
કોલેજ ફેસ્ટિવલ્સ એટલે યુવાનોનો રંગીન મેળો એવી એક સામાન્ય છાપ છે. બીજી અને થોડી રૂઢિચુસ્ત નજરે નિહાળો તો આવા ફેસ્ટિવલમાં પ્રસરી ગયેલી અનેક બાબતો ચોંકાવી દે. ફેશન, ફ્લર્ટિંગ, ફન અને સેક્સથી માંડીને બિનધાસ્તપણાના સમન્વય જેવા આ ફેસ્ટિવલ આપણા બદલાતા જતા સમાજના સૌથી વરવા પુરાવા છે, કદાચ.
નવી મુંબઈની એક પ્રતિષ્ઠિત કોલેજમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં એક કાર્યક્રમ ઈન્ફોર્મલ્સ હતો. સરળ શબ્દોમાં કહીએ તો ઈન્ફોર્મલ્સમાં ઈન્સ્ટન્ટ રમતોનું આયોજન કરાય છે અને સમગ્ર કાર્યક્રમ કોઈ જાતના છોછ વિના આગળ ધપે છે, ટિપિકલ યુવાશૈલીમાં. આ ઇન્ફોર્મલ્સનું સંચાલન કરનાર યુવાનની ભાષા એટલી રફ અને સીધીસટાક હતી કે કોઈ ચોખલિયા વડીલ એ વાણી સાંભળીને બેભાન થઈ જાય. ઓન ધ સ્ટેજ એટલે કે સંચાલક તરીકે પેલો યુવાન અંગ્રેજીમાં, હિન્દીમાં બોલાતી ઢગલાબંધ ગાળનો છૂટથી ઉપયોગ કરતો હતો. ઇન્ફોર્મલ્સ માણતાં યુવક-યુવતીઓમાં કોઈને એની આ ભાષા સામે વિરોધ નહોતો.
પેલા જાણીતા કાર્યક્રમ એક મિનિટની જેમ ઇન્ફોર્મલ્સમાં મોટા ભાગની સ્પર્ધાઓ ઝટપટ હતી. કેવીક સ્પર્ધાઓ હતી એમાં? બે યુવતીઓ મંચ પર આવે છે, નાનકડી કાતરથી તેઓ એકમેકના માથાના વાળને બે ઇંચ ટૂંકા કરી નાખે છે, બે યુવાન વિદ્યાર્થીઓ મંચ પર આવે છે અને પોતાની સાહસિક વૃત્તિનો પરિચય આપવા પોતાના એક-એક પગને ઘૂંટણ લગી શેવ કરી નાખે છે. આ સ્પર્ધાઓ તો છતાંય શિષ્ટ હતી. આગળ વધીએ. એક કોન્ટેસ્ટમાં પાંચ-છ યુવાનો (જેમાં પેલા સંચાલકે પણ હસતા મોઢે ભાગ લીધો હતો) ભાગ લે છે જેમાં દરેક પોતાના શરીર પર નીચેના ભાગમાં ધારણ આંતરવસ્ત્ર મંચ પર દર્શાવે છે. સ્પર્ધા હતી કોનું આંતરવસ્ત્ર સૌથી રંગીન છે, ફેશનેબલ છે. એક યુવાનને બાથરૂમમાં જઈને પોતાના આંતરવસ્ત્રને ટ્રાઉઝર પર, સુપરમેનની માફક ધારણ કરીને આવવાનું કહેવાય છે અને એ કરે પણ છે. કોલેજ ફેસ્ટિવલ્સ માત્ર ગણતરીનાં વરસોમાં ધરમૂળથી બદલાઈ ગયા છે, અંધેરીની એક કોલેજમાં યોજાયેલા ફેસ્ટિવલ્સમાં ટીવી પર્સનાલિટી સાજિદ ખાન જજ તરીકે આવ્યો હતો. એણે તમામ સ્પર્ધકોને માત્ર સેક્સને લગતા પ્રશ્નો પૂછ્યા હતા. હોમોસેક્સ્યુઆલિટીને ધિક્કારનાર એક યુવાનને શબ્દોથી ચીરવા માટે સાજિદે પ્રશ્ન કર્યો હતો, “ડુ યુ નો વ્હોટ ઈઝ ધ મિનિંગ ઓફ હેટ્રોસેક્સ્યુઅલ?” પેલા છોકરાને ખરેખર આ અંગ્રેજી શબ્દમાં કાંઈ જ ગતાગમ પડી નહોતી. અભદ્ર અને અસભ્ય ગણાય એવી ભાષા, ઉછાંછળાપણું, નશીલા પદાર્થ કોલેજ ફેસ્ટિવલ્સમાં કાયમી સ્થાન પામી ચૂક્યા છે. એક કોલેજ ફેસ્ટિવલ્સમાં નશીલા પદાર્શ વેચવાનો ઠેકો વિદ્યાર્થિનીઓની એક કમિટી પાસે હતો, જે પોતે ફેસ્ટિવલ્સ આયોજક હતી. સિગારેટમાં ભરવા માટે જાતજાતના કેફી પદાર્થ આ કમિટીના બે જણ પાસે (એક છોકરો, એક છોકરી) થેલામાં ઠાંસોઠાંસ ભરેલા હતા. આયોજકોમાંના ટોચના મેમ્બર્સ કેમ્પ્સમાં ફરીને કસ્ટમર્સ ગોતીને એમને આ બેઉ સુધી પહોંચાડવાની જવાબદારી પાર પાડતા હતા. માત્ર મુંબઈમાં જ શા માટે, આખા દેશની અગ્રણી કોલેજમાં યોજાતા ફેસ્ટિવલ્સમાં દુનિયા આવી જ કાંઈક હોય છે.
