એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ!
તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન!
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં
કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન!!
ગુજરાતી પ્રજામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે ઉપર્યુક્ત અખાના છપ્પા વાંચ્યા કે સાંભળ્યા ન હોય. આ છપ્પામાં લખાયેલી વાત એમના માટે એકદમ સાચી છે. જેમને બ્રહ્મ શું છે એ જાણવાનું મન થતું નથી એ તમામ માટે ઉપરોક્ત તમામ ક્રિયા આડંબર બની જાય છે, પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે જો પરમશક્તિને જાણવાની કે પામવાની તમારી ઇચ્છા હોય તો આ જ બધી ક્રિયા તમારા માટે સાધન બની જાય છે અને તમને પરમશક્તિ સુધી પહોંચાડવાનું અનુકૂળ વાતાવરણ સર્જી આપે છે. ધારો કે તમે મુંબઈના કોઈ પરાંમાં રહેતા હો અને સિદ્ધિવિનાયકનાં દર્શન કરવાની તમને અદમ્ય ઇચ્છા થાય, પરંતુ તે દિવસે બસ કે ટેક્સીની હડતાળ હોય તો તમે ટ્રેન પકડશો. ટ્રેન પણ બંધ હોય તો તમે ‘પગ’ને જ સાધન બનાવી મંજિલે પહોંચશો ખરા, પરંતુ તમને મન જ ન થતું હોય તો ગમે તેટલાં સાધનો તમારી સેવામાં હાજર હોય તમે ત્યાં નહીં પહોંચો અને પહોંચશો તો પણ માત્ર તમારું શરીર ત્યાં પહોંચશે, મન નહીં. આજનું વિજ્ઞાન પણ કહે છે કે કોઈ પણ કાર્ય સફળ બનાવવા માત્ર શરીર જ નહીં, મન (વીલપાવર) પણ એટલું જ જરૂરી છે. તુલસી દ્વારા શરીરનું આરોગ્ય જાળવ્યું હોય, સ્નાન દ્વારા શરીરને સ્વચ્છ રાખ્યું હોય, તિલક દ્વારા શરીરને સુગંધિત અને પ્રફુલ્લિત રાખ્યું હોય તો મનને સ્થિર થવામાં વાર લાગતી નથી. આથી ઊલટું અઠવાડિયાથી સ્નાન ન કર્યું હોય, શરીરમાંથી વાસ આવતી હોય, રોગ કે બીમારી હોય તો કોઈ પણ કાર્યમાં તમારું મન ચોંટશે ખરું? મનને રાજી રાખવા ખાતર પણ તનની સંભાળ જરૂરી છે. જેમ મન એ ઈશ્વરની દેણ છે, તો શરીર પણ એની જ દેણ છે. બન્નેને જે સારી દશામાં રાખી શકે છે એ જીતે છે. બન્નેમાંથી એક પણ નબળું હોય તો કાર્યસિદ્ધિ જોઈએ એટલી થતી નથી. સ્નાન, તિલક, તુલસી વગેરેના વિજ્ઞાન વિશે તો તમે અગાઉના પ્રકરણમાં ઘણું બધું વાંચી ચૂક્યા છો, પણ આજે જે વાત કરવી છે તે છે કથા-શ્રવણની.
ભગવાન (પરમશક્તિ)ને ભજવાનાં આપણાં શાસ્ત્રોમાં જે નવ પ્રયોગો બતાવ્યા છે એને નવધા ભક્તિ કહેવાય છે, જેમ કે દર્શન, પૂજા, અર્ચના, કથાશ્રવણ, ભજન-કીર્તન વગેરે વગેરે. આમાં કથા-શ્રવણ એ વધુ વ્યાપક, ઓછો ખર્ચાળ અને વધુ શક્તિનો સંચાર કરતો પ્રયોગ છે. એ કેવી રીતે તે આપણે જોઈએ.
