મઢુલીમાં આવતા યોગદાનમાંથી જ પછી ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. આજ દિવસ સુધી નિભાવનું કાર્ય પણ મઢુલીના ફાળામાંથી થાય છે
દરિયાપુરના મેણવાડના આ ચબૂતરાની ચોતરફ વેપારીઓનો સામાન, વાહનો વગેરે જોવા મળે છે. આ ચબૂતરો જૂનો નથી. લોખંડના તેના સ્ટ્રક્ચરમાં કોઈ ખાસિયત નથી. સારી વાત એ છે કે ચબૂતરામાં ચણ સદાય હોય છે.

કેસરી રંગે રંગાયેલા આ ચબૂતરાની સારસંભાળ રાખવાનું કાર્ય અહીંના બાપા સીતારામ મંડળના યુવા કાર્યકર્તાઓ કરે છે. પોળમાં આશરે ૧,૨૦૦ ઘર છે અને મોટા પ્રમાણમાં હાર્ડવેરની તેમ જ અન્ય દુકાનો પણ છે. ચબૂતરાની સામે બહુચરાજી માતાનું આશરે દોઢસો વરસ જૂનું મંદિર પણ છે. ચબૂતરા સાથે પાણીના કૂંડાં માટે પણ જગ્યા છે અને તેમાં પાણી ભરવાની જવાબદારી પણ નિભાવવામાં આવે છે.
આ ચબૂતરાનું નિર્માણ આશરે પંદરેક વરસ જૂનું છે. મજાની વાત એ છે કે ચબૂતરો નહોતો ત્યારે પણ અહીંના જીવદયાપ્રેમીઓ પતરાં ઉપર માટલું ગોઠવીને પક્ષીઓની ભૂખ ભાંગવા માટે ચણ મૂકતા હતા. અહીં બાપા સીતારામની જે મઢુલી છે તેની સાથે સંકળાયેલા સેવાભાવીઓને થયું કે આના કરતાં અહીં ચબૂતરો જ શાને ના બનાવીએ? મઢુલીમાં આવતા યોગદાનમાંથી જ પછી ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. આજ દિવસ સુધી નિભાવનું કાર્ય પણ મઢુલીના ફાળામાંથી થાય છે.
ચબૂતરામાં મેણા ઠાકોર સમાજનાં ઘર બહુમતીમાં હોવાથી એ મેણવાડ તરીકે ઓળખાય છે. સ્થાનિકોને પોતાના વિસ્તારના ચબૂતરા સાથે ખૂબ પ્રીતિ છે. તેથી જ આ ચબૂતરો જીવદયાની એક ગમતીલી સાક્ષી છે.
આપના તે આભમાં હું નાનું પારેવડું, આપના ઈશારે ઊડી જાવું, આપનાં વચન મારા અંતરની ધડકન છે, આપની રુચિમાં જીવી જાવું!
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

