(આજે ગુજરાતી પત્રકારત્વના છેલ્લા ભીષ્મ પિતામહ હસમુખ ગાંધીની જન્મતિથિ. એ નિમિત્તે પ્રસ્તુત છે એક જૂનો લેખ. મૂળે એ લખાયો હતો આઉટલૂક મેગેઝિનના સ્થાપક તંત્રી વિનોદ મહેતાની સ્મૃતિમાં પણ એમાં મહેતા અને ગાંધીભાઈ બેઉની વાત છે. તેથી, આજે એનું પુનઃ મુદ્રણ યથાસ્થાને છે)

“ચાલો ચાલો, સ્ટેશન જઈને આઉટલૂક મેગેઝિન લઈ આવીએ. ગરમાગરમ ફાફડા જેવું…” ગુજરાતી પત્રકારત્વના મોડર્ન અને છેલ્લા ભીષ્મ પિતામહ હસમુખ ગાંધી આવું બોલતા ત્યારે તેમની આંખોમાં બાળસહજ જિજ્ઞાસાથી ઝગમગવા માંડતી. નવાઈ લાગતી. જેમને વાંચવા લાખો ગુજરાતીઓ તલપાપડ રહે છે, જેમના પર સમરકંદ બુખારા ઓવારી જાય છે, એવા મારા (એટલે આપણા) ગાંધીભાઈ શા માટે આ નવા મેગેઝિન માટે દર અઠવાડિયે ઘાંઘા થાય છે? વિનોદ મહેતાની ક્ષમતાથી ત્યારે હું અપરિચિત. ગાંધીભાઈની ક્ષમતાથી અભિભૂત. 1984ની 14 જાન્યુઆરીએ (આપણે બાપડા ત્યારે જસ્ટ સવાઅગિયાર વરસના!) ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું, ગુજરાતી અખબાર, સમકાલીન લૉન્ચ થયું. કિંમત 80 પૈસા. દૂરદર્શન પર એની શોર્ટ એન્ડ સ્વીટ જાહેરાત ઝબૂકતી. વાચવાનો વા એ ઉંમરે જ એવો ભરાયો હતો પંડમાં કે નક્કી કરી નાખ્યું, “આ નવું છાપું વાચવું પડશે. જે ગુજરાતી છાપાની ટીવી પર એડવર્ટાઇઝ આવે એ જેવુંતેવું છાપું હોઈ જ શકે નહીં.” ટીવીમાં જાહેરાત એટલે એ જમાનામાં મોટી વાત. ગુજરાતી તરીકે એવી છાતી ફુલાય પેલી એડવર્ટાઇઝ જોઈને. ત્યારે ખબર નહોતી કે એક જાહેરાત આપણને લાઇફટાઇમ માટે ગાંધીભાઈના પ્રેમમાં પાડી દેશે, શેરબજારની જંજાળ છોડાવીને પત્રકાર બનાવી દેશે. થેન્ક યુ, ગાંધીભાઈ!
સમકાલીન માટે મેં પોતે જેવી જિજ્ઞાસા મારામાં જોઈ હતી તેવી આઉટલૂક માટે ગાંધીભાઈમાં જોઈ. અભિયાન ગ્રુપના ઇવનિંગર સમાંતર પ્રવાહમાં તાજા જોડાયેલા પત્રકાર તરીકેના એ દિવસો હતો. હસમુખ ગાંધી અને મારે ત્યાં જ એવો સંબંધ થયો જેવો ગુરુ-શિષ્ય કે બાપ-દીકરાનો સંબંધ કહું તો પણ લાગણીઓ જણાવવા આ શબ્દો ટૂંકા પડે છે. ગાંધીભાઈ અને હું, દસ રૂપરડીનું આઉટલૂક ખરીદવા નીકળી પડતા, મોડી સાંજે. મેગેઝિનની પ્રાઇસ કરતાં વધારે ખર્ચ રિક્શાનો બેસતો. વળી ગાંધીભાઈને એકલા જવા દેવાય નહીં. નબળી દ્રષ્ટિને લીધે ક્યાંક પડ્યા-આખડ્યા તો… અને પોતે જઈને તેમના માટે મેગેઝિન લાવી શકાય નહીં. ગોવર્ધન સાઇઝ દેવામાં ડૂબ્યો હું… દસ રૂપરડી કાઢવાને સમર્થ નહોતો. એટલે સવારી નીકળી પડતી, હિંદુસ્તાન નાકાથી કાંદિવલી સ્ટેશન, “ચાલો ચાલો, આઉટલૂક લઈ આવીએ!”
ભલે દર અઠવાડિયે અભિયાનનો બાંધેલો છાપાવાળો આઉટલૂકની બે-ત્રણ કોપી આપી જ જવાનો હોય. સો વ્હોટ? આઉટલૂક વાચવા માટે એની વેઇટ કરવી ગાંધીભાઈને કેમ પરવડે? આ હતો ગાંધીભાઈનો એટિટ્યુડ, સ્પષ્ટ મત. મનમાં થતું, “ઇન્ડિયા ટુડેથી વિશેષ વળી શું નીકળવાનું આ આઉટલૂકમાં?” દર અઠવાડિયે ગાંધીભાઈ સાથે આઉટલૂક લાવ્યા પછી, અને ગણતીરીની મિનિટોમાં ગાંધીભાઈ આખું મેગેઝિન ઘોળીને પી (મીન્સ વાંચી) જાય પછી, મેગેઝિન મારું થઈ જતું. ગાંધીભાઈની ટિપ્સ સાથે, “આ આર્ટિકલ વાચજો, તગડો છે. આજે તો વિનોદ મહેતાની ડાયરી છે… ડબલ પૈસા વસૂલ થઇ ગયા!”

