એક નોંધનીય આદેશમાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મહાનગરપાલિકાને જણાવ્યું છે કે શહેરનાં તમામ કબૂતરખાનાંને બંધ કરવામાં આવે. આ કબૂતરખાનાંએ જીવદયાપ્રેમીઓ, ખાસ કરીને ગુજરાતીઓ, જેમાં જૈનો મોટી સંખ્યામાં છે, નિયમિત દાણા નાખતા રહ્યા છે. રાજ્ય સરકારનો આદેશ સ્વાસ્થ્યના સંદર્ભમાં છે કારણ કબૂતરોની વિષ્ટા માનવીઓ માટે જોખમી ગણાય છે. ઉપરાંત કબૂતરોનાં પીછાં અને અન્ય ગંદવાડ પણ ચિંતાનાં કારણો ગણાય છે. કબૂતરોના આ ગંદવાડને લીધે શ્વાસની સમસ્યા થાય છે એ છે સૌથી મોટો મુદ્દો.
મુંબઈમાં હવે કબૂતરો ચણ નાખી શકાશે નહીં. ફેફસાંની ગંભીર બીમારીથી લઈને એલર્જી સુધી, કબૂતરો ખતરો બની ગયાં છે. જોકે સરકારના નિર્ણયથી શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. કારણ આ મુદ્દો પરંપરા અને સ્વાસ્થ્ય વચ્ચે ફસાવનારો બની રહ્યો છે. ચાલો, સમજીએ કે આ બધું શા માટે થઈ રહ્યું છે અને મુંબઈ આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરી રહ્યું છે.

મુંબઈમાં કબૂતરોનાં ટોળાં જોવાં સામાન્ય છે. જોવા માટે આ દ્રશ્ય મજાનું હોય છે એ નક્કી પણ કબૂતરોથી ખતરો મોટો છે. કબૂતરોની સુકાયેલી લીંડી હવામાં ઊડે તેમાં બેક્ટેરિયા અને ફૂગ હોય છે. તે શ્વાસ દ્વારા માણસોના શરીરમાં પ્રવેશે છે. એનાથી ફેફસાંમાં સોજો આવી શકે છે. ગંભીર ચેપનો ખતરો થાય છે. બાળકો, વૃદ્ધો અને એલર્જીવાળા લોકોને એનાથી સૌથી વધુ જોખમ રહે છે. આ ફક્ત ગંદગી નથી. સ્વાસ્થ્ય માટે મોટું સંકટ છે.
એટલે જ આ પ્રશ્ન મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ગાજ્યો હતો. શિવસેના નેતા મનીષા કાયંડે કબૂતરખાનાંને સ્વાસ્થ્ય સામે ખતરો ગણાવતાં તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. ભાજપનાં નેતા ચિત્રા વાઘે જણાવ્યું હતું કે કબૂતરોથી કનેક્ટેડ રોગે એમના સ્વજનનો જીવ લીધો હતો. ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે આપેલી માહિતી અનુસાર એકલા મુંબઈમાં 51 કબૂતરખાનાં છે. એમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ તમામ કબૂતરખાનાં ઝડપભેર બંધ કરશે. સાથે જાગૃતિ અભિયાન પણ શરૂ થશે.
મુંબઈના કેટલાક વિસ્તારોમાં કબૂતરોની સમસ્યા ખરેખર ગંભીર છે. દાદર, ગિરગામ, ભાયખલા અને ચર્ની રોડમાં કબૂતરોનાં ટોળેટોળાંને લીધે ખાસ્સી ગંદગી ફેલાઈ રહી છે. દાદરનું પ્રખ્યાત કબૂતરખાનું હાલમાં બે દિવસ માટે બંધ રખાયા પછી ફરી શરૂ થયું. જીવદયાપ્રેમીઓને એના ફરી શરૂ થવાનો આનંદ હશે પણ સ્થાનિકો લોકો નારાજ છે. સાંતાક્રૂઝ અને દૌલતનગરમાં પણ કેટલાંક કબૂતરખાનાં બંધ કરવામાં આવ્યાં. છતાં, કબૂતરોની સમસ્યા કાયમ છે. આ સ્થળો રોગોના અડ્ડા બની ગયાં છે. ત્યાં પણ સ્થાનિકો પરેશાન છે.