વ્યાપકતા: લખી કે વાંચી નથી શકતી તેવી અભણ વ્યક્તિ, વૃદ્ધ સ્ત્રીઓ કે પુરુષો માટે કથા શ્રવણ એ પરમશક્તિની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ પર્યાય છે. મંત્રોનો શુદ્ધ ઉચ્ચાર કરવાની જેને આવડત કે પ્રેક્ટિસ નથી તે સુંદર વૈદિક ઋચા, રામાયણની ચોપાઈ કે ભગવદ્ગીતાના શ્લોક માત્ર સાંભળીને પણ મનને કેન્દ્રિત કરી શકે છે. જૂના જમાનામાં જ્યારે ભણતરનું પ્રમાણ ઓછું હતું ત્યારે કોઈ વિદ્વાન કથા-વાર્તા કરે અને હજારો લોકો સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરે એ શ્રેષ્ઠ વિકલ્પ હતો.
સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ ચાલ્યા કરે છે, પરંતુ ધ્વનિશક્તિ અમર છે. આપણા વેદ જે આજે વિદેશીઓ માટે પણ જ્ઞાનના ભંડારસમા બની ગયા છે એ સર્વે ‘સાંભળી’ને જ રચવામાં આવ્યા છે. માટે વૈદોને શ્રુતિ પણ કહેવાય છે. જૂના સમયમાં કાગળ-પેન્સિલના સ્થાને ઉચ્ચારણ અને શ્રવણ દ્વારા જ લોકોને જ્ઞાન આપવામાં આવતું હતું. એમાંય આપણા સંસ્કૃતના શ્લોકો કે મંત્ર વાંચીને નહીં, પણ સાંભળીને જ વધુ શીખી શકાય છે. કારણ કે સાંભળવાથી શબ્દોનાં ઉચ્ચારણ, લય, રાગ અને તાલની જે માહિતી મળે છે તે માત્ર વાંચવાથી નથી મળતી. આપણાં શાસ્ત્રોએ પ્રભુ-ભક્તિમાંય નવ-નવ પસંદગી આપી છે. જેથી સમાજનો કોઈ પણ વર્ગ પસંદગીના અભાવે મજબૂર અને નિરાશ ન થાય. ગરીબમાં ગરીબ માણસ હવન કે યજ્ઞ ન કરાવી શકે, પણ કથા-શ્રવણનો લાભ તો જરૂર લઈ શકે. નિરક્ષર વ્યક્તિ ગીતા વાંચી ન શકે, પણ સાંભળી જરૂર શકે. અતિવૃદ્ધો કે અપંગો પૂજા-પાઠ કે તીર્થયાત્રા ન કરી શકે, પણ કથાશ્રવણ જરૂર કરી શકે.
ખર્ચ ઓછો છે: યજ્ઞ, હોમ, હવન, પૂજા-અર્ચના વગેરેમાં ઘણી બધી સામગ્રીની જરૂર પડે, પરંતુ કથા-શ્રવણ માટે માત્ર ‘કાન’ની જરૂર પડે. માત્ર આર્થિક દૃષ્ટિએ જ નહીં. ઇન્દ્રિયનો ઉપયોગ પણ ઓછો થઈ જાય છે. પૂજા-પાઠ કે યજ્ઞમાં હાથ-પગ, મોં, જીભ, આંખ અને કાન-બધી ઇન્દ્રિયોને એલર્ટ રાખવી પડે, પરંતુ કથાશ્રવણમાં તમે મૌન બની જાવ, આંખો બંધ કરી દો, હાથ-પગ જોડીને બેસી જાવ તો પણ ચાલે, માત્ર કાન સરવા રાખવા પડે. ઇન્દ્રિયો જેટલી શાંત એટલું મન સ્થિર કરવામાં સફળતા મળે. કથાશ્રવણ દરમિયાન કાન સિવાય બધી જ ઇન્દ્રિયોને શાંત રાખી તમારી શક્તિને વેડફાતી અટકાવી શકાય છે. અશક્ત લોકો પણ કથા-શ્રવણમાં હોંશભેર ભાગ લઈ શકે છે.
