બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં બરાબર મધ્યનું સ્થાન અગ્નિ શોભાવે છે. આ એક એવું તત્ત્વ છે જે પદાર્થ નથી, પણ ઊર્જા છે, જેના વિના પદાર્થનું રૂપાંતર શક્ય નથી, જેમ કે લાકડું અનાજ જેવા પૃથ્વી તત્ત્વ, પાણી દૂધ-ઘી જેવા પ્રવાહી તત્ત્વોને વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું કામ અગ્નિ તત્ત્વથી જ શક્ય બને છે. અગ્નિદેવ રૂપાંતરનું કામ જ નથી કરતા, પરંતુ મલિન દ્રવ્યોને શુદ્ધ પણ બનાવે છે. જન્મથી લઈને મૃત્યુના સોળ સંસ્કાર છે એ અગ્નિની સાક્ષીએ જ કરવામાં આવે છે. એટલે જ એ કાર્યોને સંસ્કાર કહેવાય છે. સંસ્ એટલે સારું અને કાર એટલે કાર્ય. અનાજમાં કીડા પડે તો અનાજ સડી જાય છે. પાણીમાં તેમ જ વાયુમાં પ્રદૂષણ ફેલાઈ શકે છે, પરંતુ ‘અગ્નિ’ કોઈને ગાંઠતું નથી, ઊલટાનું તેના સંસર્ગમાં જે કોઈ પણ આવે તે તપીને શુદ્ધ બને છે, જેમ કે સોનું અગ્નિમાં તપીને વધુ શુદ્ધ બને છે.

ભારતીય સંસ્કૃતિમાં દિવાળી જેટલું જ મહત્ત્વ હોળીનું છે. બન્નેનો સંબંધ અગ્નિ અને પ્રકાશ સાથે છે. દિવાળીમાં આપણે ઘેર-ઘેર દીવા પ્રકટાવીએ છીએ, જ્યારે હોળી ગામની શેરીઓમાં કે પછી શહેરની ગલીઓમાં પ્રકટાવીએ છીએ. દિવાળી એ ગરમ અને ઠંડી ઋતુનો સંધિકાળ છે, જ્યારે હોળી એ ઠંડી અને ગરમ ઋતુનો સંધિકાળ ગણાય છે. સંધિકાળમાં હવામાનમાં પલટો આવતો હોય છે એટલે આ સમયમાં પ્રાણીમાત્ર બે ઋતુનો ભોગ બને છે. ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમીને કારણે પેદા થતા અસંખ્ય વિષાણુઓ, જીવજંતુઓ સમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવા વાતાવરણને શુદ્ધ કરવા હોળી ખૂબ જ ઉપયોગી તહેવાર બની રહે છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે રોજ ઘરે દીવાબત્તી કરીએ છીએ તે પણ દિવસ અને રાતના સંધિકાળ જ છે. આવા સમયે ફેલાતા જીવજંતુઓથી બચવા આ નાનકડો દીવો પણ ઘણું જ કામ આપે છે. આ જ ક્રિયાનું પુનરાવર્તન આપણે ૠતુઓના સંધિકાળમાં મોટા પ્રમાણમાં અગ્નિ પ્રકટાવીને કરીએ છીએ. આથી જ નવરાત્રિમાં હવન અને ફાગણ મહિનામાં હોળીનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. કેટલાક લોકો હોળી પ્રકટાવવાનો વિરોધ કરતાં, એવું કહે છે કે હોળીને કારણે વૃક્ષોનો નાશ થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે, પરંતુ હકીકત જુદી જ છે. પર્યાવરણને બચાવવા હોળી પ્રકટાવવી જરૂરી છે કેવી રીતે તે હવે આપણે જોઈએઃ
