રિયલ એસ્ટેટ કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) શુક્રવારે એના મુંબઈના પ્રોપર્ટી બિઝનેસમાં પ્રવેશની જાહેરાત કરી હતી. મુંબઈ મેટ્રોપોલિટન રિજન કે એમએમઆરમાં કંપનીએ 92 એકરના રૂ. 1,500 કરોડના વેચાણની શક્યતા ધરાવતા પ્રોજેક્ટ માટે કરાર કર્યાની પણ ઘોષણા કરી હતી. પ્રોજેક્ટમાં સચ ડેવલપર્સ અરવિંદના લેન્ડ પાર્ટનર્સ છે.
કંપનીનો આ પ્રોજેક્ટ ખોપોલીમાં છે, જે પ્રસ્તાવિત ત્રીજા મુંબઈનો ભાગ છે. પ્રોજેક્ટ મલ્ટીયુઝ પ્રકારનો છે. જોઇન્ટ ડેવલપમેન્ટ મોડેલ હેઠળ, આવકના 70% હિસ્સા પ્રમાણે એના પર હસ્તાક્ષર કરાયા છે. એનાથી ઓછા મૂડીરોકાણમાં વધુ સારું વળતર મળશે.
મુંબઈ 3.0 અટલ સેતુ અને જેએનપીટી પોર્ટ જેવા પરિવર્તનકારી માળખાકીય પ્રોજેક્ટ્સને લીધે પ્લોટ્સ અને વિલા સહિતના વિકાસકાર્યો માટે મહત્વના સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિરાર-અલીબાગ મલ્ટીમોડલ કોરિડોર, મુંબઈ-પુણે-એમટીએચએલ ઇન્ટરચાર્જ અને અન્ય પ્રોજેક્ટ્સ એની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ કરશે.
અરવિંદનો પ્રોજેક્ટ ગોલ્ફ કોર્સ અને વિશાળ ક્લબહાઉસ સહિતની સુવિધાઓ સાથે વિસ્તારનો સૌપ્રથમ વિશાળ હોરિઝોન્ટલ પ્રોજેક્ટ બનવાની ધારણા છે. પ્રોજેક્ટની વિશેષતાઓમાં ઉત્કૃષ્ટ ડિઝાઇન, આધુનિક સુવિધાઓ, ભીડ વિનાની રિક્રિએશનલ ફેસિલિટીઝ, પ્રીમિયમ કસ્ટમાઇઝેશન અને લીલોતરીસભર મોકળાશ સામેલ છે.
આ વિશે વાત કરતાં અરવિંદ સ્માર્ટસ્પેસીસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કમલ સિંઘલે જણાવ્યું હતું કે મુંબઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશ કરતા અમે આનંદિત છીએ. અમારા વિકાસની સફરમાં એ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમને વિશ્વાસ છે કે એમએમઆર પ્લોટેડ/વિલા માર્કેટ અમને વિશાળ તકો પૂરી પાડશે.
એમણે ઉમેર્યું હતું કે મહાનગરમાં કંપનીનો પ્રવેશ ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સંતુલિત ભૌગૌલિક વૈવિધ્યકરણની એની વ્યૂહરચનાનો પુનરોચ્ચાર કરે છે. મુંબઈમાં ડિઝાઇન, ગુણવત્તા અને મૂલ્ય સર્જનની અમારી બ્રાન્ડ વેલ્યૂનો પડઘો પાડે તેવા અભૂતપૂર્વ પ્રોજેક્ટ પૂરા પાડવા માટે આતુર છીએ, એવું પણ તેમણે જણાવ્યું હતુું.
આ વરસમાં અત્યાર સુધીમાં, આ હસ્તાંતરણ સહિત કંપનીનું ક્યુમ્યુલેટિવ ન્યુ બિઝનેસ ડેવલપમેન્ટનું સંભવિત વેચાણ રૂ. 2,500 કરોડ જેટલું છે. આગામી ત્રિમાસિક ગાળામાં કંપની અમદાવાદ અને બેંગલુરુ સહિતની એની બજારોમાં અને એમએમઆરમાં પણ વધુ પ્રોજેક્ટ્સ ઉમેરવા આતુર છે.