આઉટલૂક અને વિનોદ મહેતા ત્યારથી કાયમ માટે (ના, તેમણે પ્રવૃત્તપણે મેગેઝિનનો અખત્યાર મૂક્યો ત્યાં સુધી) અતૂટ નાતો બંધાઈ ગયો. ભલે એની કોંગ્રેસતરફી કે કહેવાતી ધર્મ નિરપેક્ષતા તરફી, એન્ટી બીજેપી કે હિંદુવાદ વિરોધી પોલિસી સામે સખ્ખત વાંધો હોય, તો પણ. નેવુના દાયકાના મધ્યભાગમાં, ઇન્ડિયન એક્સેપ્રેસ (અને શિશુ અવસ્થામાં આકાર પટેલના ફાયર બ્રાન્ડ જર્નલિઝમમાં એ પછીની ચોગ્ગા-છક્કા ફટકારનાર એશિયન એજની મુંબઈ એડિશન) સિવાય ઇંગ્લિશ જર્નલિઝમ બહુધા નિસ્તેજ, બૂઠ્ઠું અને તડાકા વગરનું હતું. ઇંગ્લિશ જર્નલિઝમનાં ઓશિયાળાં (કાપલી કરો, ટ્રાન્સલેટ કરો, છાપી નાખો) બિનઅંગ્રેજી છાપાં તો તેમના કરતાંય ટાઢાંબોળ પડેલાં. એવામાં વિનોદ મહેતાએ ડંકો વગાડ્યો. એકએકથી ચડિયાતી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ, અથવા રૂટિન સ્ટોરી માટે અ-રૂટિન દ્રષ્ટિકોણ સાથે આઉટલૂકે ઇન્ડિયા ટુડેને પહેલા અંકથી પરસેવો છોડાવવા માંડ્યો. વિનોદ મહેતાને વાંચતાં, આઉટલૂકમાં ઓળઘોળ થતાં, જર્નલિઝમનાં ઘણાં વણદીઠાં પાસાં મારી સામે ઉજાગર થવાં માંડ્યાં. એમાં વળી ઓલરેડી વાચેલી આઉટલૂકની કોઈક સ્ટોરી પર ગાંધીભાઈનો એકસ્ટેન્ડેડ વ્યુ. સોને પે સુહાગાને આટલી હદે સાર્થક થતા મેં બહુ ઓછીવાર અનુભવ્યું છે.