ચોમાસાની ઋતુમાં જમીન પર આડેધડ અનેક પ્રકારની વનસ્પતિ કે પાસ ઊગી નીકળે છે. આ એવા પ્રકારની વનસ્પતિ હોય છે, જેને આપણે આપણા કોઈ કામમાં આવે તે રીતે કે તે જગ્યાએ ઉગાડી નથી હોતી. તે આપોઆપ જ ઊગી નીકળી હોય છે. ખેતરમાં કે વાડીમાં ઊગાડેલાં અનાજ કે ફળ કે શાકભાજીને ચોમાસામાં ભરપૂર પાણી મળે છે અને શિયાળામાં આપણે સિંચાઈ દ્વારા પાણી પાઈએ છીએ, પરંતુ એવી અસંખ્ય વનસ્પતિ છે જે માત્ર ચોમાસા પૂરતી ઊગે છે અને શિયાળામાં સૂકી હવાને કારણે અને પાણી ન મળતાં સુકાઈ જાય છે. આ ઉપરાંત વર્ષોથી જમીન પર ઊગેલાં મોટાં વૃક્ષો પણ મહા મહિનામાં પાનખર ઋતુમાં અસંખ્ય ડાળીઓ અને પાંદડાંનો ત્યાગ કરે છે. જેમ મનુષ્યનું જીવન અને મૃત્યુ નિશ્ચિત છે તેમ વૃક્ષોનું પણ જીવન અને મૃત્યુ નિશ્ચિત હોય છે. દર વર્ષે જેમ કોઈ ને કોઈ વૃદ્ધો શરીર છોડી દેતા હોય છે તેમ કેટલાંય વૃક્ષો પણ દર વર્ષે પોતાના આત્મારૂપી રસકસને ગુમાવી દે છે અને માત્ર ઠૂંઠા વૃક્ષરૂપે તેમનો દેહ રહી જાય છે. જેમ મૃત વ્યક્તિનો આપણે અગ્નિસંસ્કાર કરીએ છીએ એ જ રીતે આવાં સૂકાં વૃક્ષો, પાંદડાં અને સૂકી ડાળીડાળખાં ભેગાં કરીને ‘હોળી’ પ્રકટાવીને હકીકતમાં તો આપણે તેમનો યોગ્ય ‘અગ્નિસંસ્કાર’ જ કરીએ છીએ.

મહા મહિનામાં જમીન પર અસંખ્ય પ્રમાણમાં પડેલાં ડાળીડાળખાં કે સૂકાં પાંદડાંને આપણે સળગાવીએ નહિ તો પણ એ પૃથ્વી તત્ત્વમાં ભળી જાય છે, પણ એમ થતાં વધુ સમય લાગે છે, જ્યારે આવાં સૂકાં ઘાસ, પાંદડાં, ડાળખાં કે લાકડાંને અગ્નિદાહ દઈએ તો તેનો નિકાલ જલદી આવે છે. વળી, આમાંથી પેદા થતી રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોઈ ઉત્તમ કુદરતી ખાતર બને છે, જે નવી વનસ્પતિ કે નવાં વૃક્ષોને ઉગાડવા માટે કામમાં આવે છે. જેમ પ્રત્યેક નવા અવતરતા બાળક માટે વૃદ્ધો જગ્યા કરી આપે એ પ્રાણીસૃષ્ટિનો નિયમ છે એ જ રીતે વનસ્પતિની સૃષ્ટિમાં પણ આ નિયમ લાગુ પડે જ છે. આપણે ન બાળીએ તો એ પોતે બળી મરે છે. ઘનઘોર જંગલમાં એકદમ ગીચોગીચ વૃક્ષ ઊગી નીકળ્યાં હોય અને તેમની વસતિ એટલી બધી વધી ગઈ હોય કે સૂર્યનારાયણ પણ તેમને વીંધીને જમીન પર પહોંચી ન શકે, ત્યારે વૃક્ષોની ડાળીઓ વાયુના સપાટાને કારણે એકમેક સાથે ઘસાઈને આગ પકડી લે છે, જેને આપણે જંગલમાં ‘દવ’ લાગ્યો એમ કહીએ છીએ. (કદાચ દીવો શબ્દ ‘દવ’ પરથી જ આવ્યો હશે.) આવા દવમાં વનસ્પતિ પોતે જ પોતાનો વિનાશ સર્જે છે, પણ સૂકાં લાકડાં કે વૃક્ષો પૂરેપૂરાં સળગી જાય છે, જ્યારે નવાં વૃક્ષો લીલાં હોઈ જલદી સળગતાં ન હોવાથી બચી જાય છે. આમ, વૃદ્ધ વૃક્ષો સંતાન વૃક્ષો માટે જગ્યા કરવા પોતાની આહુતિ આપી દે છે. મરેલાને બાળવા એ ગુનો નથી, પણ સંસ્કાર છે એમ સૂકાભઠ્ઠ વૃક્ષો, ડાળીઓ, લાકડાં, પાંદડાંને બાળવા એ અપરાધ નહિ, પણ સંસ્કાર જ છે. એમાં પશ ઠંડી વિદાય થવાની તૈયારી હોય અને ગરમીની શરૂઆત થતી હોય તે વખતે ‘હોળી’ ઊજવીને આપણે એક કાંકરે બે પક્ષીનો શિકાર કરીએ છીએ. એક તો મૃત વનસ્પતિ સૃષ્ટિનો યોગ્ય નિકાલ થાય છે અને બીજું અગ્નિને કારણે વાતાવરણમાં સ્વચ્છતા અને શુદ્ધતા પ્રકટે છે.
