ભારતીય સંસ્કૃતિમાં સ્નાનને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. લગ્ન હોય કે મરણ, હોમ-હવન હોય કે શ્રાદ્ધવિધિ, સ્નાન તો કરવું જ પડે. ઘર હોય કે મંદિર જળના અભિષેક વગર દેવની પૂજા અધૂરી ગણાય. સ્નાનથી માત્ર શરીરની સ્વચ્છતા જ નથી જળવાતી, પરંતુ બીજા પણ અનેક ફાયદા થાય છે. આજનું વિજ્ઞાન પણ શરીરશુદ્ધિ માટે સ્નાનને જરૂરી સમજે છે. સ્નાનને કારણે શરીર પર જામેલો મેલ ધોવાઈ જાય છે અને ચામડીના છિદ્રો ખુલ્લાં થાય છે. પાણી વડે ચામડીને ઘસીઘસીને નાહીએ તેને ઘર્ષણસ્નાન કહેવાય. આવા સ્નાનથી ખુલ્લાં થયેલાં છિદ્રો વાટે શરીરનાં વિષદ્રવ્યો બહાર નીકળી જાય છે અને શરીર એકદમ સ્ફૂર્તિ અને તાજગી અનુભવે છે. સ્નાનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ ઝડપી બને છે અને થાક દૂર થાય છે.

નળની નીચે નહાવાથી કે પછી ખળખળ વહેતાં ઝરણાં કે નદીમાં સ્નાન કરવાથી કુદરતી ઘર્ષણસ્નાનનો લાભ મળી જાય છે. માટે આપણે ત્યાં નદીમાં સ્નાન કરવાનો મહિમા મોટો છે. વૈશાખ મહિનામાં સુદ સાતમને દિવસે ગંગાસપ્તમી ઉજવાય છે. કહેવાય છે કે આ દિવસે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. ગંગા નદીમાં નહાવાના કેવા વૈજ્ઞાનિક ફાયદા થાય છે તે આપણે આગળના પ્રકરણોમાં વાંચ્યું. ભારત જેવા ગરમ પ્રદેશમાં અને ખાસ કરીને ઉનાળામાં ગંગાનું અવતરણ થાય એ આપણું સદ્ભાગ્ય કહેવાય. શિયાળામાં હિમાલયમાં જામી ગયેલો બરફ ગરમીની ઋતુમાં પીગળવા માંડે તેને લઈને વૈશાખમાં ગંગાની જળરાશિમાં ઘણો વધારો થાય – (કદાચ એને જ પૃથ્વી પરનું અવતરણ કહેવાતું હશે ?)
આપણાં શાસ્ત્રોમાં ઠંડા પાણીથી સ્નાન કરવાને વધુ મહત્ત્વ અપાયું છે જેને આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. ગરમ પાણીથી નહાતી વખતે થોડું સારું લાગે, પણ પછી શરીરમાં જોઈએ એવી સ્ફૂર્તિ વર્તાતી નથી. આથી ઊલટું ઠંડા પાણીથી નહાવાથી શરૂઆતમાં થોડો હિચકિચાટ અનુભવાય, પણ પછી સ્ફૂર્તિ અને શક્તિમાં વધારો થાય છે. (ઠંડું પાણી એટલે બરફ જેટલું ઠંડું નહીં, પણ નળમાંથી આવતું સાધારણ પાણી કે પછી નદી-તળાવમાં જે પાણી હોય તે) આવા પાણીથી ચામડીની નીચે આવેલા જ્ઞાનતંતુઓ સંકોચાય છે, પરિણામે આખું શરીર એક મસાજ (માલિશ) થતો હોય એવો અનુભવ કરે છે. આ કારણે લોહીના પરિભ્રમણની ઝડપ વધી જાય છે. વિષદ્રવ્યોનો ઝડપી નિકાલ થાય છે. પરિણામે નાહીને બહાર નીકળો ત્યારે શરીર ગજબનું હલકું, સ્ફૂર્તિલું અને શક્તિવાન બની જાય છે.
કશોક મૂઢમાર વાગ્યો હોય કે શરીરના સ્નાયુઓ જકડાઈ ગયા હોય ત્યારે નવશેકા ગરમ પાણીથી સ્નાન ઉચિત છે. બાકી સાધારણ સંજોગોમાં ઠંડું પાણી જ વધુ ઉપયોગી છે. ઠંડા પાણીથી માથું ધોવાય તો વાળના મૂળ વધુ મજબૂત થાય છે, જ્યારે ગરમ પાણીથી માથું ધોવાય તો વાળના મૂળ જે છિદ્રોમાંથી નીકળે છે એ પ્રસરણ પામતાં મૂળિયાં ઢીલાં પડે છે અને વાળ ખરવા માંડે છે. કોઈ પણ વ્રત કે તહેવાર હોય, આપણાં શાસ્ત્રોમાં સ્ત્રીઓને ઠંડા પાણીથી નહાવાનું કે વાળ ધોવાનું શા માટે કહેવામાં આવ્યું હશે તે હવે સમજાય છે. જોકે, જેમને વર્ષોથી ગરમ પાણીમાં નહાવાની આદત હોય તેમણે અચાનક ઠંડા પાણીથી નહાવાનું શરૂ ન કરતાં ધીરેધીરે પાણીનું તાપમાન ઘટાડતા જઈ ઠંડા પાણીથી નહાવાની આદત પાડવી જોઈએ.