શરૂઆતમાં થતું, “વિનોદ મહેતા પણ ગુજરાતી, ગાંધીભાઈ પણ ગુજરાતી. વાહ!” આપણએ તો બધા મહેતા ત્યારે ગુજરાતી હતા.જોકે આ મહેતા ગુજરાતી નહોતા. સમય જતાં ખબર પડી પછી એમના માટેનું વાહ અકબંધ જ રહ્યું, જર્નલિઝમ કેવું હોવું જોઈએ એનો આયનો તો આઉટલૂક પહેલેથી બન્યો. સાથે જર્નલિસ્ટ કેવી રીતે ઘડવા જોઈએ એનો પરચો પણ આઉટલૂકે આપ્યો. ડિટ્ટો જેમ ગાંધીભાઈની એડિટરશિપમાં સમકાલીને જર્નલિસ્ટથી માંડીને પ્રૂફરીડર્સની ફોજ સર્જી, તેમ. ઇન ફેક્ટ, ગુજરાતી પત્રકારત્વ આજે પણ ગાંધીભાઈએ તૈયાર કરેલા પત્રકારોની ફોજ પર જ સૌથી વધુ અવલંબિત છે. ગાંધીભાઈ ના હોત તો ગુજરાતી પત્રકારત્વ કોને ખબર કેટલું પછાત રહ્યું હોત અને ક્યારે પરવારી ગયું હોત. વિનોદ મહેતાની એડિટરશિપમાં આઉટલૂકે પણ ઢગલો પત્રકારોને થિન્કિંગ પ્રોસેસનું પરફેક્શન આપ્યું, ઇન્વેસ્ટિગેશન કરવાની ધાર આપી.

2012 સુધી મહેતાએ આઉટલૂકને પેટના જણ્યાની જેમ ઉછેર્યું અને અવ્વલ બનાવ્યું. ઇન્ડિયા ટુડે સાથે બીજાં ઘણાં ઇંગ્લિશ (અને પછી બિનઇંગ્લિશ) મેગેઝિન્સે આઉટલૂકના જર્નલિઝમ સાથે તેના પેકેજિંગ, માર્કેટિંગ, સબસ્ક્રિપ્શન સ્કીમથી માંડીને કેટકેટલી ચીજોની નકલ કરવી પડી. છૂટકો નહોતો. કોઈ સર્વે ભલે નથી થયો છતાં એવું અનુમાન ચોક્કસ લગાડી શકાય કે આઉટલૂકે લાખો યુવાઓને વાચક બનાવ્યા. ટેવિવિઝનની દાદાગીરીના યુગમાં પ્રિન્ટ મીડિયાને જેવા મેગેઝિનની જરૂર હતી એવું એ દમદાર મેગેઝિન હતું. છતાં, ગાંધીભાઈની જેમ વિનોદ મહેતા મોટેભાગે લૉ પ્રોફાઇલ રહ્યા. મેગેઝિનની સીધી જવાબદારીથી હળવાશ મેળવ્યા પછી ભલે બકવાસ ન્યુઝ ચેનલ્સની થાકેલી ચર્ચાઓમાં એ ભાગ લેતા થયા, એ વાત અપવાદ ગણાય. કદાચ તેમણે એવી રીતે લાઇમલાઇટમાં આવવાની જરૂર નહોતી.

તડાફડીવાળું પત્રકારત્વ ઘણા કરી શકે. પણ સતત ગુણવત્તાભર્યું પત્રકારત્વ ઓછા લોકો કરી શકે. હસમુખ ગાંધી અને આઉટલૂકના વિનોદ મહેતા એમાં અપવાદ હતા. હવે તેઓ નથી રહ્યા. શરીરે વિદાય લીધી છે પણ લખનઊ બોયનાં લખાણ, તેમનું વિઝન આપણી સાથે છે. વાચકો માટે આળઘોળ થવા અને પત્રકારો માટે એન્લાઇટન થવા. જે રીતે ગાંધીભાઈનાં લખાણ (હાથે લખેલાં અને છપાયેલાં, બેઉ) આજીવન સાચવવાનો ઉમળકો કાયમ રહ્યો છે, તે રીતે વિનોદ મહેતાનાં આઉટલૂકનાં લખાણ, ખાસ તો ડાયરી પેજીસ, સાચવવાનો મોહ મનમાં રહ્યો છે. ગાંધીભાઈની એક્ઝિટથી ગુજરાતી પત્રકારત્વમાં ત્રીજું (અને અત્યાર સુધીનું) છેલ્લું સુવર્ણ પ્રકરણ પૂરું થયું હતું. આપણા પત્રકારત્વ કરતાં ક્યાંય વિસ્તૃત ઇંગ્લિશ જર્નલિઝમમાં વિનોદ મહેતા પછી આવો અવકાશ ના સર્જાય તેવી આશા સેવીએ. ગુડ બાય, વિનોદ મહેતા!
(9 માર્ચ 2015ના રોજ લખાયેલો લેખ)


