ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં અનુભવી નેતા રેખા ગુપ્તા ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. વિદ્યાર્થી રાજકારણ, નગરપાલિકા શાસન અને વિધાનિક કાર્યોમાં તેઓને દાયકાઓનો અનુભવ છે. દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદ સુધીની એમની સફર રોચક અને પ્રેરક છે. દિલ્હીના રાજકારણાં ટોચની પદવી સુધીની યાત્રા એમની અથાક લગન, પાયાનાસ્તર સુધીની પ્રદીર્ઘ સક્રિયતા અને લોકસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

રેખા ગુપ્તાનો જન્મ 19 જુલાઈ, 1974ના રોજ હરિયાણાના જુલાનામાં થયો હતો. તેમના બાળપણનો મોટો સમય દિલ્હીમાં વીત્યો હતો. તેમના પિતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા. શિક્ષણે ગુપ્તાની આકાંક્ષાઓને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે દિલ્હી યુનિવર્સિટીના દૌલતરામ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ત્યાં જ તેમણે વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય ભાગ લીધો. ત્યારબાદ, મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી હેઠળ ગાઝિયાબાદના આઈએમઆઈઆરસી. લૉ કોલેજમાંથી કાયદાની ડિગ્રી (એલએલબી) મેળવી.
1992માં ગુપ્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં જોડાયાં. તેઓની રાજકીય યાત્રા ત્યાંથી શરૂ થઈ. થોડાં જ વરસોમાં તેઓ 1995-96માં દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ)નાં સચિવ અને 1996-97માં પ્રમુખ બન્યાં. તેઓના કાર્યકાળમાં યુનિવર્સિટીમાં અરજી માટે ‘કોમન એડમિશન ફોર્મ’ની શરૂઆત થઈ, કેમ્પસ પર લૈંગિક ઉત્પીડન સામે પગલાં લેવાયાં અને વિદ્યાર્થીઓ માટે સારી જાહેર પરિવહન સુવિધાઓ માટે પ્રચાર જેવી પહેલ શરૂ કરી, જેનો વિદ્યાર્થી કલ્યાણ પર લાંબા ગાળાનો પ્રભાવ પડ્યો.

ભાજપમાં તેમનો ઉદય ઝડપી રહ્યો. 2002માં તેઓ ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયાં અને દિલ્હીમાં ભારતીય જનતા યુવા મોરચા (બીજેયુએમ)નાં સચિવ નિમાયાં. તેમના નેતૃત્વ કૌશલ્યને પારખતાં તેઓને બીજેયુએમનાં રાષ્ટ્રીય સચિવ તરીકે બઢતી આપવામાં આવી. એ પદ તેઓએ 2005 સુધી સંભાળ્યું. એપછીનાં વરસો દરમિયાન તેઓએ ભાજપ મહિલા મોરચાનાં જનરલ સચિવ, ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ઉત્તર પ્રદેશ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઇનચાર્જ અને ભાજપ રાષ્ટ્રીય કાર્યકારીનાં સભ્ય સહિત અનેક જવાબદારીઓ નિભાવી.
રેખા ગુપ્તા: સફર પર નજર
- 1994: સચિવ, દૌલતરામ કોલેજ સ્ટુડન્ટ્સ યુનિયન
- 1995: સચિવ, દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ)
- 1996: પ્રમુખ, દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ)
- 2002: રાજ્ય મંત્રી, ભારતીય જનતા યુવા મોરચા (બીજેયુએમ), દિલ્હી
- 2006: રાષ્ટ્રીય સચિવ, ભારતીય જનતા યુવા મોરચા (બીજેયુએમ)
- 2007: એમસીડી નગરસેવિકા, ઉત્તર પીતમપુરા (વોર્ડ નંબર 54)
- 2007: અધ્યક્ષ, મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ, એમસીડી
- 2009: જનરલ સચિવ, ભાજપ દિલ્હી રાજ્ય મહિલા મોરચા
- 2010: રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય, ભારતીય જનતા પાર્ટી
- 2010: પ્રમુખ, કેશવપુરમ જિલ્લા, ભારતીય જનતા પાર્ટી
- 2012: નગરસેવિકા, ઉત્તર પીતમપુરા (વોર્ડ 54)
- 2012: અધ્યક્ષ, શિક્ષણ સમિતિ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)
- 2013: ઉપાધ્યક્ષ, સ્થાયી સમિતિ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)
- 2013: મંત્રી, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચા
- 2014: જનરલ સચિવ, ભાજપ દિલ્હી રાજ્ય
- 2015: ભાજપ ઉમેદવાર, શાલીમાર બાગ વિધાનસભા બેઠક
- 2019: કાર્યકારી સભ્ય, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચા
- 2020: ભાજપ ઉમેદવાર, શાલીમાર બાગ વિધાનસભા બેઠક
- 2021: રાષ્ટ્રીય ઉપપ્રમુખ, ભાજપ મહિલા મોરચા અને ઇનચાર્જ, ભાજપ ઉત્તર પ્રદેશ મહિલા મોરચા
- 2022: નગરસેવિકા, શાલીમાર બાગ

