આજના માણસ જેટલો સુખી કદાચ કોઈ વખતનો માણસ નહોતો અને કદાચ દુઃખી પણ આજે અઢળક સાધન-સગવડ છે તો સાથે જ સંતાપ અને સમસ્યા પણ છે. જાતજાતના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ અને ભાતભાતની દવાનો ડુંગર છે. ભરપૂર તો પૈસા છે અને એને માણવા જ દે નહીં એવી બિનજરૂરી વ્યસ્તતા છે. માણસના મનોરંજનનું માધ્યમ સાત્ત્વિક વાચનથી બદલાઈને બીબાંઢાળ ટેલીવિઝન થઈ ગયું છે. પૌષ્ટિક ખોરાકની જગ્યાએ દેખાવડી પણ ઓછી ગુણકારી વાનગીઓ આપણી જીવનશૈલીનો ભાગ બની ગઈ છે. ગણી ગણાય નહીં એટલી વિરોધાભાસી સ્થિતિઓ અત્યાધુનિક જમાનામાં વ્યાપ્ત છે. કેવી રીતે માણસ એવી જિંદગી જીવી શકે જેનાથી એ આવી સ્થિતિમાં પણ આદર્શ જીવન માણી શકે? થોડાક સાદા નિયમ અપનાવવાનો વિચાર કરીએ? જેમ મોબાઈલના લેટેસ્ટ હેન્ડસેટને ખરીદવા તાલાવેલી થતી હોય એમ સ્વસ્થ્ય માટે અકસીર બાબતોની કાળજી લેતા થઈએ. ભૌતિકવાદી બનીને બસો રૂપિયા ખર્ચીને મૂવી ભલે જોઈએ, પણ સાથે જ વાસ્તવવાદી બનીને પચાસ જ રૂપિયા ખર્ચીને આખો દિવસ કુદરતના ખોળે પર્યટન માણીએ. જે યુગનો માણસ પાછલા યુગની સારી વાતને સાચવી શકે અને પોતાના યુગની ક્ષતિઓને બરાબર સમજીને જરૂરી મર્યાદા બાંધી શકે એના માટે જીવન ક્યારેક અકારું થઈ શકતું નથી. ઠાલા ઉધામા, તકલાદી મનોરંજન, નબળો ખારાક અને રગશિયા વૃત્તિ, આટલી બાબતોથી જો આઘા રહી શકાય તો સમજી લેવાનું કે બેડો પાર છે. આજના દિવસથી આટલીક આ વાતને પોતીકી કરી દો. આજના દિવસથી હાઈફાઈ થવાની સાથે સાવ સાદગીભર્યા પણ થઈ જાવ. લાભમાં રહેશો.