બહાનાં આપવામાં જે વ્યક્તિ ઉસ્તાદ હોય એ જીવનમાં બીજા કોઈ કામમાં નિષ્ણાત થઈ શકતી નથી. – અજ્ઞાત
સવાર પડતાની સાથે જ માણસના માથે જવાબદારીનો બોજ સહજપણે આવી પડે છે. સમયસર જાગી જવાથી વ્યવસ્થિત દિવસ વિતાવવા સુધી, સ્વાસ્થ્યવર્ધક જમવાથી યોગ્ય સમયે પોઢી જવા સુધી દરેક બાબતમાં છૂપી જવાબદારી હોય જ છે. એ બધાથી આગળની અને વધુ મહત્ત્વની જવાબદારી એટલે નિત્ય ફરજ નિભાવવાની જવાબદારી. નોકરીધંધો કે ગૃહકાર્ય એ બધું આ જવાબદારીમાં આવી જાય. ઘણા જણને જો કે માથે આવેલાં કામને પાર પાડવામાં ખાસ્સો કંટાળો આવ્યા કરે છે. કામને મોડું કરવામાં, અધકચરું પાર પાડવામાં આવા લોકોને કોઈ ખાસ છોછ થતો નથી. ઉપરનું વાક્ય આવી માનસિકતા સામે સચોટ રીતે લાલબત્તી ઘરે છે. એટલું નક્કી છે કે જે કરવાનાં હોય એ કામમાં કાચું કાપો કે બહાનાં કાઢવાં જ પડે. તબિયત ખરાબ હતી. ટ્રેન મોડી હતી, મને ખબર નહોતી, યાદ જ ના રહ્યું વગેરે બહાનાં એટલે અણઆવડતના દેખીતા નમૂના. જેણે બહાનાબાજી કરવાથી પોતાની જાતને અળગી રાખી છે એને જ કાર્યદક્ષતાનો ખરો મર્મ સમજાયો છે. કામમાં ચપળ અને સફળ થવું એ સરવાળે તો એક જ વાત ગણાય. આજના દિવસે આ મુદ્દે વિચાર અવશ્ય કરજો. જે કામ ટાળતા હોવ કે પતાવતા ખાતર પતાવતા હોવ એનાથી થતા નુકસાનનો પણ પૂરતો વિચાર કરજો. યાદ એટલું રાખજો કે ગમે તેવાં બહાનાં કરી અત્યાર પૂરતી શાંતિ થઈ શકે ખરી પણ સરવાળે તો સહન પોતે જ કરવું પડે. એટલે જ, દુન્યવી દડમજલમાં પોતાની છાપ બનાવવા માટે આજથી જ કઈ બાબતમાં નિષ્ણાત બનવું જોઈએ એ દૃઢ નિર્ધાર સાથે નક્કી કરી લો.