
જિંદગી એ જોખમ અને જખમનો સરવાળો છે મિલનના અને વિરહના યોગ-વિયોગ છે. પ્રતીક્ષા અને મિલનની વચ્ચે ઝૂરતા જીવનનું ગીત અનિલ જોશીએ કેવુ સુંદર લખ્યું છે. બીજી તરફ, મારી કોઈ ડાળખીમાં, લખનાર કવિ, ડેલીએથી પાછા મા વળજો હો શ્યામ, લખીને ગુજરાતી કવિતાની કંકોત્રીમાં સમી સાંજનો ઢોલ ઢબૂકતો લખીને કંકુવરણી પગલીઓ પાડે છે.
અનિલ જોશી એટલે વહેતા પવન પર સુગંધનાં પગલાં ગણતા કવિ. તુલસીને બિયરનો સંગમ કરાવીને જિંદગીનો નશો કરાવનાર કવિ. કવિ કવિતામાં ઝીણુંઝીણું કાંતે અને લખે ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળિયા.. ભરાવદાર બાંધો અને ચશ્માળું આંખોમાંથી જોયેલા અને અનુભવેલા જગતને એ લખે ત્યારે ગુજરાતી સાહિત્યમાં ચંદનની સુવાસ પ્રસરે. રમેશ પારેખ એમના જોડીદાર કવિ. રમેશ પારેખને પ્રોત્સાહન આપનાર કવિ. બંનેએ સંયુક્ત ગીતો પણ લખ્યાં.અનિલ જોશી, મનોજ ખંડેરિયા અને રમેશ પારેખના કાવ્યસંગ્રહો પહેલીવાર સાથે પ્રગટ થયા ત્યારે ગુજરાતી સાહિત્યમાં લયનો નવો સૂર્ય ઊગ્યો. અનિલ જોશી કહેતા અમે અમર છીએ. મને સમજાતું નહીં. ત્યારે મને કહ્યું હતું અ એટલે અનિલ જોશી, મ એટલે મનોજ ખંડેરિયા અને ર એટલે રમેશ પારેખ. પ્રથમ કાવ્યસંગ્રહ છપાતા પહેલાં ત્રણેય કવિઓએ એકબીજાની કવિતાઓની ભારે સમીક્ષા કરી હતી. અનિલભાઈએ સ્મરણોને ખૂબ સુંદર રીતે વાગોળતા. એ રાત એમના જીવનની અનમોલ રાતોમાં એક રાત હતી.

કાચો કુંવારો એક છોકરો હતો અને એક છોકરી હતી ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી વાળું ગીત ગુજરાતી કવિતામાં ખૂબ જાણીતું બન્યું. ફુલસ્કેપ કાગળ પર લાગણીઓનો લેન્ડસ્કેપ ઉતારવાની એમની આવડત કાબિલેદાદ હતી. એ સુંદર પદ્ય લખતા તો એટલું સશક્ત ગદ્ય પણ લખતા.
એમના નિબંધસંગ્રહ સ્ટેચ્યુને વાંચતા વાંચતા ઘણીવાર આંખોમાં ઝળઝળિયાએ દર્શન આપ્યાં છે. ભારતમાં અને અમેરિકામાં એમની સાથે કવિતાઓ વાંચવાનો આનંદ માણ્યો છે. દહીંસરમાં રહેતા કવિ ઘર બદલીને ગોરેગાંવ ગયા પછી મળવાનું ઓછું થઈ ગયું. સાથે આવવા જવાનું પણ ઓછું થયું. કવિ સંમેલનો ઓછાં થયાં એટલે સાથે કવિતા વાંચવાનું પણ ઓછું થયું. તોય સંચાલનમાં અને અન્ય કાર્યક્રમમાં અમે અનિલ જોશીને ખૂબ યાદ કર્યા છે. કવિની ચેતનાને વંદન કરું છું.