મૃત વ્યક્તિઓનો અગ્નિસંસ્કાર ન કરીએ અને એમ ને એમ રઝળવા દઈએ તો પણ વર્ષો જતાં તે કોહવાઈને માટીમાં તો ભળી જ જવાનો છે, પણ ત્યાં સુધી જે જીવતા રહેલા છે તેમને કેટલો ત્રાસ, દુર્ગંધ અને રોગચાળો સહન કરવો પડે. આ જ રીતે પાનખર ઋતુમાં જમીન પર પડેલાં પાંદડાં, ડાળીડાળખાં, સૂકાં ઘાસ વગેરે એટલા પ્રમાણમાં વધી જાય કે જમીનની અંદર રહેલાં મૂળિયાં, બીજ કે જીવજંતુઓને હવા, પાણી અને પ્રકાશ મેળવવામાં ઘણી જ તકલીક થાય. માટે તેમનો નિકાલ જરૂરી છે. ગામડાંની સરખામણીએ શહેરોમાં વક્ષો અને વનસ્પતિ ઓછાં હોય છે. એટલે કેટલાક લેભાગુ લોકો જલદીથી બે પૈસા કમાવવા માટે શહેરમાં કે શહેરની નજીક આવેલાં વૃક્ષોનું નિકંદન કાઢતા હોય એ પણ શક્ય છે. આવું કાર્ય કરતા લોકોને અટકાવવા એ આપણી ફરજ છે, પરંતુ એના લીધે હોળી જ ન પ્રકટાવવી એ અયોગ્ય છે. હોળી વાતાવરણમાં રહેલા ઉપદ્રવી જંતુઓનો નાશ તો કરે જ છે, વધુમાં તમારા શરીરના તંત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. મહાશિવરાત્રિમાં તમે ઉપવાસ કે જાગરણ ન કરી શક્યા હો, બીલીપત્રનો રસ ન પી શક્યા હો તો મૂંઝાવાની જરૂર નથી. શિયાળામાં તમારા શરીરમાં જામી ગયેલા કફને ઓગાળવા હોળીની ગરમી ખૂબ જ કામ લાગે છે. હોળી પ્રકટાવી તેની આસપાસ પ્રદક્ષિણા ફરવાનો આ જ તો હેતુ છે. જેમ થીજી ગયેલા ઘીને ગરમ કરતાં તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એ જ રીતે તમારી છાતી અને નાડીઓમાં જામી ગયેલા કફને પીગળાવી ઉત્સર્ગક્રિયા મારફતે શરીરથી છુટકારો આપી શકાય છે. આયુર્વેદના મતે મનુષ્યને બાલ્યાવસ્થામાં કફનો દોષ, યુવાવસ્થામાં પિત્તનો દોષ અને વૃદ્ધાવસ્થામાં વાયુનો દોષ સૌથી વધુ નડે છે. નાના બાળકને વાતવાતમાં કફ થઈ જતો હોય છે માટે જ નવાં જન્મેલાં બાળકોને હોળીની ફરતે ફેરવવાનો રિવાજ પણ આપણે ત્યાં છે. આમ કરવાથી તેમનામાં રહેલો વધારાનો કફ છૂટો પડી મૂત્ર કે દસ્ત વાટે બહાર નીકળી જાય છે અને તેઓ સ્વસ્થ રહે છે. આથી જ જન્મદાત્રી માતા, ગાયમાતા અને ધરતીમાતાની જેમ હોળીને પણ આપણે માતાના સ્વરૂપમાં જ વંદન કરીએ છીએ. હોળીના દિવસોમાં ખાવામાં આવતાં દ્રવ્યો તેમ જ હોળીમાં પધરાવવામાં આવતાં દ્રવ્યો પાછળ પણ વૈજ્ઞાનિક કારણો છે.
