શ્રી ગણપતિ, શ્રીકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી સરસ્વતી દેવી વગેરે દેવદેવીઓની મૂર્તિને મોટા મોટા મંદિરોમાં રેશમનાં વસ્ત્રો પહેરાવી તેમનો સુંદર રીતે શણગાર કરવામાં આવે છે. આવા કિંમતી રેશમી વસ્ત્રો શોભા વધારે છે એટલા માટે નહીં, પણ આ વસ્ત્રોને આપણા શાસ્ત્રોએ ખૂબ પવિત્ર ગણાવ્યા છે. તેથી જ મંદિરમાં પૂજા કરતાં પૂજારીઓ તથા પૂજાપાઠ કે હવન-યજ્ઞ જેવા શુભ કાર્યોમાં ભાગ લેનારી વ્યક્તિઓ રેશમી વસ્ત્રો પહેરીને જ કાર્ય કરે છે. આમ તો જાતજાતનાં અને ભાતભાતનાં વસ્ત્રોથી વિશ્વબજાર છલકાઈ રહ્યું છે. રેશમ ઉપરાંત કોટન, વુલન પોલિયેસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે અનેક જાતના કાપડનો કરોડોનો વેપાર થાય છે, પરંતુ આપણા ધાર્મિક કાર્યોમાં જેટલું સ્થાન રેશમને મળ્યું છે એટલું બીજા કોઈને મળ્યું નથી. એક જમાનામાં કીમતી રેશમી વસ્ત્રો ફક્ત રાજા-મહારાજા અને તેમની રાણીની જ શોભા વધારતા હતા. આજે સામાન્ય માણસના આમજીવનમાં પણ લગ્ન-વિવાહ જેવા પ્રસંગોમાં સલવારકુર્તા, ધોતિયા, પાનેતર, સેલા અને ઘરચોળાં વગેરે અનેક પ્રકારના વસ્ત્ર પરિધાનોમાં રેશમનું સ્થાન ઉચ્ચ ગણાય છે. ભારતમાં સદીઓથી પહેરાતાં આ રેશમી વસ્ત્રો આપણા જીવનમાં આજે પણ વૈજ્ઞાનિક રીતે કેટલા મહત્ત્વપૂર્ણ છે તેની વાત અહીં કરીશું.
રેશમ એટલે સ્માર્ટ વસ્ત્ર:
રેશમી તાર એકદમ પાતળો પણ મજબૂત, હલકાં પણ હૂંફાળા અને નાજુક છતાં સ્થિતિસ્થાપક હોવાને કારણે એને વણાટ કામ માટે એકદમ યોગ્ય ગણવામાં આવ્યા છે. રેશમના તારનો આડો છેદ કરવામાં આવે તો સહેજ ત્રિકોણિયા આકાર નજરે પડે છે. આ આકારને કારણે રેશમમાં કુદરતી ચમક વધુ જોવા મળે છે. રેશમના વધુમાં વધુ ભેજગ્રાહી સ્વભાવને કારણે ભાતભાતના રંગોથી તેને રંગી શકાય છે. રેશમના દોરા વર્ષો સુધી ખવાઈ જતાં નથી આથી વિવિધ એમ્બ્રોડરી-ભરતકામમાં ઉપયોગી છે. આમ રેશમમાં વિવિધ શેડ્સ, ડિઝાઇન અને ફિનિશિંગની શક્યતા અન્ય વસ્ત્રો કરતાં વધી જાય છે. ભૂતકાળમાં રેશમી વસ્ત્ર સોના-ચાંદીની જેમ એક જણસ ગણાતું હતું. ભારતની જેમ એશિયાના અન્ય દેશો-ચીન અને જાપાનથી પણ રેશમ યુરોપમાં ગયું અને બહોળી પ્રસિદ્ધિ પામ્યું. અલબત્ત, ‘પૂર્વથી પશ્ચિમ’ના જે માર્ગે આર્થિક વ્યાપાર થતો એમાં ‘પશ્ચિમ’ના દેશો સૌથી વધુ રેશમની જ આયાત કરતાં તે એટલે સુધી કે ‘ઈસ્ટ’ અને ‘વેસ્ટ’ને જોડતાં એ માર્ગનું નામ જ ‘સિલ્ક રૂટ’ પડી ગયું હતું. યુરોપના લોકોએ રેશમને એસ્થેટીક અપીલ ધરાવતું એટલે કે સૌંદર્ય અને કળાકારીગીરી ધરાવતું વસ્ત્ર કહીને નવાજ્યું છે.
