બાકી બધું ઠીક પણ આ મોબાઇલ, ટેબલેટ કે લેપટોપ બાથરૂમમાં લઈ જવાની, ત્યાં વાપરવાની આદત હદ નથી વટાવી રહી? એ શું સૂચવે છે? આપણે કેટલા ઘાંઘા થઈ ગયા છીએ એ? કેવા અનિરાંતિયા થઈ ગયા છે એ? કે પછી ટેક્નોલોજીના ગુલામ બની ગયા પછી આપણે સામાન્ય સંસ્કાર અને સમજણ તો ઠીક, સ્વાસ્થ્યની પરવા પણ કરતા નથી એ? ઇલેક્ટ્રોનિક ગેજેટ બાથરૂમ કે ટોઇલેટમાં વાપરવાની આદત આરોગ્યને જોખમમાં મૂકે છે. બેક્ટેરિયાથી લઈને તણાવ સુધી, આ લેખ તમને જણાવશે કે તમારા ગેજેટ્સને બાથરૂમની બહાર શા માટે રાખવાં જોઈએ.
એક કાલ્પનિક દ્રશ્ય વિચારીએ. સરસ મજાની પણ સામાન્ય ભારતીય સવાર છે. હવામાં ચાની સુગંધ તરી રહી છે. બેંગલુરુની 28 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર પ્રિયાનો દિવસ જસ્ટ શરૂ થયો છે. કરોડો ભારતીયો જેવી જ કાંઈક એની સ્થિતિ છે. પ્રિયા નોટિફિકેશન્સથી ચમકી રહેલી સ્ક્રીન જોતાં પોતાનો મોબાઇલ ઉપાડે છે. એ સીધી બાથરૂમ તરફ જાય છે. મોબાઇલ એના જીવનનું અવિભાજ્ય અંગ છે. ટોઇલેટમાં પણ એ એની સાથે ને સાથે રહે છે. પ્રિયા ઇમેઇલ્સ જુએ છે, મીમ્સ પર હસે છે અને વોટ્સઍપ ચેટના જવાબ આપે છે. આ બધું એ કરી રહી છે ટોઇલેટની સીટ પર બેઠાંબેઠાં. એની આદત એટલી પ્રબળ છે કે પ્રિયાને હવે એ પ્રતીતિ થવાની પણ બંધ થઈ ગઈ છે કે એ છે તો ક્યાં છે!
બાથરૂમ કે ટોઇલેટમાં મોબાઇલ, ટેબલેટ કે લેપટોપ વાપરવાની આદત ખતરનાક આરોગ્ય જોખમ છે. પ્રિયા જેવા કરોડો લોકોને આ આદત ધીમેધીમે નુકસાન પહોંચાડે છે. ગેજેટ્સનો આવો લાચારીભર્યો વપરાશ સુવિધા અને સાવચેતીના ટકરાવની વાત છે. આ જોખમભરી આદત પુનર્વિચાર અને પરિવર્તન બેઉ માગે છે.
બાથરૂમ ક્યારેક વ્યક્તિના એકાંતનું સ્થાન હતું. અને સ્થાન હતું સંસ્કારી રીતે, સંયમપૂર્વક નિત્યકર્મને ન્યાય આપવાનું. થેન્ક્સ ટુ ગેજેટેસ, હવે એનું આ ઔચિત્ય જાળવવાની તમા કોઈ કરતું નથી. હવે આ ખરાબ આદત ડિજિટલ જીવનનો ભાગ છે. ઇન્ડિયન ડિજિટલ હેબિટ્સ કાઉન્સિલના 2023ના એક સર્વેક્ષણમાં નોંધ હતી કે 68% શહેરી ભારતીયો દરરોજ બાથરૂમમાં અને પ્રસાધનગૃહમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. એમાં પણ, 42% માટે આ એક રોજિંદી અને બદલી શકાય નહીં એવી આદત છે. ટેબલેટ અને લેપટોપનો બાથરૂમમાં ઉપયોગ યુવા પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે. આકર્ષણ સ્પષ્ટ છે: સોશિયલ મીડિયા અથવા કામ માટે ચોરેલી કેટલીક ક્ષણો. આવી ક્ષણચોરી કરવાની લાહ્ય ખરેખર ચિંતાજનક બાબત છે. કારણ એવું કરવાની ચેષ્ટા જૈવિક અને મનોવૈજ્ઞાનિક કિંમત ચૂકવવાની શરતે આવે છે.
