ચબૂતરાની આસપાસ અતિક્રમણ નહીં થયું હોવાથી પણ તેનું સૌંદર્ય અકબંધ વર્તાય છે. ચણ નાખવા આવતી વ્યક્તિ માટે ચબૂતરા પાસે સીડીની વ્યવસ્થા પણ છે
મંગળ પારેખ ખાંચાની અંદર આવેલી રેવાદાસની પોળમાં આવેલો આ ચબૂતરો આશરે ૧૫૦-૨૦૦ વર્ષ જૂનો છે. હાલમાં જ પાલિકાએ તેનું સમારકામ કરાવ્યું છે. સમારકામને લીધે ચબૂતરો જીવંત, મનમોહક અને આગવા ઠસ્સાભર્યો લાગે છે.

પથ્થરના આ ચબૂતરાનું નિર્માણ અહીં ઉપાશ્રય બંધાવનાર હીરાલાલભાઈએ જ કરાવ્યું હોવાનું જાણવા મળે છે. અહીંનો ઉપાશ્રય પણ ૧૫૦ વર્ષ જૂનો છે. તેમના પુત્ર નાનાલાલે જમા કરાવેલા ભંડોળમાંથી હજી પણ પોળનાં કાર્યો નિયમિત સંપન્ન થતાં રહે છે. આ ચબૂતરાને જાળવવા માટે કોઈ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી પણ પહેલેથી જ પોળવાસીઓ ભેગા મળીને તેની સારસંભાળ રાખે છે. પોતપોતાની રીતે સૌ સ્વેચ્છાએ ચબૂતરામાં દાણા નીરી જાય છે. વખતોવખત તેઓ ચબૂતરાનું કલરકામ અને રિનોવેશન કરાવતા રહ્યા છે. આ વખતે કોર્પોરેશને તેના જિર્ણોદ્ધારનું કામ હાથમાં લીધું હતું. પોળમાં પહેલાં માત્ર જૈનોની વસતિ હતી. આજે પણ અહીં ૭૦-૮૦ જૈન પરિવાર વસે છે. રેવાદાસ પોળનું પંચ છે, તેનું નેતૃત્વ હાલમાં પિયુષભાઈ સંભાળે છે.
શ્વેત રંગે રંગાયેલો, ષટ્કોણ ઓટલા વચ્ચે વળાંકભર્યા નકશીકામ ધરાવતા થાંભલા પર ઊભા આ ચબૂતરાને લીધે આખા વિસ્તારની શોભા ખીલી ઊઠે છે. વળી ચબૂતરાની આસપાસ અતિક્રમણ નહીં થયું હોવાથી પણ તેનું સૌંદર્ય અકબંધ વર્તાય છે. ચણ નાખવા આવતી વ્યક્તિ માટે ચબૂતરા પાસે સીડીની વ્યવસ્થા પણ છે. જાર ભરી રાખવા માટે ચબૂતરાના ઓટલા નીચે કોઠી પણ છે, જેનો લાકડાનો દરવાજો તાળું વાસીને બંધ રાખવામાં આવે છે. પુનરોદ્ધાર પછી અને સ્થાનિકોની ચણસેવાથી પ્રવૃત્ત આ ચબૂતરાને કાયમ માટે આવી સ્થિતિમાં રાખવા હવે સમાજે યોગદાન આપવાનો સંકલ્પ કરવાનો છે.
I have always depended on the kindness of strangers.
– Tennessee Williams
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


