ચબૂતરા નીચે પડ્યો રહેતો સામાન જોકે અજાણ્યાની આંખને કઠે તેવો છે. પક્ષીઓ માટેના આ સ્થાનને એનાથી મુક્તિ મળે તે ઇચ્છનીય છે

શાહપુરમાં આવેલી વઢવાણી મહેતાની પોળ ખૂબ જાણીતી છે. અહીં બિરાજમાન પીરળાખાના મંદિરની આસપાસ જ નહીં પણ દૂર-દૂર વસતા લોકોના મનમાં પ્રશ્ન ખૂબ મહાત્મ્ય ધરાવતા પીરળાખાના મંદિરની લગોલગ આવેલો છે એક ચબૂતરો.
અનન્ય ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાળુ રહેવાસીઓના સંકલ્પે થોડાં જ વર્ષો પૂર્વે નિર્માણ પામેલો આ ઇંટનો ચબૂતરો સારી રીતે કાર્યરત છે. આ પોળમાં કુલ બાવન ઘર છે, જેમાં ૧૦ જૈન પરિવારોનાં ઘર છે. પટેલ અને બ્રાહ્મણ સમુદાય પણ અહીં વસે છે. બધા રહેવાસીઓ જીવદયાપ્રેમી છે. પહેલાં અહીં ચણ નાખવા માટે ઓટલો હતો. ત્યાંથી ચણ વેરણ થઈ જતું હોવાથી તેના સ્થાને ચબૂતરો બાંધવાનો વિચાર પોળમાં વહેતો થયો હતો.
વિચારને સાકાર કરવા દરેક રહેવાસીએ એક થઈ યથાશક્તિ યોગદાન આપ્યું. વડીલો તથા પંચના સભ્યોના સહકારે પંકજભાઈ અને સંજયભાઈની આગેવાનીમાં પાસેના મંદિરના નવનિર્માણ વખતે અહીં ચબૂતરો ઊભો કરવાનો સંકલ્પ મહિનામાં પાર પડ્યો.
ચબૂતરાની સારસંભાળની જવાબદારી તેના નિર્માણદિનથી આજ સુધી નીતિનભાઈ સંભાળી રહ્યા છે. મંદિરમાં આવતા દાનની રકમમાંથી ચબૂતરાની દેખભાળ રાખવામાં આવે છે. પીરળાખાના મંદિરમાં અહીંના લોકોને ભારે આસ્થા હોવાથી દાનપ્રવાહ સારો રહે છે. ચબૂતરાની દેખરેખને પણ તેમના આશીર્વાદ છે.
ચણ માટે બાજરી, જુવાર, ગાંઠિયા વગેરેની અહીં નિયમિત વ્યવસ્યા કરવામાં આવે છે. રહેવાસીઓ પણ પોતપોતાની રીતે ચણ નાખે છે. દર ગુરુવારે સાફસફાઈ પણ કરવામાં આવે છે. ચબૂતરા નીચે પડ્યો રહેતો સામાન જોકે અજાણ્યાની આંખને કઠે તેવો છે. પક્ષીઓ માટેના આ સ્થાનને એનાથી મુક્તિ મળે તે ઇચ્છનીય છે. સાથે, રહેવાસીઓ જેના માટે હોંશ ધરાવે છે તેવો ચબૂતરાનો કાયાકલ્પ થાય તો એ ક્યાંય વધારે ગૌરવશાળી સ્થાન બની જાય.
તારી કૃપા તો વહેતી હતી ઘરને આંગણે ને લોક એને પામવા ક્યાં ક્યાં સુધી ગયા
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