બેક્ટેરિયાનો ખતરો: દરેક ટોઇલેટ ફ્લશ કે કહો, ટોઇલેટ પ્લમ, બનાવે છે. એના લીધે હવામાં ઇ. કોલાઇ, સાલ્મોનેલા અથવા નોરોવાયરસ જેવા બેક્ટેરિયા પ્રસરે છે. આ બેક્ટેરિયા સ્માર્ટફોન સહિતનાં ઉપકરણોની સપાટી પર જમા થાય છે. 2021ના યુનિવર્સિટી ઑફ એરિઝોનાના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બાથરૂમમાં ઉપયોગમાં લેવાતા ફોનમાં સામાન્ય ફોનની તુલનામાં દસગણા વધુ બેક્ટેરિયા હોય છે. ભારતમાં સ્થિતિ વધુ ચિંતાજનક. આપણે ત્યાં માણસો ઝાઝા અને પ્રસાધનગૃહો ઓછાં છે. મોટાભાગનાં ઘરોમાં એક બાથરૂમ કે જાજરૂ અનેક જણ વાપરે છે. આપણાં આવાં ભાગીદારીમાં વપરાતાં અને ભેજવાળાં બાથરૂમ્સમાં બેક્ટેરિયાનું જોખમ ઘણું વધી જાય છે. દાખલા તરીકે પેલી પ્રિયા, એ અજાણતાં, પોતાનો ફોન ટોઇલેટના કાઉન્ટર મૂકે અને ફ્લેશ કરે કે એ સાથે અનેક જંતુઓને મોબાઇલની સ્ક્રીન પર એકઠા કરે છે.
પ્રિયાનો સહકર્મચારી છે અર્જુન. એ 32 વરસનો છે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. એકવાર ટોઇલેટમાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી વખતે અર્જુનનો ફોન સિંકમાં પડી ગયો. એણે વિના લાંબો વિચાર કર્યે ફોન ઉઠાવ્યો, એક ટિશ્યુ પેપરથી જેમતેમ સાફ કર્યો અને બસ, કાયમની જેમ વપરાશ જારી રાખ્યો. અઠવાડિયા પછી અર્જુનના ચહેરા અને હાથ પર ફોલ્લીઓ થઈ. એણે ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે જણાવ્યું કે એને ફોન પર ચોંટેલા બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થયું છે.