હોળીની ભસ્મ: એ રાખ નહીં પણ લાખ છે એ માનવું ભૂલશો નહીં
હોળી નિમિત્તે મૃત અને સૂકાં લાકડાંને એકઠાં કરી પૂજ્યભાવથી અગ્નિસંસ્કાર તો કરીએ છીએ, સાથે આવનારી ગરમ ઋતુને સહન કરવાનું બળ મળે તે માટે તેમાં વિવિધ વસ્તુઓ પણ પધરાવીએ છીએ. નાળિયેર, લીમડો, વસંત ઋતુમાં ખીલતા આંબાનો મ્હોર અને સૂકા છાણના હાર તેમાં મુખ્ય હોય છે. તન-મનની સ્વસ્થતાની દૃષ્ટિએ અને સંકલ્પ-ઈચ્છાપૂર્તિની દૃષ્ટિએ પણ નાળિયે૨ વૈજ્ઞાનિક રીતે કેટલું ઉપયોગી છે તે આપણે અગાઉ જાણી ચૂક્યા છીએ. આંબો એ ભારત તથા એશિયા ખંડ જેવા ગરમ પ્રદેશને કુદરત તરફથી મળેલી સુંદર ભેટ છે. કુદરત ઉનાળામાં અસહ્ય ગરમી મોકલે છે, તો તેને સહન કરવા તે ઋતુમાં ઠંડક આપતા અને પિત્તપ્રકોપથી પેદા થતા રોગ સામે રક્ષણ આપતી વનસ્પતિઓનું પણ નિર્માણ કરે છે. જેટલી વધુ ગરમી પડે તેટલી વધુ મીઠાશ કેરીમાં ભરાતી જાય છે. આ કેરીના રસનું સેવન આપણને ઠંડકની સાથે સાથે ગરમીનાં દર્દો, લૂ લાગવી, પિત્તના પ્રકોપ વગેરેથી રક્ષણ આપે છે. આંબાનો મ્હોર વસંત ઋતુમાં પૂરેપૂરો ખીલ્યો હોય છે. આંબાના મ્હોરનું સેવન શરીરને ઠંડક તો આપે છે, સાથે શરીરમાં ઉત્સાહ અને બળનો સંચાર કરે છે. આ આંબાના મ્હોરનું અગ્નિ દ્વારા વાયુમાં રૂપાંતર થઈ તે આજુબાજુના સર્વ મનુષ્યો તેમ જ પ્રાણીઓને પૂરતો લાભ આપે છે. લીમડો પણ ઠંડક અને વધુમાં જંતુનાશક ગુણ ધરાવે છે. લીમડામાંથી નીકળતા વાયુમાં આ ગુણો વધુ શક્તિશાળી હોય છે, જે પૂરા વાતાવરણને સ્વચ્છ અને નીરોગી બનાવે છે. ગાયના સૂકા છાણના મોટા હાર બનાવી હોળી માટે ભેગાં કરેલાં લાકડાંની ચારે બાજુ લગાડી શણગારવામાં આવે છે. આમ, ગાયનું સૂકું છાણ પણ સારા પ્રમાણમાં હોળીમાં બળે છે. આની કેટલી અને કેવી સારી અસર વાતાવરણમાં થાય છે તે અગાઉના પ્રકરણોમાં આપણે જાણી ચૂક્યા છીએ. આજે આપણે જે નવું જાણવાનું છે તે આ બધા પદાર્થો બળ્યા પછી જે રાખ (ભસ્મ) ઉત્પન્ન થાય છે તે વિશે છે.