શક્તિનો સંચાર થાય છે: ‘ધ્વનિ’ એ એક પ્રકારની શક્તિ છે તે તો આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઈ ચૂક્યું છે. એક નિષ્ણાત વ્યક્તિ મંચ પરથી સુંદર પ્રવચન કરતી હોય. વૈદિક મંગળગાન થતાં હોય. સુંદર તાલબદ્ધ શ્લોકો બોલાતા હોય અને આસપાસ શાંતચિત્તે બેઠેલી વ્યક્તિઓના કર્ણપટલ પર અથડાતાં હોય આથી સુંદર ક્રિયા બીજી કોઈ જ નથી.
અમેરિકાના ન્યૂરોલૉજીના નિષ્ણાતોએ તાજેતરમાં જ એક અહેવાલ બહાર પાડ્યો હતો તે મુજબ કાન અને મગજની ક્ષમતાને સીધો સંબંધ છે. કાનની નીચે કોઈને જોરદાર મુક્કો માર્યો હોય તો માણસ તમ્મર ખાઈને નીચે પડી જાય છે. મગજ હોશ ગુમાવી શકે છે. આથી ઊલટું કાનને સુંદર પ્રવચનરૂપી હળવો મસાજ મળે તો મગજની કાર્યશક્તિ વધી શકે છે. માણસ તો ઠીક વનસ્પતિ પણ સુંદર સંગીત સાંભળી ડોલી ઊઠે છે એ પણ હવે પ્રયોગ દ્વારા સિદ્ધ થઈ ચૂક્યું છે. જો તાલબદ્ધ સંગીત દ્વારા સુંદર ફેરફાર થતા હોય તો વૈજ્ઞાનિક, સૂરીલા શ્લોકો કે મંત્રોચ્ચારથી માણસના કાન પર અને તે દ્વારા મગજ પર અને અંતે મન પર કેટલી સુંદર છાપ પડે. મન જો સુંદર અને સ્થિર બની જાય તો દુનિયાનાં કોઈ પણ કાર્યો તમે સિદ્ધ કરી શકો.
પ્રાચીન જ્ઞાન-આજનું વિજ્ઞાન અને તમારા કાન: આધુનિક વિજ્ઞાન અને કાનની જ જ્યારે વાત નીકળી છે તો આપણે ત્યાં ઉપયોગમાં લેવાતા રીત-રીવાજો કે રૂઢિમાં કાન પર જે પ્રયોગ કરવામાં આવ્યા છે તેની વાત કરવાની લાલચ રોકી શકાતી નથી. દાયકાઓ પહેલાં શિષ્યને સજા કરવી હોય તો ગુરુજીઓ તેમને કાન પકડાવી ઊઠબેસ કરાવતા. આ સજા ખરેખર સજા નહીં, પણ મજા હતી. કાનની બૂટ પકડો ત્યારે કાન દબાણ અનુભવે છે. આ દબાણથી મગજના જ્ઞાનતંતુઓ સતર્ક થાય છે. વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ, સમજણશક્તિ અને સ્મરણશક્તિનો વિકાસ થાય છે. આવો વિદ્યાર્થી પછી વારંવાર ભૂલ કરતો નથી. મંદિરમાં દર્શન કરતી વખતે ઘણી વ્યક્તિઓ બે કાનની બૂટ પકડીને ક્ષમા-યાચનાના ભાવ સાથે ઊભી હોય તેની પાછળ પણ આજ તર્ક રહેલો છે.
