કાળજી રખાતી હોવાને લીધે આ ચબૂતરો ખાસ્સાં પક્ષીઓ માટે અન્ન-પાણીનું માનીતું આશ્રયસ્થાન છે. ચબૂતરાની સ્થિતિ પણ એકદમ સારી છે
દરિયાપુર વિસ્તારની નવઘરીની પોળમાં બીજી પોળ કરતાં જુદો જ પ્રવાહ વહે છે. જૂના અમદાવાદની કેટલીયે પોળમાં ઐતિહાસિક ચબૂતરાઓ ઉપેક્ષિત થઈ રહ્યા છે. તેવા સમયમાં નવઘરીની પોળના રહેવાસીઓએ હજી ચારેક વરસ પહેલાં જ અહીં એક ચબૂતરાનું નિર્માણ કર્યું હતું. પોળનું સંચાલન સંભાળતા પંચે આ નિર્ણય લીધો એ ખરેખર આનંદાશ્ચર્યની બાબત ગણાય.

નવઘરીની પોળમાં એક હિંદુ પરિવાર તો બાકીના મુસ્લિમ પરિવારો વસે છે. પોળના ચબૂતરાની સુવ્યવસ્થિત કાળજી લેવાની જવાબદારી ઉઠાવતા એક સદ્ગૃહસ્થ શહેરની બીજી અનેક સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમાં પણ પશુ-પક્ષીઓની સેવાના મોરચે તેમનું નામ આદર સાથે લેવામાં આવે છે. આ સદ્ગૃહસ્થ જ આ ચબૂતરામાં મહિને બે વખત સાફસફાઈ કરાવવાનું પણ ધ્યાન રાખે છે. ગમે ત્યારે ચણ નીરવામાં આવે તેના બદલે અહીં ચણની નિયમિતતાની પણ કાળજી લેવામાં આવી છે. સાથે આસપાસના રહેવાસીઓ પણ ચણ નીરે છે.
કાળજી રખાતી હોવાને લીધે આ ચબૂતરો ખાસ્સાં પક્ષીઓ માટે અન્ન-પાણીનું માનીતું આશ્રયસ્થાન છે. ચબૂતરાની સ્થિતિ પણ એકદમ સારી છે. જોકે તેનો રંગ ઝાંખો પડ્યો છે ખરો. આવા આ ચબૂતરાને અંગત સ્વજનની જેમ સાચવતા સદ્ગૃહસ્થ જેવાના અનુભવમાંથી ઘણું શીખી અને અપનાવી શકાય છે. આવી જ સેવા તેઓ શહેરના બીજા ચબૂતરા માટે કરે તેવી ભાવના તેમના મનમાં હશે જ, જેને સૌના સહયોગથી વાસ્તવિકતા બનાવી શકાય તેમ છે.
ગુજરાતમાં જોવા મળતા કાગડાનાં નામ આ પ્રમાણે છે: દેશી કાગડો, ગિરનારી કાગડો, મહાકાગ, ખેરખટ્ટો (ખખેડો), રાખોડી થડચડ, કથ્થાઈ પેટ થડચડ, મખમલી થડચડ, રામચકલી (રાખોડી રામચકલી), કાબરી રામચકલી, રામચકલી (પીળી ચોટલી)
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