હોળીની ભસ્મ: અદ્વિતીય ઔષધ

વિવિધ ઝાડનાં સૂકાં લાકડાં, વનસ્પતિ, નાળિયેર અને ગાયનું સૂકું છાણ વગેરે બધી વસ્તુઓ બળે ત્યારે કાર્બનડાયોક્સાઈડ સહિત અનેક વાયુ પેદા થઈ અવકાશમાં ઊડી જાય છે, પરંતુ બાયપ્રોડક્ટ તરીકે જે રાખ બચે છે તેમાં ઉપરોક્ત પદાર્થોમાં જે ખનીજ દ્રવ્યો કે ક્ષાર હોય છે. જેમ કે સૉડિયમ, પોટેશિયમ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેના ‘ઑક્સાઈડ’ આ રાખ ધરાવતી હોય છે. સામાન્ય રીતે રાખ જંતુઘ્ન અને સ્વસ્થતાનો ગુણ ધરાવતી હોવાથી ગામડાંના લોકો તે રાખનો વિવિધ ઉપયોગ કરતા આજે પણ જોવા મળે છે, જેમ કે લોકો ચૂલાની રાખને નાળિયેરના કૂચા વડે વાસણોને માંજીને ડાધારહિત સ્વચ્છ અને ચકચકિત બનાવે છે. અનાજને સંઘરવા અને સડતું અટકાવવા રાખ સાથે તેને મિશ્રિત કરી કોઠીઓમાં ભરી દે છે. જેથી તેમાં કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી. ખરેખર તો અગ્નિ પોતે શુદ્ધ અને પવિત્ર છે અને પોતાના સંસર્ગમાં આવનારી દરેક વસ્તુને પણ શુદ્ધ અને પવિત્ર બનાવે છે. અગ્નિમાં વિવિધ દ્રવ્યો બળીને ઉત્પન્ન થયેલી આ રાખ ‘પવિત્ર’ છે. ભૂતકાળમાં હોળીના બીજે દિવસે આ પવિત્ર રાખને (ધૂળને) જ એકબીજાના શરીર પર ચોપડીને આનંદ ઉત્સવ મનાવાતો, એટલે જ એનું નામ ધુળેટી પડી ગયું. આજે ધુળેટીમાં ધંધાદારી વલણ વધી ગયું છે. બજારમાં કેમિકલયુક્ત રંગો વેચાય છે, જે લગાડવાથી શરીરની ચામડી અને આંખોને નુકસાન કરે છે. આવી રીતે હોળી રમાય તો તેનો વિરોધ થાય એ સ્વાભાવિક છે. બાકી, ખરેખર તો હોળીથી પેદા થયેલી પવિત્ર રાખ એકબીજાને ચોપડીએ તો જ ‘ધુળેટી’ ઊજવી કહેવાય, કારણ કે આ રાખ આવનારી ગરમીથી ચામડીને બચવાનું બળ આપે છે. સાથે તેમાં રહેલા ઔષધિ ગુણો બીજા અનેક લાભ પણ આપે છે, જેમ કે આ રાખ શરીરની દુર્ગંધ દૂર કરે છે. ચામડી પરના બેક્ટેરિયા, વિષાણુને દૂર કરી તેને સ્વચ્છ અને મુલાયમ બનાવે છે. ગરમીમાં અળાઈ, ગૂમડાં કે ચામડીના અન્ય રોગ સામે રક્ષણ આપે છે. શરીરે ખંજવાળ આવતી હોય તો હોળીની રાખ ચોપડવી એ ઉત્તમ ઉપાય છે. ઓરી-અછબડા જેવા ચામડીના રોગમાં આ રાખ લગાડવાથી રોગ જલદીથી દૂર થાય છે.

આ હોળીની ભસ્મને ધણાય લોકો આખું વર્ષ સંગ્રહી રાખતા હોય છે, કારણ કે તે માત્ર શારીરિક જ નહીં, માનસિક અને આધ્યાત્મિક રીતે પણ ઉપયોગી છે. વાતાવરણમાંના સકારાત્મક તરંગોને આકર્ષવાનો અને નકારાત્મક તરંગોને દૂર કરવાનો ગુણ તે ધરાવે છે. તેથી પૂજા-પાઠ, જપ-તપ સમયે આ ભસ્મનું તિલક કે શરીર પર લેપન ઉપયોગી બની રહે છે. આ જ કારણસર ઘણાય સાધુબાવા આવી ભસ્મનું શરીર પર લેપન કરતા હોય છે. ઘણાય સંત શરીરનાં કષ્ટો અને રોગો દૂર કરવા લોકોને પ્રસાદીરૂપે આવી ભસ્મ આપતા હોય છે. અગ્નિ દરેકને શુદ્ધ કરનારો છે, પરંતુ આપણે સીધા અગ્નિના સંપર્કમાં આવી શુદ્ધ થઈ શકતા નથી, પણ તેના વડે ઉત્પન્ન થતી ભસ્મનો ઉપયોગ કરી તન અને મનને શુદ્ધ કરી શકીએ છીએ. આમ, ભૂતકાળમાં રાખથી ધુળેટી કેમ રમાતી હશે એનો આપણને ખ્યાલ આવ્યો, પણ હજુ એક વનસ્પતિનો ઉપયોગ થતો અને તે હતાં કેસૂડાનાં ફૂલ. આ પુષ્પોને પાણીમાં ઉકાળીએ તો સરસ કેસરી રંગનું પાણી તૈયાર થાય છે. ધુળેટીની સવારે એકબીજાને ચોપડેલી રાખ થોડો સમય રાખી પછી કેસૂડાના પાણીથી ધોઈ નાખવાથી વધુ ફાયદા થાય છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