ગરમીના દિવસોમાં ઠંડા પાણીથી નહાવાની આદત સરળતાથી કેળવી શકાય. ઠંડા પાણીથી નહાવાથી શરદી થાય એ વાત બિલકુલ ખોટી છે. આપણા ઋષિમુનિઓ તો વહેલી સવારે ભરશિયાળામાં પણ નદી કે તળાવમાં સ્નાન કરતા હતા, છતાં વધુ લાંબું અને સ્વસ્થ આયુષ્ય ભોગવતા હતા. નદીના સ્નાનમાં પાણીની ઠંડક અને ગતિ બન્ને હોવાથી ઉત્તમ ઘર્ષણસ્નાન શરીરને મળે છે. આપણાં મોટા ભાગનાં તીર્થક્ષેત્રો નદીકિનારે જ જોવા મળે છે. પછી તે ગંગાને કિનારે આવેલું હરિદ્વાર કે બનારસ હોય કે જમુનાને કિનારે આવેલા ગોકુળ-મથુરા હોય. અલાહાબાદમાં ગંગા-જમના-સરસ્વતી નદીનો ત્રિવેણીસંગમ હોય કે ઉજજૈનમાં ક્ષીપ્રા નદી હોય કે પછી મહારાષ્ટ્રના નાસિક આગળ વહેતી ગોદાવરી નદી હોય. કુંભમેળા વખતે વિશ્વભરમાંથી લાખો લોકો પવિત્ર સ્નાન કરવા આવતા હોય છે. કુંભમેળા વખતે મહિનાઓ, ગ્રહો, નક્ષત્રો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે આવા સમયે નદીઓમાં સ્નાન કરવાથી માત્ર શરીર જ નહીં, મન પણ શુદ્ધ થઈ આપણી ચેતનાને ઉર્ધ્વમુખી બનાવવામાં સહાયતા કરે છે. વર્ષભર અદૃશ્ય રહેતા નાગા બાવા કે સાધુ-સંતો પણ કુંભમેળા વખતે નદીઓમાં શાહીસ્નાન કરવા અચૂક હાજર થઈ જાય છે.

સામાન્ય સંજોગોમાં પણ કોઈ મકરસંક્રાંતિ કે નૂતન વર્ષ જેવા તહેવારો વખતે નદી-તળાવ જેવા ખુલ્લા સ્થળે નહાવાનું આપણાં શાસ્ત્રોએ કહ્યું છે. ખુલ્લી જગ્યામાં નહાવાનો બીજો પણ એક ફાયદો છે. પાણીથી શરીરનાં છિદ્રો ખુલતાં હોય એવા સમયે ખુલ્લી હવામાંથી મળતો ઑક્સિજન ચામડી વાટે શરીરને મળે છે અને શરીરને વધુ સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે. તમે બાથરૂમમાં નહાતા હોવ તો પણ બાથરૂમની રચના એવી હોવી જોઈએ જ્યાં હવાની અવરજવર સરળતાથી થતી હોય કે પૂરતા પ્રમાણમાં બારી કે વેન્ટિલેશન હોય. નહાતી વખતે પ્રથમ માથા પર પાણી રેડીને પછી તે પાણીનો રેલો શરીરને ઘસતો ઘસતો પગ સુધી પહોંચે તેવી રીતે નહાવાથી વધુ ફાયદો થાય છે. આ રીતે માથાની ગરમી પગ દ્વારા વહી જાય છે. ઘણા લોકો નદી-તળાવમાં નહાતા હોય છે ત્યારે પ્રથમ ખોબો ભરીને પાણી માથા પર રેડે છે, પછી પગ પાણીમાં મૂકે છે તેનું કારણ પણ હવે તમને સમજાઈ ગયું હશે.
નિયમિત સ્નાન કરવાથી ચામડીનાં છિદ્રો ખુલ્લાં રહે અને પરસેવા દ્વારા શરીરનાં વિષદ્રવ્યો સરળતાથી બહાર નીકળતાં રહે તો આપણી કિડની પર અધિક કાર્યભાર આવતો નથી અને તે પણ સક્ષમ રહે છે. સૃષ્ટિની શરૂઆતમાં જ શંકર ભગવાને પોતાના નંદી દ્વારા પૃથ્વીવાસીઓને સંદેશો મોકલ્યો હતો એવી કથા પુરાણોમાં આવે છે.
આ સંદેશ પ્રમાણે આપણે દિવસમાં ત્રણ વાર નહાવાનું અને એક વાર ખાવાનું હતું, પરંતુ નંદી કે પછી પૃથ્વીવાસીઓની ગેરસમજને કારણે આપણે એક વાર સ્નાન કરીએ છીએ અને દિવસમાં ત્રણથીય વધુ વાર ખાવાનું કામ કરીએ છીએ. ઈશ્વરની વાત માનીને આપણે દિવસમાં એક જ વાર ખાતા હોત તો આટલી મોંઘવારી, સંગ્રહખોરી કે ભ્રષ્ટાચાર વધ્યાં ન હોત અને ત્રણ વાર ન્હાતા હોત તો શરીર તો સુખાકારીનો અનુભવ કરતું જ હોત, પણ માનસિક ગુનાખોરીનું પ્રમાણ પણ ઘણું ઘટી જાત, કારણકે સ્નાન માત્ર તન નહિ, મનને પણ શુદ્ધ કરે છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


