વાહનવ્યવહાર અને શોરબકોરને લીધે પક્ષીઓ આ ચબૂતરા તરફ ખેંચાઈ આવે તો પણ તેમની સુરક્ષાનો પ્રશ્ન વિચાર માગી લેનારો બની ગયો છે

આ ગોળાકાર ચબૂતરો જૂના અમદાવાદની ફરતે આવેલા દરવાજાઓમાંના એક એવા શાહપુર ગેટ પાસે આવેલો છે. ગોળાકાર આ ચબૂતરો આજે તો ચબૂતરો કહી શકાય તેવું એકપણ લક્ષણ ધરાવતો નથી. હા, આસપાસની ગંદકી, નીચે પડેલો સામાન અને અહીં જ વસવાટ કરનારા લોકોને લીધે એ એક ક્ષુલ્લક સ્થાપત્ય જરૂર છે!
શાહપુર દરવાજાનો (જે આજે રહ્યો નથી) વિસ્તાર મેદની અને વાહનથી સતત ધમધમતો રહે છે. એની વચ્ચે સો કરતાં વધુ વરસથી જૂનો આ ચબૂતરો ઝંખવાઈ ગયેલા બ્લ્યુ રંગના સ્તંભ અને લીલા રંગના ગુંબજ સાથે ઘટનાઓનો મૂક સાક્ષી બની રહ્યો છે. એનું બાંધકામ આજે પણ મજબૂત ભાસે છે. છતાં, તેના જિર્ણોદ્ધાર, પુનઃ ઉપયોગને બદલે ઘણા લોકો તો એવો મત ધરાવે છે કે ચબૂતરો તોડી નાખવામાં આવે તો કશું ખોટું નથી.
એ વાત સહજ કલ્પી શકાય છે કે બંધાયા પછી બીજી અનેક ચબૂતરાની જેમ આ ચબૂતરામાં પણ ચણની વ્યવસ્થા સારી રીતે થતી રહી હશે. પછી ક્યારે, ક્યાં કારણોસર એ વ્યવસ્થા પડી ભાંગી એની કોઈ જાણકારી મળવી હવે શક્ય રહી નથી. વળી વાહનવ્યવહાર અને શોરબકોરને લીધે પક્ષીઓ આ ચબૂતરા તરફ ખેંચાઈ આવે તો પણ તેમની સુરક્ષાનો પ્રશ્ન વિચાર માગી લેનારો બની ગયો છે.
ચબૂતરાની નજીકમાં કાઝી મહંમદ ચિશ્તી મસ્જિદ છે. મસ્જિદના પ્રાંગણમાં સારી એવી સંખ્યામાં પક્ષીઓ આવે છે. અમુક સ્થાનિક દુકાનદારો સાથે વાતચીત કરતાં તેઓ સૂચવે છે: ચબૂતરાને અહીંથી ખસેડીને મસ્જિદ નજીક નવેસરથી બાંધવો જોઈએ. એવું થવાથી ચબુતરાનું અસ્તિત્વ જળવાઈ રહેશે અને ઉપયોગિતા પણ વધશે. જે હોય તે, પણ સાવ નામશેષ કરી નાખવાને બદલે ચબૂતરાને ટકાવી રાખવા માટે કરવું પડે તે અચૂક કરવું રહ્યું.
કાબર એ મેનાની જાતનું, કાળા ભૂખરા રંગનું પંખી છે. કાબરની હાજરી ખેતી માટે ફાયદાકારક છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