રેશમના વેસ્ટેજ પણ મોઇશ્ચર (ભેજ)ને ગ્રહણ કરવાની શક્તિ ધરાવતાં હોવાથી ઉપયોગમાં આવે છે. જેમાંથી પાઉડર તેમ જ બીજી મેકઅપની સામગ્રી બનાવી શકાય છે જે મુખ અને શરીર સૌંદર્ય વધારવામાં મદદરૂપ છે.
રેશમ અને આરોગ્ય:
પવિત્ર ગણાતા રેશમને આટલું ઉચ્ચ સ્થાન મળવાના ઘણા કારણ છે. તેમાંથી સૌપ્રથમ કારણ એ છે કે રેશમને આરોગ્ય સાથે સીધો સંબંધ છે. રેશમનો કીડો પોતાની લાળ વડે જે કોશેટો તૈયાર કરે છે અને તેમાં જ તે પુરાઈ જઈ લગભગ ૧૫થી ૨૦ દિવસ સુધી સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે. આ અવસ્થા દરમિયાન પોતાનું રક્ષણ થાય તે હેતુ માટે જ કોશેટારૂપી કવચ તેણે તૈયાર કર્યું હોય છે. કોશેટોરૂપી કવચના દ્રવ્યો ગંદકી, હાનિકારક જીવજંતુઓ બેક્ટેરિયા, વિષાણુઓને પોતાનાથી દૂર રાખવાની શક્તિ ધરાવે છે. તેથી તેમાં રહેલા સુષુપ્ત કીડાનું સંપૂર્ણ રક્ષણ થાય છે. આમ આવો ગુણધર્મ ધરાવતા કોશેટાના તારમાંથી બનતા રેશમના વસ્ત્રોને પહેરવામાં આવે તો ઘણી બીમારીઓમાંથી બચી જવાય છે.
આપણે ત્યાં ઘણી જ્ઞાતિઓમાં સ્ત્રી રજસ્વલા થાય ત્યારે તેમને રેશમી વસ્ત્ર પહેરવાનું કહેવામાં આવે છે. રેશમ અભડાતું નથી એમ કહેવામાં આવે ત્યારે એનો અર્થ એ જ છે કે રેશમ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને પોતાનાથી અપાકર્ષણ કરી દૂર જ રાખે છે. જેથી યોનિ અને ગર્ભાશયને સૂક્ષ્મ જીવાણુથી થતા ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. એથી ઊલટું સુતરાઉ વસ્ત્ર અભડાય છે એમ કોઈ કહે તો એનો અર્થ એ જ કે ગ્રાહી ભેજસંચય વસ્ત્રોમાં ભેજ, ફૂગ, બેક્ટેરિયાને શરીરથી દૂર ધકેલવાની ક્ષમતા ઓછી છે. આથી રોગ થવાની સંભાવના બની રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ યુરોપના એક લેખકે, સંશોધનના અંતે શોધી કાઢ્યું છે કે ભારતના પ્રાચીન મિતાક્ષર ગ્રંથના મત પ્રમાણે – રેશમને વારંવાર ન ધુઓ તો પણ ચાલે કારણ કે રેશમમાં પોતાની જાતે જ માત્ર હવાના સંસર્ગમાં જ સ્વચ્છ થઈ જવાનો ગુણ છે. આથી જ આ લેખકે તેને “હવાથી ધોવાતું વસ્ત્ર” એવી ઉપમા આપી છે! વિજ્ઞાનની ભાષામાં કહી શકાય કે રેશમ એ એક સંપૂર્ણ હાઇજેનિક વસ્ત્ર છે. તેથી જ તો જૂના સમયમાં રસોઈ કરતી વખતે પુરુષ હોય કે સ્ત્રી બન્ને રેશમી વસ્ત્રો (અબોટિયા) પહેરીને જ રસોડામાં દાખલ થતાં હતાં. આ જ રીતે જમતી વખતે પણ દરેક વ્યક્તિએ રેશમી વસ્ત્ર પહેરીને જ ભોજન કરવાનો રિવાજ હતો. રસોઈની દરેક સામગ્રીમાં શુદ્ધતા અને સ્વચ્છતા જળવાઈ રહે અને અનેક રોગોથી બચાવ થાય તે જ મુખ્ય હેતુ આ રિવાજ પાછળ હતો. સમગ્ર કુટુંબમાં દરેક વ્યક્તિના આરોગ્ય અને સુખાકારી માટે આજે પણ આ રેશમી વસ્ત્રોનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ ગણાય એમાં કોઈ અતિશયોક્તિ નહીં કહેવાય. વળી રસોઈ કરતી વખતે ન કરે નારાયણને જો રેશમી વસ્ત્રને આગ લાગે તો એ થર્મોગ્રાફિક હોવાથી કોટનની માફક બળી રાખ થાય છે, જ્યારે નાયલોન, પોલિયેસ્ટર જેવા કૃત્રિમ રેસાથી થર્મોપ્લાસ્ટિક હોવાથી આગના સંપર્કમાં આવતાં જ પ્લાસ્ટિકની જેમ શરીરને ચોંટી જઈ ચામડીને વધુ નુકસાન પહોંચાડે છે.