2007માં તેઓ ચૂંટણી રાજકારણમાં દાખલ થયાં. તેઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં ઉત્તર પીતમપુરા વોર્ડથી જીતીને નગરસેવિકા બન્યાં. તેઓએ મહિલા કલ્યાણ અને બાળવિકાસ સમિતિનાં અધ્યક્ષ તરીકે, ઉચ્ચ શિક્ષણમાં આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓને ટેકો આપવા ‘સુમેધા યોજના’ની પહેલ કરી. મહાનગરપાલિકામાં તેમના કાર્યકાળ દરમિયાન જાહેર બગીચા, પુસ્તકાલયો, અને મહિલા સુરક્ષા પગલાં જેવા સુધારાઓ જોવા મળ્યા. 2012માં ફરીથી મહાનગરપાલિકામાં ચુંટાઈને તેઓ એમસીડી સ્થાયી સમિતિનાં ઉપાધ્યક્ષ બન્યાં, જે કોર્પોરેશનની ટોચની નાણાકીય નિર્ણય સંસ્થા છે. 2012થી 2013 સુધી રેખા ગુપ્તાએ ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી)ની શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ તરીકે સેવા આપી. એમાં તેઓએ શૈક્ષણિક અને મૂળભૂત સુવિધાના વિકાસમાં ફાળો આપ્યો.
મહાનગરપાલિકા શાસનમાં સફળતા છતાં, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમની યાત્રા પડકારભરી રહી. 2015માં તેઓ શાલીમાર બાગ વિધાનસભા બેઠક માટે ચૂંટણી લડ્યાં, પરંતુ આમ આદમી પાર્ટીનાં બંદના કુમારી સામે 10,978 મતોથી હાર્યાં. 2020માં તેઓ ફરીથી લડ્યા, પરંતુ 3,440 મતોથી ફરી બંદના કુમારી સામે હાર્યાં. છતાં, તેઓનો જુસ્સો બુલંદ રહ્યો. 2022માં તેઓ શાલીમાર બાગ વોર્ડથી એમસીડીની ચૂંટણી જીત્યાં અને દિલ્હીના મેયરપદ માટે ભાજપનાં ઉમેદવાર બન્યાં. જોકે આમ આદમી પાર્ટીનાં શેલી ઓબેરોય સામે તેઓ પરાજિત થયાં. હા, શહેરના રાજકારણમાં તેમની પ્રભાવશાળી ભૂમિકા એ પછી પણ કાયમ રહી.

2025માં, તેમની લગનનું પરિણામ આવ્યું. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં રેખા ગુપ્ચા ફરી શાલીમાર બાગથી ચૂંટણી લડ્યાં. તેઓએ બંદના કુમારીને 29,595 મતોથી પરાજિત કર્યાં. આ જીત તેમની રાજકીય કારકિર્દીમાં મોટો વળાંક લાવી છે. અ્ય સબળ દાવેદારોને મહાત કરતાં તેઓ દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદ માટે પસંદ થયાં છે.
રેખા ગુપ્તા રાજકીય કારકિર્દીમાં મહિલા સશક્તિકરણ, જાહેર સુરક્ષા અને શહેરી વિકાસનાં હિમાયતી રહ્યાં છે. મહાનગરપાલિકા નેતા તરીકે તેમના પ્રયાસોએ પીતમપુરામાં ‘સીતા વાટિકા’ જેવી મહિલા મિત્રવત્ જગ્યાઓ, ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ્સ લગાડવાની કામગીરી, વડીલો અને છૂટાછેડા પામેલી મહિલાઓ માટે પેન્શન યોજનાઓ અને પ્રથમ વખત નગરસેવિકા થનારી મહિલાઓના વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો જેવા સુધારામાં ફાળો આપ્યો.
દિલ્હીનાં મુખ્ય પ્રધાન તરીકે તેમની પ્રાથમિકતાઓમાં નીચે પ્રમાણેની હોઈ શકે છેઃ
- જાહેર મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવવી
- મહિલાઓ અને બાળકો માટે સુરક્ષા સુધારવી
- શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વધારવી
- સામાન્ય માણસોનાં જીવનધોરણ સંબંધિત ખર્ચ કાબૂમાં લાવવા
- દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે સારા સંકલન માટે પ્રયાસ કરવો

રાજકારણ સિવાયની વાત કરીએ. રેખા ગુપ્તા 32 વરસથી આરએસએસ સાથે સંકળાયેલાં છે. ત્યાં આરએસએસના નેતા પ્રેમજી ગોયલના માર્ગદર્શનમાં એમનું ઘડતર થું છે. ગુપ્તાનું અંગત જીવન પારિવારિક કુટુંબીય મૂલ્યો ધરાવે છે. તેમનાં લગ્ન વેપારી મનીષ ગુપ્તા સાથે થયાં છે. યુગલને બે બાળકો છે. દીકરી ઓસ્ટ્રેલિયામાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહી છે. દીકરો તામિલનાડુના વેલ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.
એક યુવા વિદ્યાર્થીની તરીકેના પ્રવાસથી માંડીને મહાનગરપાલિકાનાં નેતા અને હવે દિલ્હીનાં મુખ્ય પ્રધાન સુધીની રેખા ગુપ્તાની યાત્રા નોંધનીય છે. એમની નિરંતર પ્રગતિ રાજકીય જવાબદારીઓ પ્રતિ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓ દિલ્હીનાં મુખ્ય પ્રધાન બનાવને જઈ રહ્યાં છે ત્યારે તેમના નેતૃત્વ અને નીતિઓ પર સૌની નજર રહેશે. એ બેઉ દિલ્હીના ભવિષ્યને પણ આકાર આપશે.


