ભારતમાં વરસે નવ કરોડ દરદીઓને એ ખપે 5.68 લાખ મેટ્રિક ટન
પ્રાણવાયુ એટલે ઓક્સિજનની ઉપલબ્ધિ પર સજીવ સૃષ્ટિ ટકી છે. ઈશ્વરની કૃપાથી હાલ તો વાાતાવરણમાં ઓક્સિજન મબલક પ્રમાણમાં ઉપલબ્ધ છે. અહીં જોકે વાત છે મેડિકલ ઓક્સિજનની. ગંભીર બીમારી ધરાવતા દરદીઓને સાજા કરવા માટે એ અત્યંત આવશ્યક છે. યાદ કરો, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દરદીઓ માટે મેડિકલ ઓક્સિજનની કેવી તંગી હતી. ઘણાં લોકોનાં મોત સમયસર ઓક્સિજન નહી મળવાથી થયાં હતાં. એ સમયે એની આવશક્યતા બરાબર સમજાઈ હતી. પોતાના સગા માટે એક સિલિન્ડર ઓક્સિજન ઉપલબ્ધ બનાવવું એ પરિવારજનોને આકાશપાતાળ એક કરવા જેવું કપરું બન્યું હતું. લાંબી પ્રતીક્ષાયાદી હતી. પથારીમાં કટોકટીભરી સ્થિતિમાં રહેલા દર્દીને કોઈ પણ ભોગે ઓક્સિજન સિલિન્ડર મળે એ માટે મોં માગ્યા પૈસા અપાતા હતા. લાગવગ અને કાકલૂદી બધું કરવું પડતું હતું. રાઇટ?
ભવિષ્યમાં કોઈ મહામારી આવે અને મેડિકલ ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા બની રહે તે આવશ્યક છે. મેડિકલ ઓક્સિજનની વિશ્વમાં વધતી જતી માગ અને અપૂરતી ઉપલબ્ધતા અંગે એક રિપોર્ટમાં જાણકારી મળે છે. ધ લેન્સેટ મેડિકલ કમિશન એ રિપોર્ટ. એમાં નિષ્ણાતોએ વિશ્વના તમામ દેશો અને ઓક્સિજન ઉત્પાદકોને કુલ 52 પ્રકારની ભલામણો કરી છે. ભવિષ્યમાં મહામારીના નિવારણમાં મેડિકલ ઓક્સિજનનો સમાવેશ કરવાની પણ તેઓએ અપીલ કરી છે.
વિશ્વમાં મેડિકલ ઓક્સિજનની માગ ઝડપથી વધી રહી છે. દર વરસે લગભગ પાંચ અબજ લોકોને પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન મળી શકતો નથી. ફક્ત ભારતની વાત કરીએ તો અહીં નવ કરોડ દરદીઓને 5.68 લાખ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે.
સાથે રિપોર્ટમાં એવી પણ ભલામણ કરવામાં આવી હતી કે દરેક દેશે રાષ્ટ્રીય સ્તરે ઓક્સિજન ઉત્પાદન અંગે નીતિ લાગુ કરવી જોઈએ. શસ્ત્રક્રિયા અથવા કટોકટી ઉપરાંત, અસ્થમા, ગંભીર ઈજાના કેસો અને માતા-બાળકની સંભાળ માટે મેડિકલ ઓક્સિજન જરૂરી છે. એ સુલભી રીતે નહીં મળવાની અવળી અસરો થઈ રહી છે. ગરીબ દેશો આ તંગીથી સૌથી વધુ પ્રભાવિત છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં મેડિકલ ઓક્સિજનની જરૂર હોય તેવા 82% દરદીઓ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં છે. આમાંથી, સર્જરી દરમિયાન અથવા કોઈપણ ગંભીર સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં જરૂર પડ્યે ત્રણમાંથી માત્ર એક વ્યક્તિ આ જીવનરક્ષક વાયુ મેળવી શકે છે. ઓછી ઉપલબ્ધતા અને ઊંચી કિંમત જેવા કારણોસર લગભગ 70% દરદીઓને ઓક્સિજન મળી શકતો નથી.
મેડિકલ ઓક્સિજન સપ્લાય પર લેન્સેટ ગ્લોબલ હેલ્થ કમિશનનો રિપોર્ટ મેડિકલ ઓક્સિજનનું વિતરણ કેટલું અસમાન છે તેનો ખ્યાલ આપે છે. નિષ્ણાતોએ કહ્યું છે કે વિશ્વભરમાં વિવિધ ગંભીર વાઇરસ અને ચેપી રોગોનું જોખમ વધી રહ્યું છે. આપણે અણધારી પરિસ્થિતિ માટે સજ્જ રહેવું અનિવાર્ય છે. ઘણા વાઇરસ રોગચાળા ફેલાવવાને સક્ષમ છે. એ ચિંતાનું કારણ છે. તેથી, પૂર્વતૈયારી જરૂરી છે. આ પરિસ્થિતિનો સામનો કરવા મેડિકલ ઓક્સિજન જેવાં જીવનરક્ષક સંસાધનોની ઉપલબ્ધતા અત્યંત મહત્વપૂર્ણ છે. આશા સેવો કે આ અહેવાલ પછી દુનિયા ઘટતું કરવા બાબતે સફાળી બેઠી થાય.