માનવસર્જિત રેસા, રેશમ કરતાં થોડાંક જ મજબૂત હોય છે તેથી પોલિયેસ્ટર, નાયલોન વસ્ત્રો થોડા વધુ ટકાઉ છે, પરંતુ ભેજ ચૂસવામાં રેશમ કરતાં ક્યાંય પાછળ હોવાથી તે વસ્ત્રો શરીરનો પસીનો સારી રીતે શોષી શકતા નથી. પરિણામે ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે. રેશમી વસ્ત્રો ‘આઈસોથર્મલ’ ગુણધર્મ ધરાવે છે મતલબ કે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ પ્રદાન કરનાર છે આથી તે બારેમાસ પહેરવાને લાયક ગણાય છે.
રેશમમાં કુદરતી પ્રોટીન હોવાથી (રેશમ ૧૬ જાતના એમિનો ઍસિડ ધરાવે છે) તે એટલી સુધી ‘બોડી ફ્રેઇન્ડલી’ છે કે શરીર પણ તેનો વિરોધ કરવાને બદલે આવકારે છે. શરીરના ઑપરેશન દરમિયાન રેશમી દોરાથી લેવાતા ટાંકા સાથે શરીર મિત્રતાભર્યું વર્તન કરે છે. એટલે જ ટાંકા લેવા માટે રેશમ દોરા શ્રેષ્ઠ છે. વળી રેશમના તાંતણામાંથી જે વેસ્ટેજ નીકળે છે તેનો પૉલ્ટ્રીફાર્મમાં મરઘા-બતકોના ખોરાક બનાવવામાં ઉપયોગ થાય છે કારણ કે રેશમ આખરે તો કુદરતી પ્રોટીનયુક્ત, પૌષ્ટિક, કીડાના મુખમાંથી નીકળેલી લાળ છે. રેશમની ઉત્તમતા નીચની પંક્તિ દ્વારા બતાવી શકાય.
શિયાળે વુલન ભલું,
ઉનાળે સુતરાઉ,
ચોમાસે નાયલોન ભલું,
રેશમ બારે માસ!
રેશમ અને આધ્યાત્મ:
રેશમી વસ્ત્રને કાચ સાથે ઘસવાથી કાચ ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે એવું અભ્યાસમાં આવે છે. રેશમનું કુદરતી સક્રિય (એક્ટિવ) દ્રવ્ય જ આ વીજભારને ઉત્પન્ન કરે છે. વાતાવરણમાં અનેક જાતના તરંગો વહેતા રહેતા હોય છે. આમાંથી શુભ અને કલ્યાણકારી તરંગોને રેશમમાં રહેલું સક્રિય તત્ત્વ આકર્ષિત કરી શકે છે સાથે સાથે અશુભ કે નેગેટિવ ઊર્જાના તરંગોને પોતાનાથી અપાકર્ષણ દ્વારા દૂર રાખી તેને આપણા શરીરમાં પ્રવેશતા રોકે છે. જેનાથી મનની એકાગ્રતા વધે છે, આથી જ રેશમી વસ્ત્રો પહેરીને પૂજાપાઠ કે પ્રાર્થના કરવાથી આપણી શુભ ભાવના વધુ બળવાન બને છે અને માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. શુભ તરંગોને ઝીલી શકવાની ક્ષમતા ધરાવે છે માટે જ બહેન પ્રેમભાવના સંકલ્પ વડે ભાઈને રેશમી તારથી બાંધી રક્ષાકવચ ઊભું કરી શકે છે. આ ઉપરાંત વાણી કે મંત્રનાદની અસર પણ રેશમી વસ્ત્ર પર થયા વિના રહેતી નથી એટલે તાવીજ બાંધવામાં રેશમી દોરા અને વસ્ત્રોનો ઉપયોગ ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે જે અપવિત્ર અને અશુભને દૂર કરી તમારી તરફ મંગલકારી કિરણોને ખેંચી શકે છે. કોઈ વયોવૃદ્ધ કે પ્રખ્યાત વ્યક્તિનું સન્માન રેશમી શાલ ઓઢાડીને કરવામાં આવે ત્યારે પણ આવો જ શુભ ભાવ રહેલો હોય છે.
