આપણા શરીરના સ્વાસ્થ્યની રક્ષા માટે જવારાના સેવન હેતુ જ ઋષિમુનિઓએ તેને મોળાકાત વ્રત સાથે વણી લીધા છે. ઘઉંના જવારા ઉગાડવા પણ તેનું સેવન ન કરવું તે તો સાપ ગયા ને લિસોટા રહી ગયા જેવી વાત છે. હકીકતમાં તો ચોમાસા જેવી રોગ ઉત્પન્ન કરવાવાળી ઋતુમાં જવારાનો રસ કાઢી નિયમિત પીવાથી અસંખ્ય ફાયદા થાય છે.
જવારાના રસમાં રહેલા ક્લોરોફિલ અને હિમોગ્લોબીનમાં રહેલા હેમિન તત્ત્વની રચના એકસમાન છે, જેથી આ તત્ત્વ આપણા લોહીમાં સીધું ભળી જઈ લોહીમાં રહેલા હિમોગ્લોબીનના કણોને ઝડપથી વધારી દે છે. આમ, લોહીની ઉણપને જલદી પૂરે છે તેથી તો જવારાનો રસ પાંડુરોગમાં અત્યંત ઉપયોગી છે. ઘઉંના જવારાના રસને ‘ગ્રીન બ્લડ’ તરીકે ઓળખવામાં આવે છે અને આ નામ ભારતીય ઋષિમુનિઓએ નહીં પણ અમેરિકાના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. વ્હીગમોરે આપ્યું છે. સ્ત્રીઓના શરીરની રચના પ્રમાણે રજસ્વલા થાય ત્યારથી પ્રસૂતિ સુધી વધુમાં વધુ તેમને લોહીની જરૂર પડતી હોય છે. એટલે જ આપણી વ્રત કથાઓમાં સ્ત્રીઓને ઘઉંના જવારા ઘરે ઉગાડી તેનું સેવન કરવાનું કહ્યું હશે, પણ વખત જતાં માત્ર ઘઉંના જવારા ઉગાડવાની અને તેની પૂજા કરવાની પ્રથા માત્ર રહી ગઈ છે. ખરેખર તો ઘરે ઉગાડેલા ઘઉંના જવારાનો રસ પીવાના ઉપયોગમાં આવે તો આરોગ્યથી માંડીને કાયાકલ્પ સુધીના ચમત્કાર શક્ય છે.
જર્મનીના ડૉ. કોલહરે અસંખ્ય પ્રયોગથી સાબિત કર્યું છે કે જવારાના રસમાં રહેલા ક્લોરોફિલ તત્ત્વમાં લોહીને શુદ્ધ કરવાનો તેમ જ નુકસાન પામેલા કોષોનું નવનિર્માણ કરવાનો ગુણ છે. ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સ શરીરને ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ ઘસડી જતા હોય છે. જવારાનો રસ નિયમિત લેવાથી તેમાં રહેલા એન્ટિ ઑક્સિડન્ટ આવા ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે અને શરીરના દરેક અંગના કોષોને ઘસાતાં રોકી યૌવન બક્ષે છે. આજકાલના કાર્બોરેટેડ ઠંડાં પીણાં, ચા, કૉફી કે દૂધ કરતાં ઘઉંના જવારાના રસનું સેવન કરવું વધુ જરૂરી છે. દૂધ પણ શરીરની ચરબી અને હૃદયરોગની સંભાવના વધારી શકે છે, જ્યારે જવારાનો રસ તો કોષેકોષમાં પહોંચી તેમાં રહેલી ઊણપોને અને તેના ઘસારાને દૂર કરી ચમત્કાર સર્જે છે. સાથે સાથે શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ ખૂબ જ વધારે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે ઘઉંના જવારાના રસના સેવનથી જાણે મનુષ્યને પુનર્જન્મની પ્રાપ્તિ થાય છે.
યુરોપ, અમેરિકા, જર્મનીમાં કરેલા સંશોધન મુજબ ૩૦૦થી પણ વધુ રોગમાં જવારાનો રસ અકસીર માલૂમ પડ્યો છે. અનિદ્રા, ચામડીના રોગ, સંધિવા, એસિડિટી કૃમિ, હરસ, કબજિયાત, ખાંસી, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીસ જેવા રોગ ઘઉંના જવારાની થેરપીથી મટી ગયાના અનેક દાખલા મળી આવે છે. કૅન્સર જેવા ભયંકર રોગ પર પણ ઘઉંના જવારાના રસનું સેવન ખૂબ જ ઉપયોગી છે. કારણ કે જવારાના રસમાં રહેલું લેટ્રોઇલ તત્ત્વ કૅન્સરના કોષોને નાશ કરવાનું કામ કરે છે.
