કલ્પના કરો એવી બેટરીની જેને ક્યારેય રિચાર્જ કરવાની જરૂર નથીः ન કલાકો, દિવસો કે મહિનાઓ, પરંતુ સંપૂર્ણ એક સદી માટે! એક ચાઇનીઝ કંપનીએ આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે, જેણે ન્યુક્લિયર પાવરથી એવી બેટરી વિકસાવી છે જે 100 વર્ષ સુધી સતત ચાલી શકે છે. એકવાર લગાડ્યા પછી, તેને કોઈ જાળવણીની જરૂર નથી. એ અત્યંત વિષમ પર્યાવરણ અને લાંબા ગાળાના ઉપયોગ માટે પણ ઉપયુક્ત છે.
ચાઇનીઝ સંશોધકોએ ઝુલોંગ-1 નામની એક અકલ્પનીય એવી કાર્બન-14 (C-14) ન્યુક્લિયર બેટરી રજૂ કરી છે. આ બેટરી એક સદીથી વધુ સમય સુધી રિચાર્જ વિના કામ કરી શકે છે. નોર્થવેસ્ટ નોર્મલ યુનિવર્સિટી અને વુક્સી બેઇતા ફાર્માટેક કંપની લિમિટેડના સહયોગથી વિકસિત આ નવીનતમ માઇક્રો ન્યુક્લિયર બેટરી ટેકનોલોજીમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે.
ઝુલોંગ-1 કાર્બન-14 (સી-14)ના રેડિયોએક્ટિવ ક્ષયથી ઊર્જા મેળવે છે, જેનું અર્ધઆયુષ્ય 5,730 વર્ષ છે. આ ક્ષય બીટા કણો ઉત્સર્જિત કરે છે, જે સિલિકોન કાર્બાઇડ સેમિકન્ડક્ટર સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરીને ઇલેક્ટ્રોનનો સ્થિર પ્રવાહ ઉત્પન્ન કરે છે. બેટરીમાં 282 નેનોએમ્પ્સનો શોર્ટ સર્કિટ કરન્ટ, 2.1 વોલ્ટના ઓપન સર્કિટ વોલ્ટેજ અને 433 નેનોવોટનો મહત્તમ આઉટપુટ પાવર છે, જે આઠ ટકા ઊર્જા રૂપાંતરણ ક્ષમતા હાંસલ કરે છે.
ઝુલોંગ-1 -100° સેલ્સિયસથી 200° સેલ્સિયસ જેટલા વિષમ તાપમાનને સહન કરી શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેના ઉપયોગ વખતે પણ એની ક્ષમતા અને એનું આયુષ્ય ખૂબ ઓછું ઘટે છે. તેની ઊર્જા ઘનતા વ્યાપારિક લિથિયમ આયન બેટરીઓ કરતાં 10 ગણી વધુ છે. પ્રયોગશાળાના અખતરાઓમાં ઝુલોંગ-1 સંચાલિત એક એલઈડી લગભગ ચાર મહિના સુધી સતત ચાલતી રહી હતી. એણે 35,000થી વધુ પલ્સ ફ્લેશ પૂર્ણ કર્યા હતા. વધુમાં, જ્યારે તેને ઊર્જાસંગ્રહ મોડ્યુલ્સ સાથે સંકલિત કરવામાં આવી ત્યારે તે બ્લુટૂથ રેડિયો ફ્રીક્વન્સી ચિપને સિગ્નલ ટ્રાન્સમિશન અને રિસેપ્શન માટે સફળતાપૂર્વક પાવર આપી શકી હતી.
ઝુલોંગ-1ના સંભવિત ઉપયોગો વિશાળ છે. તે પેસમેકર અને બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ જેવાં મેડિકલ ઉપકરણો માટે કાયમી ઊર્જા સ્ત્રોત તરીકે સેવા આપી શકે છે, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઈઓટી)માં સેન્સર્સને સપોર્ટ કરી શકે છે, ધ્રુવીય અને ગહન સમુદ્ર સંશોધન, તેમ જ ચંદ્ર અને મંગળ જેવાં મિશન માટે પણ વિશ્વસનીય ઊર્જા પ્રદાન કરી શકે છે.
બેટરી વિકસાવનારી ટીમ આટલું હાંસલ કરીને અટકી નથી. એણે હવે બીજી પેઢીના પ્રોટોટાઇપ ઝુલોંગ-2 પર કામ આદર્યું છે. એમાં સંપૂર્ણ રીતે બંધ સી-14 માઇક્રો ન્યુક્લિયર સેલ હશે. નવા મોડેલનું પરીક્ષણ વર્ષાંતે શરૂ કરવાની યોજના છે. ચીન, આ તો હદ છે.