દેશ અને વિદેશમાં આવા કેસો ખરેખર વધી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી પણ આપી છે કે એન્ટિબાયોટિક પ્રતિરોધના સમયમાં આ ખરાબ આદતથી અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
પાણીથી નુકસાન: 2022ના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેફ્ટી બોર્ડ મુજબ 15% સ્માર્ટફોનને નુકસાન થવાનું કારણ ભારતનાં ભેજવાળાં બાથરૂમ્સ છે. પાણીનાં ટીપાં અને છાંટા, વરાળ વગેરેથી ફોન બગડતા ખર્ચાળ રિપેરિંગ અથવા વીજળીનો કરન્ટ લાગવાનો ખતરો થઈ શકે છે. પ્રિયાનો ફોન પણ ભેજથી ધીમેધીમે ખરાબ થઈ રહ્યો હતો. એને જોકે એનો ખ્યાલ જ નહોતો. અને એના ફોને જવાબ આપી દીધો અને મેકેનિકે એને જણાવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
મનોવૈજ્ઞાનિક અસર: બાથરૂમ એકાંતની જગ્યા હતી. ત્યાં ગેજેટ્સના ઉપયોગ કરવાના સ્વભાવે આપણને આપણા એકાંતથી અળગા કરી નાખ્યા છે. આવી આદત આપણા મગજને જરૂર કરતાં કે એની માનવીય ક્ષમતા કરતાં વધુ પ્રવૃત્ત રહેવાની ફરજ પાડે છે. 2024ના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બાથરૂમમાં ફોનનો ઉપયોગ કરનારાઓની માનસિક ચિંતાઓ વધી છે. એમનું ચિત્ત કોઈક વાતમાં પરોવાય એ અવસ્થા હવે બેહદ ખરાબ થઈ છે. મુદ્દે, એમની એકાગ્રતાનો દાટ વળી રહ્યો છે. પ્રિયાનું લગાતાર સ્ક્રોલિંગ એના સરસ દિવસની શરૂઆતને ચિંતાનો પટારો બનાવી નાખતું હતું. એનો એને અહેસાસ પણ નથી રહ્યો.
શારીરિક તણાવ: લાંબા સમય સુધી ટોઇલેટના કમોડ પર બેસીને ગેજેટ્સનો ઉપયોગ કરવાથી શરીરની મુદ્રાને નુકસાન થાય છે. એનાથી ગરદનનો દુખાવો અથવા બવાસીર થઈ શકે છે. પ્રિયાને પણ ગરદનમાં દુખાવો થયો. એને મન એમ કે આ તો કામના તણાવથી. હકીકત એ હતી કે એના શરીરની મુદ્રાનો દાટ વળવાનું કરાણ મોબાઇલનો એ ઉપયોગ જવાબદાર હતો જે એ ટોઇલેટમાં કરતી હતી.
ઉપાયો: ફોનને બાથરૂમ અને ટોઇલેટની બહાર છોડો. યાદ રહે, ઇલેક્ટ્રોનિક ઉપકરણ એ જગ્યાએ વાપરીને ટિશ્યુ કે ડિસઇન્ફેક્ટન્ટ વાપરીને એને સાફ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એવું માનવું પૂર્ણપણે યોગ્ય થી. હા, એમ કરેલી સફાઈ મદદ કરી શકે છે પરંતુ એ સચોટ ઉકેલ નથી. અમુક એપ્સ પણ છે. દાખલા તરીકે ફોરેસ્ટ. એ તમારા ફોનને એ સમયે લૉક કરી શકે છે જ્યારે તમે બાથરૂમ કે ટોઇલેટમાં કુદરતી કૉલને ન્યાય આપવા જાવ અને ફોન બહાર રાખી દો. આ એપ્સ ડિવાઇસને લોક કરી શકે છે. એ એપ્સ ફોનને, ડુ નોટ ડિસ્ટર્બ, મોડ પર મૂકી દે છે. એની આદત પાડો. અથવા, ભલે ફોન બહાર રહ્યો પણ બાથરૂમ કે ટોઇલેટમાં એને લઈ જઈને મનની શાંતિ અને સ્વાસ્થ્યની સમસ્યા નથી વધારવી એવો નિર્ધાર કરો. આદત બદલી નાખો.
પ્રિયા અને અર્જુનનાં ઉદાહરણ સમજાવે છે કે ડિવાઇસીસ દરેક જગ્યાએ નહીં હોવાં જોઈએ. બાથરૂમમાં એના વપરાશનાં જોખમો—જંતુઓ, નુકસાન, તણાવ—બધું સમજદારીપૂર્વક ટાળી શકાય છે. હવેથી, બાથરૂમમાં જતી વખતે ફોન ઉપાડતા પહેલાં અટકો. એને બહાર મૂકીને આગળ વધો. એમ કરવાથી તમારું આરોગ્ય તમારો આભાર માનશે.