કોલેજ ફેસ્ટિવલ્સમાં ઈન્ફોર્મલ્સ, નૃત્ય સ્પર્ધાઓ અને પર્સનાલિટી કોન્ટેસ્ટ, રૉક શો, મ્યુઝિકલ્સ વગેરે નિયમિત અને નિશ્ચિત બાબતો છે. રૉક શોમાં જે બેન્ડ હિસ્સો લે છે તેઓ વારંવાર અંગ્રેજીના પેલા ચાર અક્ષરના શબ્દને ફંગોળે છે અને હાજર વિદ્યાર્થીઓ ચીસાચીસ કરીને પ્રેમથી આ નાદને ઝીલી લે છે. કોલેજ ફેસ્ટિવલમાં જે એક બાબત બહુ ચર્ચાસ્પદ હોય છે એ છે પ્રોનાઇટ્સ. સામાન્યપણે ફૂટલૂઝ કે જેને ડાન્સ પાર્ટી કહી શકીએ એના પછી લગભગ મધરાત આસપાસ પ્રોનાઇટ્સ શરૂ થાય છે. પ્રોનાઇટ એટલે સાનભાન ભૂલીને પ્રેમરત થઈ જવાની રાત. પ્રોનાઇટ્સમાં રાંધાતા સંબંધ બહુધા હંગામી હોય છે. કોલેજમાં રહેવા સુધી આવા સંબંધ શારીરિક સ્તર પર જીવંત રહે છે. કોલેજના વાર્ષિકોત્સવને એમના આ રિસર્ચને લીધે અસામાજિક કહી શકાય ખરા? વીસ લાખથી એક કરોડના ખર્ચે યોજાતા કોલેજ ફેસ્ટિવલ્સ આટલા ભભકાદાર, ખર્ચાળ અને બોલ્ડ એક ઝાટકે બન્યા નથી. સંસ્કૃતિના બદલવાની સાથે અને સમગ્ર વિશ્વની અસરના નિરંતર ચાલતા વાવંટોળને લીધે આજે આ મોહાલ સર્જાયું છે. વ્યસન, દાખલા તરીકે, જૂની પેઢી માટે ખાનગી અને અયોગ્ય ચીજ ગણાતી. આજની પેઢી માટે વ્યસન જીવનશૈલીનો એક હિસ્સો માત્ર છે. શારીરિક સંબંધોના મામલે નવી પેઢી એકદમ ઉદારમતવાદી છે. અને જાહેરમાં (મંચ પરથી, ધેટ મિન્સ) બોલાતી ભાષા શિષ્ટ અને ગળચટ્ટી જ હોવી જોઈએ એવું આ યુવાનો માનતા નથી.
મુંબઈની અનેક શિક્ષણ સંસ્થાઓમાં ફેસ્ટિવલ્સ યોજાય છે જેમાંના આશરે અડધો જઢન એવા છે જે કોલેજના સીમાડા વટાવીને સૌમાં જાણીતા બન્યા છે. કોઈક કોલેજમાં શૈક્ષણિક વરસ શરૂ થતાની સાથે તો કોઈકમાં વરસના આખરમાં ફેસ્ટિવલ યોજાય છે. દરેક કોલેજ પોતા ફેસ્ટિવલને સૌથી સારો બનાવવા મચી પડે છે અને વિદ્યાર્થીઓએ ચૂંટી કાઢેલા જનરલ સેક્રેટરીના (જીએસ) હાથમાં આ ફેસ્ટિવલની બાગડોર છે. પ્રિન્સિપાલ કે સંચાલકો ભાગ્યે જ ફેસ્ટિવલમાં ચંચુપાત કરવાની હિંમત કરતા હોય છે.
એમટીવી જેવી ચેનલ્સ પર થતા પ્રદર્શનનેય ક્યાંય સારાં કહેવડાવે એવા વેશ કોલેજ ફેસ્ટિવલમાં થાય છે. યુવાનો સદંતર બિનધાસ્ત હોય છે અને એની સાબિતી એટલે કોલેજ ફેસ્ટિવલ્સ. કોઈ રૂઢિચુસ્ત વ્યક્તિ બાય ચાન્સ આવા એકાદ ફેસ્ટિવલમાં પહોંચી જાય તો એનું આવી જ બને. દુનિયા ગ્લોબલ વિલેજ બની રહી છે કે આપણે અમેરિકન ગ્લોબલ બની રહ્યા છીએ?


