સૃષ્ટિમાં દરેક જીવો પોતાને રહેવા કે રક્ષણ માટે સ્થાયી, અસ્થાયી કે કામચલાઉ રહેઠાણ બનાવે છે. ભમરી જેવા કીટકો ભીંત પર માટીનું ઘર બનાવે છે. કીડી-મકોડા, ઉંદર કે સાપ જેવા જમીનમાં દર બનાવે છે. પક્ષીઓ માળા બનાવે છે. સિંહ-વાઘ જેવા હિંસક પશુ ગુફામાં રહે છે. આમાં એકમાત્ર માનવીએ જ પોતાના ઘર ઉપરાંત એક મંદિર પણ બનાવ્યું. ઘરમાં જ ભગવાન માટે ગોખલો કે નાનું મંદિર રાખી પૂજા-પાઠ કરનાર માનવીને ભગવાન માટે અલાયદા મંદિર બનાવવાની શી આવશ્યકતા પડી? તો તેનાં મુખ્ય ત્રણ કારણ હતાં. એમાંથી પ્રથમ કારણ ગયા પ્રકરણમાં જોઈ ગયા કે નબળા મનને મજબૂત કરી તેની શક્તિના વિકાસ કરવામાં સામાન્ય સ્થળ કરતાં મંદિરની વિશિષ્ટ રચના વધુ મદદરૂપ થઈ શકે છે, જે સાધક તથા સામાન્ય વ્યક્તિને પણ લાભકર્તા બને છે, કેમ કે શરીરના આરોગ્યનો મૂળ આધાર મન જ છે. મનની વિકૃત વિચારધારાથી જ મોટા ભાગના રોગ ઉદ્ભવે છે, એમ આજનું વિજ્ઞાન પણ કહે છે. માટે સ્વસ્થ શરીર એનું જ રહી શકે જેનું મન સ્વસ્થ છે. આ ઉપરાંત શરીરની ઇન્દ્રિયોની કાર્યક્ષમતા વધારી શકે છે, જેમ કે દૂરશ્રવણ સિદ્ધિ, દૂરદર્શન સિદ્ધિ, ત્રિકાળ દર્શન વગેરે અકલ્પનીય મનની શક્તિના વિકાસનું જ પરિણામ છે. એ વાત અલગ છે કે આજે મંદિરનો સાચો ઉપયોગ કરવાનું જ આપણે ભૂલી ગયા છીએ. આજના વ્યાવસાયિક ધોરણે ચાલતાં મંદિરે પણ તેનો મૂળ આશય ખોઈ નાખ્યો છે. મંદિરના ઉપયોગ દ્વારા મનનો વિકાસ તો નથી કરી શકતા, પણ આજે કૉમ્પ્યુટરનો વધુને વધુ વપરાશ કરી આપણે મનની શક્તિને કુંઠિત કરી રહ્યા છીએ. માહિતી યુગના આ માહોલમાં વિદ્યાર્થીઓ સામે દુનિયાભરના દરવાજા ખૂલતા જાય છે, પરંતુ મનની બારીઓ બંધ થતી જાય છે. જો મંદિરમાં રોજ એકચિત્તે અડધોએક કલાક પણ પરમ શક્તિના સાંનિધ્યમાં ગાળી શકાય તો તેમની માનસિક એકાગ્રતા તો કેળવાશે જ સાથે શરીરની ઈન્દ્રિયોની ગ્રહણશક્તિ પણ વધી જશે.