કબૂતરોની લીંડી સૂકીને ધૂળ બને છે. શ્વાસ લેતી વખતે એ ધૂળ અને સાથેના જીવાણુ શરીરમાં પ્રવેશે છે. પરિણામ? ફૂડ પોઇઝનિંગથી લઈને ફેફસાંની બીમારી. નિષ્ણાતોના મતે મુંબઈની ગીચ વસ્તીમાં આ એક મોટું સ્વાસ્થ્ય સંકટ છે. તેને અવગણી શકાય નહીં.
મહારાષ્ટ્ર સરકાર ઝડપથી કામ કરી રહી છે. બીએમસીને 51 કબૂતરખાનાં બંધ કરવાનો આદેશ મળ્યો છે. હવે, મહિનામાં જાગૃતિ અભિયાન શરૂ થશે. લોકોને જણાવવામાં આવશે કે કબૂતરોને દાણા નાખવા ખતરનાક છે. બની શકે છે કે સરકાર દાણા નાખનારાને દંડિત કરવાનું પણ શરૂ કરે. ધ્યેય સ્પષ્ટ છે. લોકોનું સ્વાસ્થ્ય બચાવવું અને જૂની ટેવો બદલવી. પરંતુ મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં આ નિયમ લાગુ કરવો સરળ નથી. ખાસ તો એટલે કે અસંખ્ય શહેરીજનો માટે પક્ષીઓને ચણ આપવું એટલે પુણ્યાર્જન કરવું.

વાત જટિલ છે. આસ્થા અને સ્વાસ્થ્ય બેઉ સામસામે આવી શકે છે. સેવાકાર્ય સારાં પણ સેવાની ટેવ અન્યોના સ્વાસ્થ્યને ક્ષતિ પહોંચાડે ત્યારે શું કરવું? કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધથી નવી ચર્ચા શરૂ થઈ શકે છે. બીજી તરફ, વિશ્વનાં ઘણાં શહેરોએ આવી સમસ્યાઓ માટે સખત નિયમો બનાવ્યા છે. એ યાદીમાં હવે મુબઈ જોડાયું છે.
દેશની આર્થિક રાજધાની પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે. કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય પરંપરા માટે પ્રોબ્લેમ બની શકે છે. વિજ્ઞાન કહે છે કે કબૂતરો રોગો ફેલાવી રહ્યા છે. છતાં, બીએમસીનું કામ મુશ્કેલ છે. 51 કબૂતરખાના બંધ કરવા એ કાંઈ બસ, તાળાં મારવાની વાત નથી. એ માટે લોકોની વિચારસરણી બદલાવી અનિવાર્ય છે. જાગૃતિ અભિયાનથી એ કામ થઈ શકે છે કે કેમ એ જોવાનું રહેશે. ચા-વાળાથી લઈને મંદિર જનારાઓ સુધી, જેઓ ચણ નાખે છે, એમના ગળે સમસ્યા ઉતારવી પડશે. મુંબઈ પહેલેથી પ્રદૂષણ, ગંદકી અને ભીડ ત્રસ્ત છે. કબૂતરોથી થતા રોગો એમાં ઉમેરો કરે છે.
નોંધનીય છે કે ચણસેવા કરવામાં ગુજરાતીઓ અને જૈનો સદૈવ અગ્રેસર રહ્યા છે. ગુજરાતનાં શહેરોમાં, અનેક ધર્મસ્થાનકોમાં પક્ષીઘર છે. વળી અનેક વિસ્તારોમાં શેરીએ શેરીએ કબૂતરખાનાં છે. અમદાવાદના જૂના, પોળના વિસ્તારમાં, અનેક પોળોમાં પક્ષીઘર છે. પેઢીઓથી આપણે પક્ષીઓને ચણ નાખવા સાથે પ્રગાઢપણે સંકળાયેલી છીએ. મુંબઈમાં હવેથી પક્ષીઓને ચણ નહીં નાખી શકાય એ વાત અનેકના ગળે નહીં ઊતરે પણ થાય શું? જોઈએ, મુંબઈ કેવોક પ્રતિભાવ આપે છે નવા આદેશને.