કાનની બૂટને વીંધવાથી પણ મગજ સતેજ બને છે. આપણે ત્યાં સ્ત્રી હોય કે પુરુષ, પહેલાના જમાનામાં જે કાન વીંધાવવાનો રિવાજ હતો તે આ જ કારણે હતો. આજે પુરુષો થોડાક આ રિવાજમાંથી બહાર નીકળી ગયા છે, પરંતુ દીકરીના કાન વીંધાવવાનો રિવાજ હજી પણ યથાવત્ છે. પુરુષો ઑફિસેથી કામ કરીને આવે અને થાકી જાય છે, જ્યારે ઑફિસના કામ કરીને ઘરે આવતી સ્ત્રી એટલી જ ત્વરાથી ગૃહકાર્ય પણ કરી શકે છે. બાળકો તેમ જ સાસુ-સસરાની સેવા પણ કરી શકે છે. આવી ધન્ય નારીને વીંધાયેલા કાન મદદ કરતા હોય એવું ભવિષ્યમાં સાબિત થાય તો નવાઈ પામવા જેવું નથી. ભારતમાં એક વખત લગ્ન જેટલું જ મહત્ત્વ જનોઈને પણ અપાતું હતું. મગજનો કે બુદ્ધિનો ઉપયોગ કરતા બ્રાહ્મણ, વૈશ્ય કે ક્ષત્રિયોને માટે યજ્ઞોપવિત ફરજિયાત હતું, તો શૂદ્રો શારીરિક શ્રમ વધુ કરતા હોઈ યજ્ઞોપવિતનો રિવાજ તો હતો, પરંતુ તેમને માટે મરજિયાત હતો. કાનની ફરતે સૂતરની કે રેશમની જનોઈના ત્રણ આંટા મારવાથી કાન હળવું દબાણ અનુભવે છે અને તેના દ્વારા મગજની બેટરી ચાર્જ થઈ શકે છે તેમાં સંશય નથી. હાથીને બુદ્ધિશાળી પ્રાણી અને ગણપતિને ડાહપણના દેવ તરીકે આપણે જાણીએ છીએ. આ બન્નેના કાન સૂપડા જેવા વિશાળ છે.
ક્યાંક કથા ચાલતી હોય તો તમારા કાનનો બેધડક ઉપયોગ કરી લેજો. તમારાં પુત્ર-પુત્રી કે પૌત્ર-પૌત્રીઓને પણ કથામંડપમાં લઈ જજો. વીડિયો ગૅમ્સ કૉમ્પ્યુટર અને ટી. વી.ની જંજાળમાંથી થોડો સમય મુક્ત વાતાવરણમાં તેમના કાને સુંદર મંત્રો કે ઋચાઓ પડશે તો ફાયદો જરૂર થશે, નુકસાન તો કાંઈ છે જ નહીં.
ગર્ભવતી સ્ત્રીઓ પણ સુંદર વાર્તા કે કથા સાંભળે તો આવનારા બાળક ૫૨ સારી અસર થાય છે. અભિમન્યુ માતાના ગર્ભમાં જ યુદ્ધવિદ્યા સાંભળીને શીખી ગયો હતો એ તો મહાભારતમાં આવતી જગજાહે૨ કથા છે, પરંતુ તાજેતરના પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે કાન એ પાંચ ઇન્દ્રિયમાં એવી ઇન્દ્રિય છે જે ગર્ભકાળ દરમિયાન પણ કાર્યરત હોય છે. ગર્ભમાં બાળક તેની આસપાસની વ્યક્તિઓ દ્વારા થતો અવાજ સાંભળી શકે છે. બહારની દુનિયામાં આવીને તે મા-બાપનો અવાજ પળવારમાં ઓળખી જાય છે. ગર્ભકાળ દરમિયાન બાળકોના કાનમાં સુંદર મંત્રો કે શ્લોકો ઝિલાય તેનાથી વધારે રૂડું શું હોઈ શકે. આટલું જ નહીં કથા-સત્સંગ સમયે ઉચ્ચારાતાં આવા સુંદર વાક્યોથી વાતાવરણની પણ શુદ્ધિ થતી હોય છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