મંદિર ચૈતન્યનો વિરાટ પ્રવાહ:
મંદિરના ગુંબજની વિશિષ્ટ રચનાના કારણે જ તેમાં કરેલા ઘંટનાદ કે મંત્રોચ્ચારના પડઘા બનીને અનેક ધ્વનિ તરંગોનાં વર્તુળો નિર્માણ થાય છે, જેમ પાણીમાં એક કાંકરો નાખતાં અસંખ્ય લહેરોનાં વર્તુળ ઊઠે તેમ મંદિરમાં ધ્વનિનાં મોજાનું નિર્માણ થાય છે, જે અનેક ગણા શક્તિશાળી હોય છે. મંદિરની સૌથી ઉપર રહેલો કળશ અને રેશમી ધ્વજા વડે ખેંચાઈને ગુંબજમાં પ્રવેશેલી ૫રમ શક્તિ તેની અંદર રહેલા ધ્વનિશક્તિનાં પ્રબળ વર્તુળોમાં ભળી પૂરા મંદિરને બૅટરીની જેમ ચાર્જ કરે છે. આવી શક્તિઓની હાજરીમાં ધ્યાન, જપ કે પૂજા કરવાનો જે લાભ મંદિરમાં મળે છે તે લાભ ઘરમાં મળતો નથી, કારણ કે ઘરમાં આવી શક્તિનું નિર્માણ થઈ શકતું નથી.
પૂજારીની હાજરી તેમ જ એક પછી એક આવતા ભક્તોની હાજરી અને તેમના વડે થતા ઘંટારવ અને મંત્રોચ્ચારથી મંદિરમાં પ્રવર્તતી ચૈતન્યરૂપ બૅટરીનું સતત ચાર્જિંગ થતું રહે છે. આવી શક્તિ મંદિરમાં આવેલા વ્યક્તિના મન પર અસર કરી લાભકર્તા બની રહે છે. ભલેને તે વ્યક્તિને પછી કોઈ મંત્ર કે શ્લોકની જાણકારી ન હોય છતાં શ્રદ્ધાપૂર્વકનાં દર્શન માત્રથી પણ અહીંથી કંઈ લીધા વગર પાછી જતી નથી. ધ્વનિનાં મોજાં વધુ પ્રબળ બની શકે તે માટે જ આપણા પ્રાચીન મંદિરમાં દરવાજા સાંકડા અને ગર્ભગૃહ વિશાળ હતાં. વિદેશીઓએ જ્યારે આપણા મંદિર જોયાં ત્યારે તેમને થયું કે આવા હવાઉજાસ વગરના મંદિરમાં સ્વસ્થતા કેવી રીતે જળવાતી હશે, પણ ઇતિહાસ સાક્ષી છે કે આવાં મંદિરોમાં પણ લોકોનાં તન-મન બગડવાને બદલે સુધરતાં હતાં. અહીં હવા-ઉજાસ કરતાં પણ ધ્વનિશક્તિથી ખેંચાયેલી પરમશક્તિ મનુષ્યના આરોગ્યનું કવચ બની જાય છે. જો ઘરની જેમ મોટાં બારીબારણાં મંદિરમાં રાખીએ તો તેની અંદર ઉત્પન્ન થતી શક્તિ બહારના વાતાવરણના કારણે નિર્બળ બને છે, જેમ ઍરકંડિશનર રૂમની ઠંડક જાળવવા બારીબારણાં બંધ રાખવાં પડે છે. આ જ રીતે મંદિરમાં ચાર્જ થયેલી શક્તિને પ્રબળ રાખવા ઓછામાં ઓછાં બારીબારણાંની જરૂર પડે છે.
મંદિર: દેવોના સાક્ષાત્કારનું સ્થળ
આજનું વિજ્ઞાન પદાર્થનું ઊર્જામાં રૂપાંતર કરી શક્યું છે, જેમ કે અણુશક્તિથી પેદા થતી ઊર્જા, છતાં ઊર્જાનું ફરી પદાર્થમાં રૂપાંતર કરી શકાતું નથી. જોકે, તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે. આપણે ત્યાં પુરાણકાળમાં તો આનો ઉપયોગ થઈ ચૂક્યો હતો. આ સાબિતી આપણાં પ્રાચીન મંદિરોમાં સ્થપાયેલી મૂર્તિઓ આપી રહી છે, કારણ કે જુદા જુદા દેવના મંદિરમાં તેમનાં સ્વરૂપોની મૂર્તિઓ સ્થપાયેલી આપણે જોઈએ છીએ તે કોઈ માત્ર કાલ્પનિક સ્વરૂપોની મૂર્તિઓ ન હતી, પરંતુ મંત્રોચ્ચાર દ્વારા ઉત્પન્ન થતી ધ્વનિશક્તિનું સાકાર સ્વરૂપ હતું. પ્રસિદ્ધ સંત મોરયા ગોસાવીએ સતત ગણપતિ મંત્રનું રટણ કરી ગણપતિની મૂર્તિ ઊપસાવી હતી, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ ધ્વનિશક્તિનું મૂર્તિમાં કેવી રીતે રૂપાંતર શક્ય છે તે હવે આપણે જોઈએ.
