સપ્તાહમાં કેટલા કલાક કામ કરવું જોઈએ એ મુદ્દો હમણાંથી ચર્ચાનો વિષય બન્યો છે. ઇન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું કે સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઇએ. તેમણે આ માટે કારણ પણ આપ્યું કે જો ભારતને પ્રગતિ કરવી હોય, અર્થતંત્રને આગળ લઈ જવું હોય તો ભારતીયોએ આટલા કલાક કામ કરવું જ જોઇએ. તે પછી લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ. એન. સુબ્રમણ્યમે કહ્યું હતું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તે પછી તેની તરફેણ અને વિરુદ્ધમાં ચર્ચાઓ ચાલી છે. કેટલાકે તો એવું કહ્યું કે કામના વધુ કલાકો હોય તો સામે પગાર પણ વધુ હોવો જોઇએ.
આ મહિને, નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારતે 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી 30 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવા માટે સખત મહેનત કરવી પડશે. તેમણે કહ્યું, ‘જો આપણે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી હોય, તો આપણે 80-90 કલાક કામ કરવું પડશે.’ ફક્ત મનોરંજન કે ફિલ્મ સ્ટાર્સના મંતવ્યો અનુસરવાથી આ શક્ય બનશે નહીં.
શું અઠવાડિયામાં 70-90 કલાક કામ કરવું યોગ્ય છે? આ અંગે ઘણી ચર્ચા પછી, હવે ડબલ્યુએચઓના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે પોતાનું મંતવ્ય આપ્યું છે. લોકોએ પોતાના શરીરની જરૂરિયાતોને સમજવી જોઈએ અને જરૂર પડ્યે આરામ કરવો જોઈએ, કારણ કે સતત વધુ પડતું કામ કરવાથી બર્નઆઉટ અને કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. આ સલાહ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને આરોગ્ય મંત્રાલયના સલાહકાર ડૉ. સૌમ્યા સ્વામીનાથને આપી છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે દરેક વ્યક્તિની સહનશીલતાનું સ્તર અલગ હોય છે, પરંતુ શરીરને આરામની જરૂર હોય ત્યારે સંકેતો આપે છે. તેમણે કહ્યું કે કોવિડ-19ની મહામારી દરમિયાન જોવા મળ્યું હતું તેમ, થોડા સમય માટે વધુ કામ કરવું શક્ય છે, પરંતુ લાંબા સમય સુધી આવું કરવું શક્ય નથી. તેમણે કહ્યું, ‘તમે થોડા મહિના ખૂબ મહેનત કરી શકો છો.’ કોવિડ દરમિયાન આપણે બધાએ આ કર્યું. અમે ઓછી ઊંઘ અને સતત ચિંતામાં કામ કર્યું, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ જે 24 કલાકની શિફ્ટમાં કામ કરતા હતા. આની અસર એ થઈ કે ઘણા લોકો બર્નઆઉટનો ભોગ બન્યા અને કેટલાકે તો વ્યવસાય છોડી દીધો. તેથી લાંબા ગાળા માટે તે શક્ય નથી.
તેમણે માનસિક સ્વાસ્થ્ય અને આરામના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “શરીરને ઊંઘની જરૂર હોય છે.” માનસિક વિરામ લેવો પણ મહત્વપૂર્ણ છે, જેથી તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા અકબંધ રહે. ડૉ. સૌમ્યા સ્વામીનાથને એમ પણ કહ્યું કે કામની ગુણવત્તા પણ અગત્યની છે, માત્ર કામના કલાકો નહીં. તેમણે કહ્યું, ‘તમે 12 કલાક ડેસ્ક પર બેસી શકો છો, પરંતુ 8 કલાક પછી તમારી ઉત્પાદકતા ઘટી શકે છે.’ તેથી ફક્ત કલાકો ગણવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં, તેના બદલે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વનું છે.
જોકે, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તે કામકાજના કલાકો વધારવાનો કોઈ પ્રસ્તાવ લાવી રહી નથી. સંસદમાં, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે 70-90 કલાકના કાર્ય સપ્તાહનો વિચાર કરવામાં આવી રહ્યો નથી.


