ચબૂતરા પર પાણી માટે કૂંડાં પણ લટકે છે અને પક્ષીઓની સુરક્ષાનો વિચાર કરનારે તેના પર લોખંડની પટ્ટીઓની જાળી પણ લગાડી છે

આ એક એવો ચબૂતરો છે જે જૂના અમદાવાદની પોળોમાં આવેલા ચબૂતરાઓની ઉપલબ્ધ યાદીઓમાં સ્થાન ધરાવતો નથી! બેહદ ખૂબસૂરત એવો આ ચબૂતરો વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસરની નજીક આવેલો છે. ધના સુથારની પોળ પાસે જ આવેલી આ પોળનો ચબૂતરો શહેરના બીજા કેટલાય ચબૂતરાઓ કરતાં નોખો તરી આવનારો છે.
લાકડામાંથી નિર્માણ પામેલો આ ચબૂતરો એવી સ્થાપત્યકળા ધરાવે છે જેને સમજવી જરા સહેલી નથી. પહેલી નજરે જોતાં એમ થાય કે એ અસલ ભારતીય કે અમદાવાદી સ્થાપત્યકળા મુજબનો તો નથી જ. આશરે પચાસેક વરસ પહેલાં નિર્માણ પામેલો આ ચબૂતરો બૌદ્ધ, ભારતીય સ્થાપત્યશૈલીઓના સમન્વય જેવો છે. ચબૂતરા પર પાણી માટે કૂંડાં પણ લટકે છે અને પક્ષીઓની સુરક્ષાનો વિચાર કરનારે તેના પર લોખંડની પટ્ટીઓની જાળી પણ લગાડી છે. ઉપરના ભાગમાં ચણ મૂકવા માટે ત્રણ એવાં પગથિયાં પણ બનાવવામાં આવ્યાં છે જે વધારાની જગ્યા વાપર્યા વિના સીડીની ગરજ સારે છે.
પિસ્તાલીસ જેટલાં ઘર ધરાવતી આ પોળમાં અડધાં ઘર જૈનોનાં તો બાકીનાં સોની, બ્રાહ્મણ, વૈષ્ણવોનાં છે. અહીંનું વાસુપૂજ્ય સ્વામી દેરાસર સવાસો વરસ જૂનું છે. પોળની દેખરેખ માટે અહીં પંચ કાર્યરત છે. પંચ જ ચબૂતરાને ધબકતો રાખવાની કાળજી રાખે છે. ચબૂતરાની નીચેના ભાગમાં વાહનો પાર્ક થાય છે. પાસેના મકાનની સાવ લગોલગ આવેલા આ ચબૂતરાની આસપાસ ઝાઝી જગ્યા ભલે નથી. પોતાને વધુ દેખાવડો બનાવતો આ ચબૂતરો પક્ષીઓ માટેનું મનગમતું સ્થાન છે.
સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહીં, સીધું થવાની જરૂર છે…
…અને યોગી થવાની જરૂર નથી પણ ઉપયોગી થવાની જરૂર છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