દૃશ્યમાન ઘન બરફનું પાણીમાં અને પાણીનું અદૃશ્યમાન વરાળમાં રૂપાંતર થતાં તો તમે જોયું હશે. તેવી જ રીતે વરાળને ઠારીએ તો ફરી પાણી અને પાણીને ઠારવાથી ફરી બરફમાં રૂપાંતર થાય છે. આ પ્રકિયામાં પદાર્થનું માત્ર ધનત્વ (અણુની ગીચતા) જ ઘટતું કે વધતું હોય છે. સૃષ્ટિમાં રહેલા પંચમહાભૂતમાંથી અવકાશ અને વાયુ તત્ત્વ અદૃશ્યમાન છે, કારણ કે અવકાશથી દૃષ્યમાન પૃથ્વી તરફના રૂપાંતરણમાં પાંચ ઇન્દ્રિય દ્વારા ઓળખાતા માત્રાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે. સૌથી પહેલી અને અમર માત્રા ધ્વનિ છે અને તે અવકાશમાં ફેલાયેલી હોય છે. સમગ્ર સૃષ્ટિનો નાશ થાય તો પણ ધ્વનિશક્તિનો નાશ કદી પણ થતો નથી. તેનું સ્થાન અવકાશમાં અટલ રહે છે. જ્યારે સાધકના, મંદિરની અંદર ધ્યાનસ્થ બની વારંવાર મંત્ર જપ કરવાથી જે ધ્વનિનાં પ્રબળ વર્તુળો પેદા થાય છે તેમાં ખેંચાઈ આવેલી મંત્રદેવની શક્તિની ઊર્જા ભળે ત્યારે તેનું ઘનત્વ વધે છે. આ વાયુતત્ત્વમાં ધ્વનિ સાથે સ્પર્શની માત્રા પણ રહેલી છે. આથી સાધકને મંત્રદેવની હાજરીની સૌપ્રથમ અનુભૂતિ સ્પર્શ દ્વારા થાય છે. એટલે કે આ સમયમાં સાધકને કોઈની હાજરીનો અહેસાસ થયા કરતો હોય છે. સાધક હજુ પણ વધુ ઊંડાણથી મંત્ર જપ કરે તો વાયુ તત્વનું ઘનત્વ વધી પ્રકાશપુંજમાં રૂપાંતર થાય છે. આ પ્રકાશપુંજ એટલે કે અગ્નિ તત્વની માત્રા “રૂપ” છે. તેથી સાધકને હવે મંત્રદેવની હાજરી પ્રકાશના તેજોમય બિંદુ સ્વરૂપમાં નજર સમક્ષ દેખાય છે. સાધક હજુ વધુ મંત્ર જપ કરે તો અગ્નિ તત્ત્વનું ઘનત્વ વધી જળ તત્ત્વમાં રૂપાંતર થાય છે. આ જળ તત્ત્વમાં ‘રસ’ની માત્રા રહેલી છે, જેનો કોઈ સ્થાયી આકાર નથી. તેથી સાધકને હવે મંત્રદેવના આકાર અસ્પષ્ટ રૂપમાં દેખાય છે. એટલે કે આ સમયમાં ચિત્રવિચિત્ર ચહેરા કે અંગોના ભાગ દેખાય છે. ત્યારબાદ પણ સાધકે કરતાં રહેલાં મંત્ર જપની પરાકાષ્ઠાના અંતે જળ તત્ત્વનું ઘનત્વ વધી જઈ પૃથ્વીતત્ત્વ (હાડકાં, માંસ, ચામડી નસો)નું નિર્માણ થાય છે, જેની માત્રા સુગંધ છે તેથી મંત્રસિદ્ધિના પરિણામરૂપે સાધકને અદ્ભુત સુગંધ વડે મહેકતી આલ્લાદક સ્થિતિમાં મંત્રદેવની શક્તિના પૂર્ણ સાકાર સ્વરૂપમાં દર્શન થાય છે. આવી રીતે સાક્ષાત્કાર કરેલા મંદિરની મૂર્તિને આજે આપણે સ્વયંભૂ મૂર્તિ તરીકે ઓળખીએ છીએ. જે ખરા અર્થમાં તો કોઈ મહાન સાધકે ભૂતકાળમાં મંત્રસાધના દ્વારા કરેલી તપસ્યાનું જ પરિણામ છે.
