દેશમાં ટેલિકોમ કંપનીઓની મનમાની ચાલે છે. ગ્રાહકોએ મજબૂર થઈને તેમની ગમેતેવી સેવા ચલાવી લેવી પડે છે. જિયોએ શરૂઆતમાં સસ્તી, સારી સેવા આપ્યા બાદ ભાવ વધારી દીધા. સાથે સર્વિસ પણ ખોટકાવા માંડી. કેટલાક વિસ્તારોમાં તો નેટવર્ક પકડાતું જ નથી. તેના પગલે ભારતી એરટેલે પણ ટેલિકોમ સેવા મોંઘી કરી. આ વખતે લોકોને ભુલાઈ ગયેલી સરકારી કંપની બીએસએનએલ યાદ આવી. ફાઇવજી સેવા શરૂ કરવાની ક્વાયત શરૂ કર્યા બાદ ગ્રાહકો બીએસએનએલ તરફ ફરી વળ્યા. વચ્ચે હરીફાઈમાં આવી ઇલોન મસ્કની સ્ટારલિન્ક કંપની જે સેટેલાઇટ ઇન્ટરનેટ પૂરું પાડવાની છે. આ માટે તેણે એરટેલ અને જિયો સાથે સમજૂતી કરી છે. બીએસએનએલની વાત પર પાછા આવીએ.
થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા કે લાંબા સમય પછી બીએસએનએલ પ્રગતિ પર છે. એના વપરાશકર્તાઓ પણ વધ્યા. ખાનગી કંપનીઓને છોડીને ગ્રાહકો આ સરકારી કંપની તરફ વળ્યા. પરંતુ હવે સામે આવ્યું છે કે બીએસએનએલના સબ્સ્ક્રાઇબર્સ ઘટી રહ્યા છે. આ માહિતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ડેટામાં ઉપલબ્ધ છે. ટ્રાઈએ ડિસેમ્બર 2024 માટે સબસ્ક્રાઇબર ડેટા જાહેર કર્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ ટેલિકોમ કંપનીઓએ કેટલા નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા અને ગુમાવ્યા, તેમ જ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં આ કંપનીઓના કુલ કેટલા સબ્સ્ક્રાઇબર્સ હતા. બીએસએનએલે આ સમયગાળામાં ત્રણ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે.
બીએસએનએલએ ટેરિફ વધાર્યા બાદ તેના ગ્રાહકો ઘટ્યા છે. ડિસેમ્બરમાં કંપનીએ 3.22 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા. આ સંખ્યા નવેમ્બર કરતાં 20,000 ઓછી છે. એ મહિને કંપનીએ 3.4 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. બીએસએનએલના ગ્રાહકોની કુલ સંખ્યા 10 કરોડથી નીચે આવી છે, 9,17,29,737 સુધી. નવેમ્બર 2024ની સરખામણીમાં, કંપનીએ 3,22,072 સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે.
ઉપરાંત, વોડાફોન-આઇડિયા એટલે વીના 17 લાખથી વધુ ગ્રાહકોએ કંપની છોડી હતી. એનો લાભ જિયો અને એરટેલને થયો. જિયોએ 39 લાખથી વધુ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા, જ્યારે એરટેલે 10 લાખથી વધુ.
ટ્રાઈનો ડેટા દર્શાવે છે કે ભારતમાં વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા, જે નવેમ્બર 2024માં 114 કરોડથી વધુ હતી, તે ડિસેમ્બર 2024માં વધીને 115 કરોડથી વધુ થયો. અર્થ એ કે આટલા બધા સબ્સ્ક્રાઇબર્સ પાસે વી, બીએસએનએલ, એરટેલ, જિયો અથવા અન્ય ટેલિકોમ ઓપરેટરોનાં સક્રિય સિમ કાર્ડ છે. ડેટા દર્શાવે છે કે લોકો હજી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી પર આધાર રાખે છે. ડિસેમ્બર 2024માં 1.3 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી માટે અરજી કરી. આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકો એક ઓપરેટરથી બીજા ઓપરેટર તરફ વળી રહ્યા છે. એનાં પ્રમુખ બે કારણો, નબળી સેવા અને મોંઘા દામ.


