમ તો અટપટા પણ જાણવા ચાહો તો મજાના મુદ્દાને સવિસ્તર સમજીએ.
ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક અને માંધાતા કંપનીઓ છે. એમાં આપણને હવે ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં મનચાહી વાત લખવાની અને વાંચવાની સગવડ છે. આપણે અંગ્રેજીમાં લખીએ તો તરત એ ભાષાંતર કરી આપે છે. ટેક્નોલોજીનો આ પ્રયાસ કે કહો એમની આ પ્રગતિ સ્તુત્ય છે. આમ તો એ કરવા પાછળ એમનો પોતાનો સ્વાર્થ અને વેપાર છે, પણ ઠીક છે. મુદ્દો એ કે અનેક ભાષાઓ ઇન્ટરનેટ પર ખેડવાની આવી આસાની વરસો સુધી નહોતી. ઇન્ટરનેટ પર અંગ્રેજી સહિત અમુક ભાષાઓ જ સરળતાથી વાપરી શકાતી હતી. એ સમયે આપણે કોમ્પ્યુટિંગમાં અંગ્રેજીની ગુલામી કરતા હતા. જેઓને અંગ્રેજી આવડે એમનો જાણે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેક્નોલોજી પર પરોક્ષ ઇજારો હતો.

ગુજરાતીનો ઇન્ટરનેટિયો વપરાશ 1990ના દાયકાની શરૂઆતમાં શરૂ થયો હતો. તો પણ, એ સમયે પ્રાદેશિક ભાષાઓનો વપરાશ કરવામાં ભારે કડાકૂટ હતી. બે વ્યક્તિ માટે ભારતીય ભાષામાં પરસ્પર કોમ્પ્યુટર પર સંવાદ સાધવામાં મર્યાદાઓ હતી. એ શક્ય કરી આપે એવા વિકલ્પો ઓછા હતા. એક વિકલ્પ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોરમેટ (આનું ગુજરાતી આપણે ક્યાં ઠરાવ્યું છે?) એટલે કે પીડીએફનો હતો. અથવા, લખાણને દસ્તાવેજ કે તસવીરમાં ફેરવીને એપલોડ કરવાનો હતો. જેઓ વરસોથી કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે સંકળાયેલા છે એમને આ જફાભર્યા દિવસોનું સ્મરણ હશે.
લખાણનું પીડીએફકરણ કે તસવીરીકરણ પણ આસાન નહોતું. થાય તો પણ દરેક વખતે એ કામનું નહોતું. મારે કોઈને લખાણ જ મોકલવું હોય જેથી સામેવાળો એને વાંચવા ઉપરાંત, મઠારી શકે, તોડી કે જોડી શકે એ પીડીએફ કે ઇમેજ ફોરમેટમાં શક્ય નહોતું. પછી, નવી સગવડ નામે યુનિકોડ આવી. એણે મામલો આસાન કરવાની શરૂઆત કરી.

આ યુનિકોડ શું છે?
ઉપર કહ્યું તેમ, કોમ્પ્યુટરમાં લેટિન ભાષાના અક્ષરોવાળી ભાષાઓ સહેલાઈથી વાપરી શકાય એની સગવડ પહેલેથી હતી. અંગ્રેજી લેટિન અક્ષરો ધરાવે છે. અન્ય જે ભાષાઓ આવા અક્ષરોથી લખાય છે એમાં સ્પેનિશ, જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન વગેરેનો સમાવેશ થાય છે. એ ભાષાઓ ઇન્ટરનેટ પર બરાબર વાપરી શકાતી હતી. કારણ એમની સ્ક્રિપ્ટ માટે બધું ઉપલબ્ધ હતું. જોઈએ એટલા ફોન્ટ્સ પણ બહુ ઝડપથી બની ગયા હતા.
સ્ક્રિપ્ટ એટલે અક્ષરમાળા અને ફોન્ટ એટલે બીબું. ક, ખ, ગ, ઘ… આપણી ગુજરાતી ભાષાના અક્ષર કે આપણી સ્ક્રિપ્ટ. એને છાપવા ફોન્ટ જોઈએ. જેમ મુદ્રણ માટે બીબાં એમ ટાઇપિંગ માટે ડિજિટલ બીબાં કે ફોન્ટ્સ. મુદ્રણમાં જેમ અનેક પ્રકારનાાં બીબાં હોય એમ ડિજિટલ લેખન માટે ફોન્ટ્સનું વૈવિધ્ય જોઈએ. કોઈક અક્ષર પાતળો દેખાય એવું મનમાં હોય, કોઈક જાડો (બોલ્ડ) દેખાય એવું હોય, કોઈ મરોડદાર અને કોઈ તીક્ષ્ણ દેખાય એવું હોય, એ બધું ફોન્ટ્સના વૈવિધ્યથી થાય છે. આપણી ભાષા માટે સમસ્યા એ હતી કે પહેલાં તો એના અક્ષરો કોમ્પ્યુટર માટે બન્યા નહોતા. બીજી સમસ્યા એ કે થઈ કે ફોન્ટ્સ બન્યા પછી પણ એ જેની પાસે હોય એ વાપરી શકતા હતા. કોમપ્યુટરમાં એ બાય ડિફોલ્ટ એટલે સહજ ઇન્સ્ટોલ કરાયેલા નહોતા મળતા. એ સમસ્યાનું પહેલું નિવારણ ખાનગી કંપનીઓનાં સોફ્ટવેરથી આવ્યું અને જાગતિક નિવારણ યુનિકોડથી આવ્યું.
યુનિકોડ વિના કોમ્પ્યુટર પર બિનલેટિન ભાષાનું લખાણ મગજમારીનું કામ હતું. કારણ ત્યારે જુદાં જુદાં કેરેક્ટર એનકોડિંગ હતાં. પહેલાં કોમ્પ્યુટર પર ટેક્સ્ટ એનકોડિંગની એક કરતાં વધુ રીત હતી. અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ (એટલે એસ્કી) એમાંની એક અને પ્રમુખ હતી. બીજી આઈએસઓ-8859 (લેટિન-1) હતી. એસ્કીથી એ ટુ ઝેડ, શૂન્યથી નવ અને અમુક સંજ્ઞાઓ આસાનીથી ટાઇપ થઈ શકતી હતી. આઈએસઓ-8859થી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ ભાષાઓ સહેલાઈથી ટાઇપ થઈ શકતી હતી.