ત્રેવીસ કિલો શાકભાજીમાં જેટલાં પોષક દ્રવ્ય હોય છે એટલા જ પોષક દ્રવ્યો ફક્ત એક કિલો જવારામાંથી મળી આવે છે. એક સંશોધન મુજબ ઘઉંના ૧૦૦ ગ્રામ જવારામાં ૧૮,૦૦૦ યુનિટ જેટલું વિટામિન ‘એ’ રહેલું છે. એટલા માટે તેનાં ટીપાં આંખમાં નાખવાથી આંખના નંબર ઘટતા જાય છે. વખત જતાં નંબર દૂર થઈ જાય છે. જવારામાં વિટામિન ‘ઈ’ પણ ખૂબ જ પ્રમાણમાં રહેલું છે. હૃદય અને રક્તવાહિનીઓ માટે ખૂબ જ ગુણકારી છે. વિટામિન ‘બી’ અને ‘કે’ પણ સારા પ્રમાણમાં રહેલા છે. ટૂંકમાં દરેક જાતના વિટામિન્સ, ક્ષાર અને શરીરને ઉપયોગી અન્ય ભરપૂર પોષક દ્રવ્ય જવારામાં રહેલા છે. એટલે જ ડૉ. જી. એચ. થોમસે ઘઉંના જવારાના રસને સંપૂર્ણ ખોરાક (કમ્પલિટ ફૂડ) કહ્યો છે.
આમ તો રોજબરોજની જિંદગીમાં આપણે ઘઉં ખાતા હોઈએ છીએ, પણ જ્યારે ઘઉંને માટી સાથે ભેળવવામાં આવે અને પાણી તેમ જ સૂર્યપ્રકાશ મેળવીને તેમાંથી તૈયાર થયેલા જવારામાં જે સત્ત્વ છે તે ઘઉંમાં નથી. તેથી જ દરેક સ્ત્રી-પુરુષ – બાળકોએ કમ સે કમ ચોમાસા દરમિયાન જવારાનો રસ પીવો જોઈએ અથવા જેમણે રસ ન કાઢવો હોય તેમણે જવારાને ચાવી ચાવીને તેનો રસ ઉતારવો જોઈએ. આમ, નિયમિત કરવાથી બીજો પણ એ ફાયદો થાય છે કે દાંત અને પેઢાં સ્વચ્છ, મજબૂત બને છે તેમ જ કાયમ નીરોગી બની રહે છે.
આ વ્રતોમાં છેલ્લે દિવસે થતાં જાગરણનું પણ વૈજ્ઞાનિક મહત્ત્વ છે. એક તો ચોમાસાની ભેજવાળી હવા અને રાતનું ઠંડું ઉષ્ણતામાન ઉંઘ દરમિયાન છાતીમાં કફનો જમાવ કરે છે. તેથી આ ઋતુમાં શરદી-સળેખમ, ખાંસી અને અસ્થમાના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે રાતની નિદ્રા દરમિયાન ઉઘરસ કે દમના હુમલાનું પ્રમાણ વધી જાય છે. તે વખતે જો તમે ઊઠીને બેસી જાઓ છો તો રાહત લાગે છે. છાતીમાંનો કફ મિશ્રિત વાયુ ગુરુત્વાકર્ષણના કારણે નીચે તરફ ધકેલાય છે. તેથી છાતી પરની ભીંસ હળવી થાય છે, જે રીતે ફ્રીજમાં બરફ જામી જાય તો તેને તોડવા માટે ડિફ્રોસ્ટર બટનનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે જાગરણ એ તમારા જમા થયેલા કફને તોડવા માટેનું ડિફ્રોસ્ટર બટન છે. માટે ચોમાસા દરમિયાન એકાદ રાત્રિ જાગરણ કરવું હિતાવહ છે. દર્દથી પીડાઈને ઉજાગરો વેઠવા કરતાં ઋષિમુનિઓએ બતાવેલી રીતે જાગરણ કરવું એ મનુષ્ય જાતિના આરોગ્ય માટેની દીર્ઘદૃષ્ટિ છે. જાગરણ દરમિયાન ફિલ્મ, નાટક કે અન્ય મનોરંજનના કાર્યક્રમ જોવાને બદલે અગર પ્રાર્થના-પૂજા કે ધ્યાન ધરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે છે. રાત્રિના સમયમાં ટ્રાફિકનો કોલાહલ, કારખાનાંનો ઘોંઘાટ, પશુ-પંખી અને મનુષ્યના ચહલપહલનો અભાવ હોવાથી પરમ શાંતિનું વાતાવરણ બનેલું હોય છે. આથી આ સમયે કરેલા મંત્રોચ્ચાર મોજાંરૂપે વિના અવરોધે અનંત સુધી વિસ્તરી શકે છે. તેથી તેના લાભ ઓછા સમયમાં પ્રાપ્ત થાય છે. એટલે જ તો પૂજા-પાઠ, ધ્યાન-જપનું મહત્ત્વ બ્રહ્મમુહૂર્તમાં વધુ છે. સિદ્ધયોગીઓ રાત્રિના સમયમાં જ ખાસ અનુષ્ઠાનો કરતા હોય છે. આમ, જાગરણથી માત્ર શારીરિક જ નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસ પણ શક્ય છે. આપણા ઋષિમુનિઓએ જવારાને અને જાગરણને વ્રતો સાથે સાંકળી લઈ માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે.
ઘણી આધુનિક માતાઓ એમ કહીને પોરસાતી હોય છે કે તેમની દીકરી તો ખૂબ અભ્યાસ કરતી હોય તેને અમે વ્રત નથી કરાવતા પણ જ્વારાના ઉપર્યુક્ત ફાયદાઓ જોઈને તો એમ લાગે છે કે આ વ્રતો કિશોરીઓથી લઈ યુવતિઓના તન મન અને અભ્યાસમાં અડચણરૂપ નહીં પણ સહાયરૂપ બની રહેશે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


