ઉપલબ્ધ જાણકારી મુજબ હજી ૧૯૮૦ના દાયકાના પૂર્વાર્ધ સુધી આ ચબૂતરામાં દાણા-પાણીની વ્યવસ્થા સરસ રીતે ચાલતી હતી. એ પછી બાજી બગડતી ચાલી
“ભાઈ, અહીંયા ક્યાંક ચબૂતરો હતો. એ છે કે પછી…?”
“બિલકુલ છે ભાઈજાન, આ રહ્યો ચબૂતરો, મસ્જિદની અંદર… ઇલેક્ટ્રિકના જંક્શન બોક્સની પાસે…”

શાહ ફઝલની મસ્જિદને સાવ અઢેલીને આવેલો શ્વેત રંગનો આ ચબૂતરો મિરચીની પોળમાં આવેલો છે. એની આસપાસ મસ્જિદ સિવાયનું બાંધકામ એટલું પ્રબળ છે કે ચબૂતરાને પણ રૂંધાવા જેવું લાગતું હશે. આજથી સાત-આઠ દાયકા પહેલાં આ ચબૂતરાનું નિર્માણ થયું હશે ત્યારે તો આવી સ્થિતિ નહીં જ રહી હોય.
આ પોળમાં એક સમયે ગુજરાતી કાછિયા, પ્રજાપતિ, કુંભારોની વસતિ હતી. સમય વહેતો ગયો. હિંદુઓની વસતિ અહીંથી ઉચાળા ભરતી રહી. આજે મિરચીની પોળનાં તમામ ઘર મુસ્લિમ બાંધવોનાં છે. એ ચબૂતરો થઈ ગયો છે પૂર્ણપણે નિષ્ક્રિય, નિરુપયોગી.
ઉપલબ્ધ જાણકારી મુજબ હજી ૧૯૮૦ના દાયકાના પૂર્વાર્ધ સુધી આ ચબૂતરામાં દાણા-પાણીની વ્યવસ્થા સરસ રીતે ચાલતી હતી. એ પછી બાજી બગડતી ચાલી. આજે તો એટલી વરવી સ્થિતિ છે કે ઉપલા ભાગમાં તો ઠીક, ચબૂતરાની નીચેના ભાગમાં પણ ક્યાંય ચણ નાખવા માટેનો અવકાશ રહ્યો નથી. પરિસ્થિતિ એટલી દયનીય છે કે હવે આ ચબૂતરો ફરી કાર્યરત થાય તો કેમ કરીને એનો જવાબ મળવો પણ દુષ્કર થઈ ગયો છે!
સરેરાશ કબૂતર આશરે ૧૩ ઇંચનું શરીર ધરાવે છે. એ આખું વરસ માળા બાંધે જ રાખે છે. મગજની ૫૩ પ્રકારની વિશિષ્ટ કોશિકા તેમ જ નાક, કાન, ચાંચની વિશિષ્ટ રચના થકી તે પૃથ્વીના ચુંબકીય તત્ત્વોની સંવેદના અનુભવે છે. સાથે જ, બીજા કોઈપણ પક્ષી કરતાં કબૂતર બહેતર અને અચૂક દિશા જાણી શકે છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