ટેક્સ્ટ એનકોડિંગને સરળ શબ્દોમાં સમજીએ. એનું કામ છે કોમ્પ્યુટરને સમજાય એ રીતે અક્ષરો, ભાષાનો સંગ્રહ કરવો. ઘણાંને કદાચ ખ્યાલ ના હોય એટલે જણાવી દઉં કે કોમ્પ્યુટર માત્ર બે આંકડા ઓળખે છે, શૂન્ય અને એક. વાત ત્યાં પૂરી. આપણે કશું પણ લખીએ, દોરીએ, જોઈએ, સાભળીએ, બધું એટલે બધું કોમ્પ્યુટર માટે તો માત્ર શૂન્ય અને એક એમ બે આંકડાથી બનતી એક સંખ્યા, એક નંબર છે. કોમ્પ્યુટર ના માટે દરેકેદરેક ચીજ એક કોડ જ છે. બૅકએન્ડમાં એટલે પ્રોગ્રામિંગમાં લખાયેલા કોડના આધારે કોમપ્યુટર સમજે કે વપરાશકર્તાને ફ્રન્ટએન્ડ એટલે કે સ્ક્રીન પર શું દેખાડવું. દાખલા તરીકે, કોમ્પ્યુટર માટે અંગ્રેજી અક્ષર A એટલે એસ્કી કોડ 65 અને એ કોડ એટલે આ નંબર – 01000001. આપણને પડદે A લખીએ ત્યારે એની પાછળ, ટેક્નોલોજીની બુદ્ધિને A સમજાય એ માટે કોડમાં 01000001 લખેલું હોય છે. અક્ષર, તસવીર, વિડિયો, અરે, 😊 આ ઇમોજી પણ કોડ જ છે.
કોમ્પ્યુટર કોડિંગથી કામ કરે છે એની તો આપણને સૌને જાણ છે જ.
કોમ્પ્યુટર પાસે કોડ ના હોય એટલે એ લખાણને ‘?????’ કરી નાખે. એટલે, લખાણને ગાર્બેજ કે કચરો કરી નાખે. કોમ્પ્યુટર આપણી ભાષાઓનો પહેલાં આ રીતે બેહદ કચરો કરતું હતું. જ્યાં સુધી એસ્કી અને આઈએસઓ-8859નો ઇજારો હતો ત્યાં સુધી આવું સખત થતું હતું. એ બે સિસ્ટમના દબદબા વખતે અન્ય ભાષાઓ માટે કોમ્પ્યુટર પર, આડકતરી, પ્રવેશબંધી હતી. ભાષા અને એના અક્ષરો સમજવા માટે કોડ ના હોય તો કોમ્પ્યુટર એને પિછાણે કેવી રીતે? એ કોઈક ભાષાને ન્યાય મળે એવા એ ભાષાના લોકોના કોડ’ કેવી રીતે પૂરા કરે?
પછી આવ્યું યુનિકોડ ટ્રાન્સફોર્મેશન ફોરમેટ – 8-બિટ, એટલે કે યુનિકોડ સિસ્ટમ. એણે આપણી અનેક ભાષાઓ સહિત ચીની, જમણેથી ડાબે લખાતી અરેબિક જેવી ભાષાઓને કોમ્પ્યુટર પર ખરેખરું જીવન આપ્યું. એણે જ નવા જમાનામાં ભારે ખપતી ઇમોજીસ વગેરેને જન્મ આપ્યો.
ટૂંકમાં, ગુજરાતી સહિત અનેક ભાષાઓ માટે કોમ્પ્યુટર પર લખાણરૂપે આજના સ્તરે પહોંચવું સહેલું નહોતું. હવે પહોંચ્યા છીએ તો એની ગુણવત્તા સાચવવી અઘરી થઈ છે. આપણે સતર્ક રહીએ, ભાષાને ચોખ્ખી રાખવા મથીએ તો આપણે જ લાભમાં રહીશું. કારણ, આવનારી પેઢીઓ પ્રિન્ટના લખાણથી નહીં, ડિજિટલ લખાણથી ભાષા સાથે ગોઠડી કરવાની છે. એમના સુધી ચોખ્ખી ભાષા પહોંચાડવા ટેક્નોલોજીમાં ચોખ્ખી ભાષા સચવાય એ અનિવાર્ય છે.
(ક્રમશઃ આવતા લેખમાં વાત કરીશું ગુજરાતી ભાષાના અક્ષરોને કોમ્પ્યુટર પર જીવંત કરનારાં અમુક સોફ્ટવેરની. વાંચતા રહેજો. આભાર.)
ભાગ એક વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ બે વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ત્રણ વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ પાંચ વાંચવા અહીં ક્લિક કરો
ભાગ છ વાંચવા અહીં ક્લિક કરો.
1 Comment
રસપ્રદ.. ભાષાની કમ્પ્યુટરયાત્રા રોચક છે.