ચોકમાં હોવા છતાં, સદીથી વધુ જૂનો હોવા છતાં આ ચબૂતરામાં ચણ કે પાણીની વ્યવસ્થા કરવાનું કાર્ય કોઈ કરતું નથી એ ખરેખર નવાઈજનક બાબત નથી?
દરિયાપુર વિસ્તારની ભંડેરી પોળ પાસે સત્યનારાયણ ચોક છે. આ ચોકમાં લીલોતરીની છાયા માણતો સાત રંગે રંગાયેલો આ ચબૂતરો બેહદ નયનરમ્ય છે. ભંડેરી પોળ ખૂબ મોટી છે અને તેમાં ૪,૦૦૦ જેટલાં ઘર છે. આટલાં બધાં ઘર વચ્ચેના ચોકમાં હોવા છતાં, સદીથી વધુ જૂનો હોવા છતાં આ ચબૂતરામાં ચણ કે પાણીની વ્યવસ્થા કરવાનું કાર્ય કોઈ કરતું નથી એ ખરેખર નવાઈજનક બાબત નથી?

આ ચબૂતરાની પાસે ચિંતામણિ મહાદેવનું અને સામે સત્યનારાયણનું મંદિર છે. બેઉ મંદિર આશરે સિત્તેર વરસ જૂના છે અને ભાવિકો અહીં મોટી સંખ્યામાં ઉમટતા રહે છે. મંદિરોમાં નિત્યપૂજા સહિત ઉત્સવોની ઉજવણી પણ રંગેચંગે થાય છે. મંદિરના ટ્રસ્ટે જ થોડાં વરસ પહેલાં, મંદિરના જિર્ણોદ્ધાર સાથે, ચબૂતરાના જિર્ણોદ્ધારનું કાર્ય સંપન્ન કર્યું હતું. એ જિર્ણોદ્ધારને કારણે જ ચબૂતરો આંખોને શાતા આપતું રૂપ પ્રાપ્ત કરી શક્યો છે.
પીપળો અને આસોપાલવનાં વૃક્ષો જેની લગોલગ છે તેવા આ ચબૂતરામાં ચણની સેવા કરવાનું કામ અહીંના હજારો નાગરિકો ચપટી વગાડતા કરી શકે તેમ છે. વધુમાં મંદિરે આવતા ભાવિકો ધારે તો પણ આ કાર્ય સહેલાઈથી પાર પાડી શકે તેમ છે. બિલાડીની સમસ્યા સતાવતી હોવાથી પણ લોકો અહીં ચણ નાખવાનું ટાળે છે. આ બધી બાબતો ધ્યાનમાં લઈએ તો પણ એ વાતને વિસારે ના પાડી શકાય કે આ ચબૂતરાને કાર્યરત રાખવાની નૈતિક જવાબદારી માનવીએ ઉઠાવવી જ રહી. એ સિવાય એના નિર્માણ કે સ્થાપત્યનો અર્થ શો? આપણે માનવી તરીકે આ ફરજને નિભાવવા માટે કૃતનિશ્ચય થઈએ.
હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી?
વળી પૂછું કે મિંદડીની માંજરી શી આંખમાં ચમકતી કીકીઓ કોણે મઢી?
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


