ભારતની અદાલતોમાં કેસોના ઢગલા પડ્યા છે અને સામાન્ય વિવાદોનો ચુકાદો આવવામાં પણ ઘણા વર્ષો નિકળી જાય છે. એટલે ન્યાયનો ખાસ કોઈ અર્થ રહેતો નથી. કહેવાય છે કે વિલંબથી મળેલો ન્યાય એ અન્યાય જેવો છે. સામે પક્ષે અદાલતોના ન્યાયાધીશો જ્યારે આ વિશે ખુલાસો કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ પણ કામના ભારથી લદાયેલા છે. સર્વોચ્ચ અદાલતા પૂર્વ ચીફ જસ્ટિસ શ્રીમાન ચંદ્રચૂડે જણાવ્યું હતું કે કામના ભારણના કારણે ઘણીવાર અમે રજાના દિવસોમાં પણ કામ કરીએ છીએ. તેની પાછળ જજોની અપૂરતી સંખ્યા અને અન્ય સ્ટાફ અપૂરતો છે એવા કારણો આપવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતો એક અહવાલ બહાર આવ્યો છે.
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ, ભારતમાં 1.4 અબજની વસ્તી માટે ફક્ત 21,285 ન્યાયાધીશો છે, અથવા સરેરાશ 10 લાખ વસ્તી દીઠ 15 ન્યાયાધીશો છે. આ આંકડો કાયદા પંચની ભલામણો કરતા ઘણો ઓછો છે. કાયદા પંચે 1987માં દર 10 લાખ લોકો માટે 50 ન્યાયાધીશ રાખવાની ભલામણ કરી હતી.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશની હાઈકોર્ટમાં 33 ટકા જગ્યાઓ ખાલી છે. જોકે, 2025માં ખાલી જગ્યાઓનો દર 21 ટકા રહેવાનો અંદાજ છે. આનાથી હાલના ન્યાયાધીશો પર ઘણો કામનો બોજ પડી રહ્યો છે. રિપોર્ટ મુજબ, જિલ્લા અદાલતોમાં એક ન્યાયાધીશ પર સરેરાશ 2,200 કેસોનો કાર્યભાર હોય છે. અલ્હાબાદ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં, એક જજ પાસે 15,000 જેટલા કેસ છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે 2017માં જિલ્લા અદાલતોમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા 30% હતી, જે 2025માં વધીને 38.3% થવાનું નક્કી હતું. હાઇકોર્ટમાં, આ આંકડો 11.4% થી વધીને 14% થયો છે. જોકે, સુપ્રીમ કોર્ટમાં માત્ર 6% જજ મહિલાઓ છે. દેશની 25 હાઈકોર્ટમાંથી માત્ર એક મહિલા ચીફ જસ્ટિસ છે. દિલ્હીની જિલ્લા અદાલતોમાં મહિલા ન્યાયાધીશોની સૌથી વધુ સંખ્યા 45% છે અને ખાલી જગ્યાઓની સૌથી ઓછી સંખ્યા માત્ર 11% છે.
રિપોર્ટ મુજબ, જિલ્લા અદાલતોમાં ફક્ત 5% ન્યાયાધીશો અનુસૂચિત જનજાતિ (ST) અને 14% અનુસૂચિત જાતિ (SC)ના છે. 2018 થી અત્યાર સુધીમાં, હાઇકોર્ટમાં 698 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી ફક્ત 37 ન્યાયાધીશો SC અને ST શ્રેણીના છે. અન્ય પછાત વર્ગો (OBC)નો હિસ્સો 25.6% હોવાનું નોંધાયું છે.
રિપોર્ટ અનુસાર, દેશમાં ન્યાયતંત્ર પર વાર્ષિક સરેરાશ ₹182 પ્રતિ વ્યક્તિ ખર્ચવામાં આવે છે, જ્યારે કાનૂની સહાય પર માત્ર ₹6.46 ખર્ચ થાય છે. કોઈપણ રાજ્ય ન્યાયતંત્ર પર તેના કુલ વાર્ષિક ખર્ચનો એક ટકા પણ ખર્ચ કરતું નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે કર્ણાટક, મણિપુર, મેઘાલય, સિક્કિમ અને ત્રિપુરા સિવાય, અન્ય તમામ વડી અદાલતોમાં, દર બેમાંથી એક કેસ ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, યુપી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોમાં, જિલ્લા અદાલતોમાં 40% થી વધુ કેસ ત્રણ વર્ષથી પેન્ડિંગ છે. દિલ્હીમાં, દર પાંચમાંથી એક કેસ પાંચ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે અને બે ટકા કેસ દસ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યા છે.
દિલ્હીની જિલ્લા અદાલતોમાં, એક ન્યાયાધીશ પાસે સરેરાશ 2,023 કેસ હોય છે. 2017માં, આ સંખ્યા 1,551 હતી. આ રાષ્ટ્રીય સરેરાશ 2,200 કરતા થોડું ઓછું છે, પરંતુ હજુ પણ ઘણું ઊંચું છે. 2024માં દિલ્હીનો કેસ ક્લિયરન્સ રેટ (CCR) 78% હતો, જે દેશમાં સૌથી ઓછો હતો. છેલ્લા સાત વર્ષોમાં (2017-2018), દિલ્હીએ ફક્ત એક જ વાર (2023) 100% કેસ ક્લિયરન્સ પ્રાપ્ત કર્યું છે. તમને જણાવી દઈએ કે આ રિપોર્ટ ટાટા ટ્રસ્ટ્સની એક પહેલ છે, જેની શરૂઆત 2019 માં થઈ હતી. આ તેની ચોથી આવૃત્તિ છે અને તે સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, CHRI, દક્ષ, TISS-પ્રયાસ, વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી અને હાઉ ઈન્ડિયા લિવ્સ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે.


