દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને અનેક લાલચોની યોજનાઓ જાહેર કરી હતી છતાં હારી ગયા. કારણ કે જે પ્રમાણિકતાની છાપ તેમણે ઊભી કરી હતી તે ધૂંધળી અને શંકાસ્પદ બનતા લોકોને વિશ્વાસ ડગી ગયો. તેમણે દિલ્હીમાં જે શરાબ નીતિ દાખલ કરી હતી તેના પર કેસ ચાલ્યા અને સજાઓ પણ થઈ. એટલું જ નહિ સીએજીના રીપોર્ટમાં પણ તેની ખામીઓ અને સરકારી તિજોરીને થયેલા નુકસાન વિશે જણાાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં દિલ્હી દારૂ કૌભાંડ અંગે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ રજૂ કર્યો. સીએજી રિપોર્ટમાં ભાજપના નેતાઓએ જે મુદ્દા પર સૌથી વધુ ભાર મૂક્યો છે તે 2002 કરોડ રૂપિયાના નુકસાનનો છે, જેના કારણે હોબાળો મચ્યો છે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલ મુજબ, 2021-2022ની આબકારી નીતિના પરિણામે 2002 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું. તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને આબકારી મંત્રી મનીષ સિસોદિયા દ્વારા હાલમાં બંધ થયેલી દારૂ નીતિના નિર્માણમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિની ભલામણોને અવગણવામાં આવી હતી. રિપોર્ટમાં 941.53 કરોડ રૂપિયાના મહેસૂલ નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, બિન-અનુરૂપ મ્યુનિસિપલ વોર્ડમાં દારૂની દુકાનો ખોલવા માટે સમયસર પરવાનગી લેવામાં આવી ન હતી. લાઇસન્સ ફીમાં લગભગ 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. લાઇસન્સધારકોને અનિયમિત છૂટછાટો આપવાથી 144 કરોડ રૂપિયાનું મહેસૂલ નુકસાન થયું. આ અર્થમાં, આપ સરકાર દ્વારા લાવવામાં આવેલી દારૂ નીતિને કારણે દિલ્હીને 2029 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
દિલ્હી સરકારની આબકારી નીતિ 2021-22 હેઠળ, નોન-કન્ફોર્મ્ડ ઝોનમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, દિલ્હી વિકાસ સત્તામંડળ (DDA) અને મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી. DDAએ આ દુકાનોને ગેરકાયદેસર જાહેર કરી અને તેમને બંધ કરવાનો આદેશ આપ્યો. આ કારણે લાઇસન્સ ધારકોએ દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો. 9 ડિસેમ્બર 2021ના રોજ, કોર્ટે ચુકાદો આપ્યો કે સરકાર આ દુકાનો પાસેથી લાઇસન્સ ફી વસૂલ કરી શકશે નહીં. આના કારણે કુલ 941 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું.
દિલ્હી સરકારની આબકારી નીતિ 2021-22 હેઠળ, 19 ઝોનલ લાઇસન્સધારકોએ નીતિની સમાપ્તિ પહેલાં તેમના લાઇસન્સ પરત કરી દીધા હતા. માર્ચ 2022માં ચાર ઝોનના લાઇસન્સ ધારકોએ, મે 2022માં 5 ઝોન અને જુલાઈ 2022માં 10 ઝોનના લાઇસન્સ ધારકોએ તેમના લાઇસન્સ પરત કર્યા હતા. જોકે, એક્સાઇઝ વિભાગે આ ઝોનનું ફરીથી ટેન્ડર કર્યું ન હતું, જેના કારણે સરકારને 890 કરોડ રૂપિયાનું મહેસૂલ નુકસાન થયું હતું.
એટલું જ નહીં, દિલ્હીની નવી દારૂ નીતિ હેઠળ દારૂની ગુણવત્તા ચકાસવા માટે કોઈ સુવિધા બનાવવામાં આવી નથી. વિભાગે ગેરકાયદેસર વેપાર અને બ્રાન્ડ છેતરપિંડીની ફરિયાદોની યોગ્ય રીતે તપાસ કરી ન હતી. કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે સરકારને નાણાકીય નુકસાન થયું હતું.