અવકાશમાં રહેલી ધ્વનિશક્તિમાંથી જ સમગ્ર જડચેતન સૃષ્ટિનું સર્જન થાય છે અને મહાપ્રલયના અંતમાં ફરી તેમાં જ ભળી જાય છે. ધ્વનિ અમર છે તેથી જ શાસ્ત્રોમાં તો શબ્દ (નાદ)ને જ બ્રહ્મ કહેલો છે. સૃષ્ટિની શરૂઆતમાં પણ ઋષિમુનિઓને સૌપ્રથમ ધ્વનિ જ સંભળાયો હતો, જે વેદોના રૂપમાં પ્રચલિત થયા. વેદોને એટલે જ સાંભળેલું જ્ઞાન કે શ્રુતિગ્રંથ કહેવાયા છે. આમ કોઈપણ પદાર્થનું અંતિમ સ્વરૂપ એટલે ધ્વનિ દ્વારા પેદા થતી ઊર્જા. આ વાત સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા પદાર્થને ઊર્જામાં ફેરવતા સૂત્ર વડે સમજી શકાય છે. તેમનું સૂત્ર છે.
E = MC²
જ્યાં E = ઊર્જાશક્તિ M = પદાર્થનું દળ C = પ્રકાશની ગતિ, પરંતુ વાસ્તવમાં આ સૂત્ર પ્રમાણે પદાર્થને પ્રકાશની ગતિ આપીને સંપૂર્ણ રીતે ન તો ઊર્જા પેદા કરી શક્યા છીએ, ન તો ઊર્જામાંથી પદાર્થ બનાવી શક્યા છીએ. છતાં આ કામ આપણા ઋષિમુનિઓએ મનની શક્તિ દ્વારા શક્ય કરી બતાવ્યું હતું, કેમ કે મન એકમાત્ર પ્રકાશ કરતાં પણ વધુ ઝડપ ધરાવે છે. આથી જ ઊર્જા સાથે સ્થિર મનને જોડી તેનું પદાર્થ (સાકાર સ્વરૂપ)માં રૂપાંતર કરી શક્યા. આઇન્સ્ટાઇનનું સૂત્ર જો આપણાં શાસ્ત્રો મુજબ બનાવીએ તો કદાચ આ રીતે બની શકે.
પરમશક્તિ = સાકાર સ્વરૂપ X (મનની તીવ્ર ગતિ)²
આજના મંદિરમાં જે મૂર્તિઓ દેખાય છે તે સાધકોએ સાક્ષાત્કાર કરેલા દેવોના સ્વરૂપની નકલ માત્ર છે, પરંતુ આ મૂર્તિઓમાં શાસ્ત્રો મુજબ પૂર્ણ રીતે પ્રાણપ્રતિષ્ઠા કરેલી હોય તો તેના નિત્ય દર્શન કરવાથી પણ આપણે પરમશક્તિની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


