પથરાયો છું પ્રયત્નના જંગલમાં ડાળડાળ
ને હું જ વિસ્તરુ છું વિકલ્પોના રણ સુધી
– જવાહર બક્ષી
આગે ખાઈ ઔર પીછે દરિયા જેવી અવઢવ જીવનમાં છાશવારે આવે છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કરીને આવનારી ક્ષણ જીવવાની હોય ત્યારે મનોમંથન ચરમસીમાએ પહોંચી જાય છે. જિંદગીનાં નાજુક પાસાં જ નહીં પણ ઓફિસે ગૂટલી મારવાથી માંડીને બે સારી ફિલ્મમાંથી આજે, અત્યારે કઈ ફિલ્મ જોવી એની દ્વિધા પણ વિચિત્ર હોય છે. માણસે પોતાની પ્રાયોરિટી પોતે નક્કી કરવાની હોય. ‘આમ કરીશ તો તેમ થશે અને તેમ કરીશ તો આમ, બાવો બાર પકડવા જાય ને બગડે બધાં કામ,’ એવું વારંવાર થતું રહે છે. ભૂલ આપણી છે. આપણી બેદરકારી અને આપણી નફિકરાઈ આપણને અગત્યના મુદ્દાઓના નિર્ણય વ્યવસ્થિત અથવા એડવાન્સમાં લેતા ટાળે છે. ચશ્માંના બે કાચ પારદર્શક હોવા ખૂબ જરૂરી હોય તો જિંદગીમાં, નિર્ણયોમાં પારદર્શકતા કેમ નહીં? પ્રયત્નોના, વિકલ્પોના રૂમાલનો સમયસર ઉપયોગ કરી પરિસ્થિતિનાં ચશ્માંના કાચને પહેલેથી ચકચકિત રાખતા શીખો. આજનો નિર્ણય કાલે બૂમરેંગ થઈ આફત નોતરે એવી બીકે કોઈ નિર્ણય લેવાનો નહીં એ ન ચાલે. તમારું ભલું શેમાં છે એ જાતે જ નક્કી કરતા શીખો. ઉતાવળિયા નિર્ણય પછી પરિણામ સારું આવે તો એ નસીબ. બુદ્ધિપૂર્વક લીઘેલા નિર્ણયનું પરિણામ બૂરું આવે તો પણ ડગી નહીં જવાનું. વિકલ્પોના રણમાં એકાદી વીરડી હોય જ અને એ વીરડી સુધી પહોંચવા માટે જાતે ઘસાવું પડે.