રેશમ અને પર્યાવરણ:
રેશમના કીડાના મોઢામાંથી લાળ સ્વરૂપે નીકળેલું રેશમ કુદરતી પ્રોટીન ધરાવે છે. તેથી જૂના ફાટી ગયેલા રેશમી વસ્ત્રોને ફેંકી દેવામાં આવે તો તે માટીમાં ભળી જઈ થોડા જ સમયમાં તેનું સેન્દ્રિય પદાર્થમાં પરિવર્તન થઈ જાય છે અથવા તો આ વસ્ત્રોને બાળી નાખીને પણ ઝડપથી નાશ કરી શકાય છે કારણ કે તે વાળ કે સુતરાઉ વસ્ત્ર બળે તેવી રીતે બળી જાય છે. તેમાંથી કોઈ હાનિકારક વાયુ ઉત્પન્ન થતા નથી, જ્યારે જૂના પોલિયેસ્ટર કે નાયલોન વસ્ત્રોને બાળવામાં આવે તો તેમાંથી નીકળતા હાનિકારક વાયુ વાતાવરણને ખૂબ જ પ્રદૂષિત કરે છે. આ વસ્ત્રોને ગમે ત્યાં ફેંકવાથી પ્લાસ્ટિકની જેમ પાણીના પ્રવાહમાં ભરાઈ જઈ ગટરોનું કાર્યતંત્ર વેરવિખેર કરી શકે છે. તે નદી-નાળા-જમીન પર પ્રદૂષણ ફેલાવવામાં મદદ કરે છે, કારણ કે માટીમાં ભળી જઈ સેન્દ્રિય પદાર્થમાં પરિવર્તિત થતાં ઘણી જ વાર લાગતી હોવાથી તેનો જલદી નાશ થતો નથી. આમ આ વસ્ત્રો પર્યાવરણના ચક્રમાં આડખીલી પેદા કરે છે, જ્યારે કુદરતી રેસામાંથી બનેલા સુતરાઉ અને રેશમી વસ્ત્રોને આ બાબતમાં પર્યાવરણના મિત્રો કહી શકાય. રેશમના કીડાનો ઉછેર શેતૂરના વૃક્ષ પર કરવામાં આવે છે. તેથી પ્રદૂષણ ઓકતા નાયલોન-પૉલિયેસ્ટરના કારખાનાને બદલે રેશમના ઉદ્યોગને પ્રોત્સાહન મળે તો ગ્રામોદ્યોગનો વિકાસ થાય અને જંગલોનું સંરક્ષણ થઈ શકવાથી પર્યાવરણ પણ જોખમાય નહીં. રેશમી વસ્ત્રોનું ઉત્પાદન વધે તેવા પ્રયત્નો થાય તો મોંઘુ ગણાતું રેશમ સહુને યોગ્ય ભાવમાં સુલભ થઈ શકે છે.
અહિંસક રેશમ:
રેશમ પ્રાપ્ત કરવા કોશેટાને ગરમ પાણીમાં ઉકાળવા પડે છે. આને લીધે રેશમના અનેક કીડા મરી જાય છે અને કોશેટાની ફરતેના લાંબા તાર આપણને અખંડ સ્વરૂપમાં મળે છે જેમાંથી રેશમી વસ્ત્ર તૈયાર થાય છે. જે અહિંસક હિન્દુઓ અને જૈનોને આ વાત ખટકતી હોય છે. આવા ચુસ્ત અહિંસકો પણ ‘સ્પન સિલ્ક’ના વસ્ત્રોનો છૂટથી ઉપયોગ કરી શકે છે. કારણ કે આ ‘સ્પન સિલ્ક’ અહિંસક રીતે બનાવવામાં આવે છે. જેમાં રેશમના કીડાને મારી નખાતા નથી. કોશેટામાં રહેલા સુષુપ્ત કીડાનો સમય પૂરો થતાં તે પતંગિયું બની કોશેટાને તોડી બહાર આવે છે અને ઊડી જાય છે. આમ ખાલી પડેલા કોશેટામાંથી જ રેશમના તાંતણા મેળવવામાં આવે છે. આ તૂટી ગયેલા કોશેટામાંથી આપણને લાંબા તાર નથી મળતા પણ રેશમના અસંખ્ય નાના તાંતણા પ્રાપ્ત થાય છે. આ તાંતણાને ટ્વીસ્ટ કરી તેમાંથી યાર્ન (દોરા) બનાવવામાં આવે છે. જેને સ્પન યાર્ન કહે છે. આના રાસાયણિક ગુણધર્મ લાંબા તારમાંથી મળતા રેશમ જેવા જ પરંતુ તાર થોડા જાડા અને ઓછી ચમક ધરાવતા હોય છે. આથી તેમાંથી બનતા રેશમી વસ્ત્રોની ચમક થોડી ઓછી થઈ જાય છે, પરંતુ તેમાં હિંસા ન થવાથી અહિંસકોના ચહેરાની ચમક વધી જાય છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


